ભુજ

સોશિયલ મીડિયા પર ગેંગસ્ટર બનવાનો ક્રેઝ ભારે પડ્યો, ભુજમાં પાકિસ્તાની ગેંગસ્ટરના નામે ફેક ID બનાવનાર ઝડપાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ આજકાલની ફિલ્મોમાં ગ્લેમરાઈઝ કરીને દર્શાવાતા આંતરરાષ્ટ્રીય માફિયાઓને ‘રોલ મોડેલ’ બનાવવાનું ભુજના એક યુવકને ભારે પડ્યું હતું. નાપાક દેશ પાકિસ્તાનના જાણીતા ગેંગસ્ટર શાહબાજ ભટ્ટીને ફોલો કરી, તેના વ્યક્તિત્વથી અંજાઈ, આ ગુનેગારના નામે ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવનારો ભુજનો યુવક પોલીસની નજરે ચઢ્યા બાદ, તેની ધરપકડ કરતાં આ શખ્સના કબ્જામાંથી ૬૬૯ ગ્રામ ગાંજાનો જથ્થો, દેશી બનાવટની બંદુક, નકલી ભારતીય ચલણી નોટોના ૧૮૧ બંડલ, છરી અને કુહાડી સહીતનો મુદ્દામાલ મળી આવતાં ખુદ પોલીસ ચોંકી ઉઠી હતી.

કચ્છ જેવા અત્યંત સંવેદનશીલ વિસ્તારમાંથી સામે આવેલા આ ચોંકાવનારા બનાવ અંગે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પી.આઈ કે.એમ.ગઢવીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભુજ શહેરના ખાટકી ફળિયામાં રહેતો આફતાબ ઉર્ફે અલ્તાફ રજાક ખાટકી નામનો યુવક પાકિસ્તાની ગેંગસ્ટર શાહબાજ ભટ્ટીને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરે છે અને પોતે શાહબાજ ભટ્ટીના નામની ઇન્સ્ટા.પર બોગસ આઈડી બનાવી ગુનાહિત માનસિકતાથી પ્રેરાય તેવા વિડીયો અપલોડ કરતો હોવા અંગે ઇનપુટ મળ્યા હતા.

આ ઈનપુટના પગલે ગત શનિવારે મોડી રાત્રે અલ્તાફને ભુજના ભીડનાકા વિસ્તારમાંથી ઉઠાવી લેવાયો હતો અને એસઓજી કચેરી ખાતે તેની ઉલટ તપાસ કરવામાં આવી હતી. જેમાં આ યુવક પોતે અફઘાની ગાંજાનું છૂટક વેચાણ કરતો હોવાની કબૂલાત આપતા પોલીસે આરોપીના “સલીમ મંઝીલ” નામના ઘરમાં છાપો મારીને રૂ.૩૩ હજારની કિંમતના ૬૬૯ ગ્રામ ગાંજા સહીત ગેરકાયદેસર રીતે રાખેલો દેશી કટ્ટો, ત્રણ ફૂટેલા કાર્ટીજ તેમજ ટ્રોલીબેગ અને પેટીમાં રાખેલી ભારતીય નકલી ચલણી નોટોના ૧૮૧ બંડલ, ૧ છરી અને ૨ કુહાડી મળી આવતાં આરોપી અલ્તાફ ખાટકી વિરુદ્ધ એનડીપીએસ,આઈ.ટી એક્ટ,આર્મ્સ એક્ટ સહીતની કલમો તળે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

દરમિયાન આ યુવકે પોતાના અન્ય એક નંબર પરથી અલગ અલગ બે ઇન્સ્ટાગ્રામ આઈ.ડી પોતાના નામની બનાવી હતી. જે બાદ તેનો મોબાઈલ ફોન ખોવાઈ જતા નવો નંબર વસાવ્યો હતો. જેમાં વર્ષ ૨૦૨૪માં પોતાની જ એક આઈ.ડીનું નામ બદલી પાકિસ્તાનના ગેંગસ્ટર શાહબાજ ભટ્ટીના નામે આઈ.ડી બનાવી હતી અને આરોપીએ પાંચ વખત આઈડીના યુઝરનેમ બદલાવ્યાં હતા. આ આઈ.ડી પર શાહબાજને ગ્લોરિફાઈ કરતો એક વિડીયો પણ પોસ્ટ કર્યો હતો.

અલ્તાફે ગળપાદરથી ભરત વાઘેલા નામના શખ્સ પાસેથી ૧ કિલો ગાંજો રૂપિયા ૧૮ હજારમાં છુટક વેચાણ કરવા માટે ખરીદ્યો હતો. ગેંગસ્ટરોની જેમ બંદુક રાખવાનો શોખ હોવાથી બે માસ અગાઉ ભચાઉ તાલુકાના શિકારપુર ગામના મિત્ર સિકંદર ઈસ્માઈલ ત્રાયા પાસેથી દેશી બંદૂક ખરીદી હોવાની કબુલાત આપી હતી. આ ઉપરાંત નકલી નોટોના બંડલના વિડીયો બનાવી પોતે એક કા ડબલની ઠગાઈ આચરતો હોવાનું અને વિડીયો વોટ્સએપ મારફતે પોતાના મિત્રને પણ મોકલાવ્યો હોવાની કબુલાત આપી હતી. અલ્તાફને મોબાઈલ ફોનને સઘન તપાસ અર્થે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો હોવાનું એસ.ઓજી.ના પી.આઈ કે.એમ.ગઢવીએ ઉમેર્યું હતું.

આપણ વાંચો:  સુરતમાં 7 વર્ષની જૈન છોકરીની દીક્ષા પર પ્રતિબંધ, પિતાએ કરેલી અરજી કોર્ટે માન્ય રાખી

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button