હવે કચ્છની બચેલી માત્ર ત્રણ માદા ઘોરાડને રેડિયો કોલર ટેગ લગાવાશે
રાજસ્થાનથી ઘોરાડના ઈંડા લાવીને માદા પાસે રાખવાની જમ્પ સ્ટાર્ટ પદ્ધતિના અમલીકરણ માટે લેવાયો નિર્ણય

ભુજઃ લુપ્ત થવાને આરે પહોંચેલા ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ એટલે કે ઘોરાડ પક્ષીને બચાવવા ચાલી રહેલા પ્રયાસ અંતર્ગત કચ્છમાં જીવિત બચેલી માત્ર ત્રણ માદા ઘોરાડ પક્ષીને રેડિયો કોલર ટેગ કરવા ભારત સરકારે વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, દેહરાદૂનને મંજૂરી આપી દીધી છે.
અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા આસપાસના ઘાસિયા મેદાનમાં હાલ આ માદા ઘોરાડ પક્ષી મુક્તપણે વિચરી રહ્યા છે. ભવિષ્યમાં રાજસ્થાનથી ફલિત ઈંડા લાવી ગુજરાતમાં જમ્પ સ્ટાર્ટ અથવા એગ સ્વેપિંગ ટેક્નોલોજીનો પહેલો ઉપયોગ થાય એ અગાઉ આ ટેગ લગાડવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે ગુજરાતના મુખ્ય વન સંરક્ષક અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન જયપાલ સિંઘએ જણાવ્યું હતું કે, રાજસ્થાનમાંથી જયારે ફળદ્રુપ ઈંડા ગુજરાત લાવવામાં આવશે, ત્યારે આ ટેગિંગ દ્વારા લોકેશન ટ્રેકિંગ સરળ પડશે.
બીજી તરફ કચ્છ જિલ્લાના મુખ્ય વન સંરક્ષક ડો. સંદીપકુમારના જણાવ્યા અનુસાર, માદા ઘોરાડને ટેગ કરવાથી જમ્પ સ્ટાર્ટ ટેક્નિક અમલમાં મૂકાશે ત્યારે માદા ઘોરાડ ક્યાં છે? ક્યાં સ્થળે ઈંડુ મૂક્યાની શક્યતા છે તે તમામ પરિબળો અને લોકેશન વૈજ્ઞાનિક ઢબે મળી શકશે.
આપણ વાંચો: કચ્છના ઘોરાડ પક્ષીને બચાવવા સમિતિએ સુપ્રીમ કોર્ટને દરખાસ્ત કરીઃ પાવર સપ્લાઈ કંપનીઓમાં ઉચાટ
આ રીતે કામ કરશે જમ્પ સ્ટાર્ટ પદ્ધતિ
કચ્છમાં બચેલી છેલ્લી માદા ઘોરાડ દર-વર્ષે ઈંડા મૂકે છે અને તેને માતૃત્વના ભાવ સાથે સેવે પણ છે, જો કે તે બિનફળદ્રુપ હોય છે. ૭ વર્ષથી કચ્છમાં નર ઘોરાડ નથી. ઘોરાડ માદા વર્ષમાં એક અથવા બે ઈંડા આપતી હોય છે.
જમ્પ સ્ટાર્ટ પદ્ધતિમાં વનવિભાગની યોજના મુજબ, જ્યારે કચ્છમાં માદા ઘોરાડ બિનફળદ્રુપ ઈંડુ સેવે ત્યારે જ રાજસ્થાન જેસલમેરથી ઘોરાડ માદાનું ફળદ્રુપ ઈંડુ કચ્છ વિમાન મારફતે લાવવામાં આવે, પછી તેને બદલી દેવામાં આવે જેથી નલિયાના ઘાસીયા મેદાનમાં માદા ઘોરાડ ફળદ્રુપ ઈંડુ સેવશે અને પેઢી આગળ વધી શકશે.
છેલ્લે ડિસેમ્બર ૨૦૨૦માં નલિયાથી ઊડીને લિફરી વિસ્તારમાં વનરક્ષકને જોવા મળેલો નર ઘોરાડ ગુમ થઇ ગયો ત્યારે છ માદા ઘોરાડ જીવિત હતી. જો આ નર ઘોરાડ અહીં હોત, તો કદાચ પરિસ્થિતિ આટલી ગંભીર ન હોત.
આપણ વાંચો: કચ્છના ઘોરાડ અભ્યારણમાં કેન્દ્રિય ટીમના ધામા: આ લુપ્ત થતાં પક્ષીને બચાવવાના ચાલી રહેલા પ્રયાસો
વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ સૂચવેલી ‘જમ્પ સ્ટાર્ટ’ પધ્ધતિ મુજબનો પ્રયોગ અગાઉ રાજસ્થાનના બ્રીડીંગ સેન્ટરમાં સફળતાપૂર્વક સાકાર થયેલો છે.
તેમણે ઉમેર્યું હતું કે, લુપ્ત થઇ રહેલાં ઘોરાડ પક્ષીના સંવર્ધન માટે સુપ્રીમ કોર્ટ રચિત નિષ્ણાત સમિતિએ રાજસ્થાન અને ગુજરાતના કચ્છ જિલ્લામાં ઊર્જા લાઇનો માટે સમર્પિત બે પાવર કોરિડોરનો પ્રસ્તાવ મૂક્યો છે. કચ્છમાં ૫૦૦ ચોરસ કિલોમીટર પ્રાથમિકતા ધરાવતો વિસ્તાર, ૨,૧૦૦ ચો.કિ.મી સંભવિત વિસ્તાર હતો અને ૬૭૭ ચો.કિ.મી વધારાનો મહત્વપૂર્ણ વિસ્તાર હતો.
આપણ વાંચો: કચ્છમાં દુર્લભ ઘોરાડ સહીત ૨૩૦ પ્રજાતિના પક્ષીઓ નોંધાયા, પ્રવાસી પક્ષીઓ પાકિસ્તાન તરફ વળ્યાં…
પવનચક્કીઓ બની રહી છે જીવલેણ
અત્રે એ ઉલ્લેખનીય છે કે, કચ્છના અબડાસા અને માંડવીના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનચક્કીઓ અને ઉદ્યોગો સામે સમયાંતરે ફરિયાદો ઉઠે છે. આડેધડ ઉભી કરવામાં આવેલી પવનચક્કીઓના કારણે લુપ્ત થવાને આરે પહોંચેલા રક્ષિત પક્ષી ઘોરાડ, રાષ્ટ્રીય પક્ષી મોર સહીત ૩૦ જેટલી મહત્વપૂર્ણ વન્યજીવ પ્રજાતિઓના મોતના બનાવો લગભગ દરરોજ સામે આવી રહ્યા છે.
ગુજરાત રાજ્ય વનવિભાગની વર્ષોથી રહેલી ઢીલી નીતિ અને યોગ્ય સમયે ન લેવાયેલા નિર્ણયના કારણે વર્ષ ૨૦૦૭માં ૪૮ ઘોરાડ પક્ષી હતા, તે આજે ઘટીને માત્ર ત્રણ થઇ ગયા છે. એ પણ માત્ર માદા ઘોરાડ બચ્યા છે.
ભારતમાં કચ્છ જ એક માત્ર સ્થળ છે, જ્યાં બસ્ટર્ડ પરિવારના ત્રણ પક્ષીઓ ઘોરાડ, ખડમોર અને હુબારા સાથે જોવા મળે છે. હાલ સ્થિતિ એવી છે કે, ઘોરાડ પક્ષી વિલુપ્તીના આરે ઉભું છે. ન માત્ર ઘોરાડ, પણ જો વીજલાઇન અંડરગ્રાઉન્ડ અથવા યોગ્ય નિર્ણય નહિ લેવાય તો અહીંની અન્ય ૩૦ વન્યજીવોનો પ્રજાતિ પણ મોતના મુખ્યમાં ધકેલાઈ જાય તેવી સ્થિતિ છે.