
ભુજ: આફ્રિકા ખંડના ઈથોપિયાની ઇર્ટઅલે પર્વતમાળા પાસે, ઈથોપિયાની રાજધાની એડિસઅબાબાની ઉત્તર-પૂર્વ દિશાએ ૮૦૦ કિલોમીટર દૂર આવેલા હેયલી ગુબી જ્વાળામુખી ફાટતાં તેની અત્યંત ઝેરી પ્રકારની રાખનો ધુમાડો, રાતા સમુદ્રથી અરબી સમુદ્ર થઈને ગુજરાત સુધી પહોંચી રહ્યો હોવાના બિન સત્તાવાર અહેવાલ છે. જેના કારણે કચ્છના દરિયાઈ શહેરોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ઘણો નબળો નોંધાયો હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. તે ઉપરાંત સામાન્ય એવી ગંધ પણ આવી રહી હોવાનું ઉમેર્યું હતું.
આ રાખનો ધુમાડો ગુજરાત ઉપરાંત રાજસ્થાન, ઉત્તર-પશ્ચિમ મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા, પંજાબ થઈને છેક હિમાલયની પર્વતમાળાઓના વાતાવરણ પર પણ અસર કરશે. એડીસઅબાબાથી છેક કચ્છના બંદરીય માંડવી અને હિમાલયની પર્વતમાળાઓ સુધી આવેલી આ નવતર પ્રકારની આકાશી આફતને લઈને ભુજ-મુંબઈ સહિતની દેશભરની અન્ય વિમાની સેવાઓને અસર થવા પામી છે, ખાસ કરીને અખાતી દેશો અને ભારત વચ્ચેની વિમાની સેવાઓ પ્રભાવિત થવા પામી છે.
મળતી વિગતો પ્રમાણે, ઇથોપિયામાં આવેલા આ હેયલીગુબી નામના જ્વાળામુખી લગભગ ૧૨૦૦૦ વર્ષ બાદ સક્રિય થયો હોવાનું ભૂ-વૈજ્ઞાનિકો દ્વારા જણાવાયું છે અને ગત રવિવારે તેમાં વિસ્ફોટ થયા બાદ તેના ઝેરી ધુમાડા વાતાવરણમાં ૧૫૦૦૦થી ૪૫૦૦૦ ફુટ ઊંચે પહોંચ્યા બાદ તે પ્રતિ કલાકે ૧૦૦ કિલોમીટરથી ૧૫૦ કિલોમીટરની ગતિથી, રાતા સમુદ્ર પરથી અરબી સમુદ્ર થઈને ગુજરાત સુધી પહોંચી રહ્યો છે જેની અસર તળે ઠંડીના રાહત વર્તાઈ રહી છે અને લઘુતમ તાપમાનનો આંક ભુજ અને નલિયા ખાતે લગભગ ૨ ડિગ્રી સેલ્સિયસ જેટલો ઊંચો જવા પામ્યો છે. આ ઉપરાંત આકાશ પણ આછું કાળું, ઘેરા રંગનું ધીમે-ધીમે થઇ રહ્યું છે. તે ઉપરાંત ભુજનો AQI પણ 193 નોંધાયો હતો, જે મધ્યમ પ્રકાર ગણાય છે.
જ્વાળામુખીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ બાદ ઉભું થયેલા આ ‘ક્લાઉડ કવર’માં વોલ્કેનિક એશ એટલે કે, જ્વાળામુખીની રાખ, સર્ફર ડાયોક્સાઈટ અને કાચ-ખડકોના અવશેષ હોવાનું વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે જે ઘાતક અને જીવલેણ નીવડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, આ જ્વાળામુખી રવિવારે ભારતીય સમય પ્રમાણે બપોરના બે વાગ્યાના સુમારે ફાટ્યો હતો અને થોડા કલાકોમાં જ તેનું ઝેરી ‘ક્લાઉડ કવર’ ઓમાન અને યમન સુધી પહોંચી ગયું હતું, જ્યાંથી તે ગુજરાતના આકાશમાં પણ પ્રવેશી ચૂક્યું છે અને રાજસ્થાનના જયપુરમાં પણ તેની અસર વર્તાઈ રહી છે. આ જ્વાળામુખી વિસ્ફોટના સંદર્ભમાં ફ્રાન્સ ખાતે આવેલાં ‘ટાઉલાઉઝ વોલ્કેનિક એડવાઈઝરી સેન્ટર’ દ્વારા ઓમાન,યમન અને ભારતને માહિતી આપવામાં આવી રહી છે અને ભારત સરકાર તેમજ જુદી-જુદી એરલાઇન્સ આ ઝેરી ક્લાઉડ કવરનું ટ્રેકિંગ કરી રહ્યા છે. આજે રાત્રે દસ વાગ્યા સુધીમાં જ્વાળામુખીના વિસ્ફોટ બાદ ઉભા થયેલાં આ ક્લાઉડ કવરની અસર કચ્છ અને રાજધાની દિલ્હી સુધી વધતી જશે અને ઠંડી ગાયબ થવાની સાથે વાતાવરણમાં રાખની ગંધ પણ આવી શકે છે.
આ પણ વાંચો…ઇથિયોપિયા જ્વાળામુખીની રાખ દિલ્હી પહોંચી, એર ટ્રાવેલ પર વર્તાઈ ગંભીર અસર…



