કચ્છ ઠર્યું: નલિયામાં પારો ગગડીને 9 ડિગ્રીએ પહોંચ્યો, કાતિલ ઠંડીનું ‘ટોર્ચરમાં’ શરૂ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ લાંબી ઇંતેજારી બાદ જમ્મુ-કાશ્મીર, કેદારનાથ-બદ્રીનાથ,લેહ લદાખ અને સિમલા-કુલ્લુ મનાલી સહિતના પહાડી વિસ્તારોમાં થયેલી ભારે હિમવર્ષાની અસર હેઠળ સમગ્ર ઉત્તર ભારતની સાથે રણપ્રદેશ કચ્છ હાલ ધીરે-ધીરે શીત સકંજાની ચપેટમાં આવી રહ્યું છે. ઠંડીમાં સતત વર્તાઈ રહેલા ચઢાવ-ઉતાર વચ્ચે લઘુતમ તાપમાનનો આંક ગત સાંજ પછી ગણતરીના કલાકોમાં જ ત્રણથી ચાર ડિગ્રી જેટલો એકાએક ઘટી જતાં ઠંડીના ઓચિંતા આક્રમણથી જનજીવન ઊંઘતું ઝડપાયું છે.
ભુજમાં આજે લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રી સે.સાથે ૫૩ ટકા જેટલા ઊંચા ભેજના કારણે નોંધપાત્ર ઠંડી પડી રહી છે, અલબત્ત બપોરના ૧૨ વાગ્યા બાદ મહત્તમ તાપમાનનો આંક ૨૯થી ૩૨ ડિગ્રી વચ્ચે આવી જતાં બપોર હૂંફાળી બની જાય છે. ગુજરાતના સિમલા તરીકે ઓળખાતાં નલિયા ખાતે ૯.૫ ડિગ્રી સેલ્સિયસ જેટલું સિંગલ ડિજિટ લઘુતમ તાપમાન નોંધાતાં તીવ્ર બની રહેલા ઠારના ટોર્ચરથી જનજીવનને વ્યાપક અસર થવા પામી છે. વહેલી સવારે લોકો ઠેર ઠેર તાપણાં કરતા જોવા મળી રહ્યા છે. અહીં પણ મધ્યાહન બાદ મહત્તમ તાપમાનનો આંક ૨૯ ડિગ્રી સે.રહેતાં ઠંડીમાં રાહત થઇ જાય છે.
આ ઉપરાંત પૂર્વ કચ્છના રાપર અને ભારત પાકિસ્તાનની અંતરરાષ્ટ્રીય સરહદ પાસેના ગામો જેવાં કે,બાલાસર, લોદ્રાણી,બેલા ,લાકડા વાંઢ, વૃજવાણીમાં તાપમાન ૧૪ ડિગ્રી સેલ્સિયસ કે તેથી ઓછું રહેવા પામતા જનજીવનને ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઈશુના વિદાય લઇ રહેલાં અંગ્રેજી વર્ષના અંતિમ દિવસોમાં રહી રહીને ઠંડી હાવી થવા માંડતા મોડી સાંજ પછી ધોરીમાર્ગો પર લોકોની અવરજવર પાંખી થઇ જવા પામી છે. હિમવર્ષાને પગલે હવામાન વિભાગે ગુજરાતમાં પવનોના સુસવાટા સાથે ઠંડી હજુ વધવાની આગાહી કરી છે.
આપણ વાંચો: કચ્છમાં વહેલી સવારે 4.4 ની તીવ્રતા ભૂકંપનો આંચકો , લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા


