હાશ ગૌમાતા બચી ગઈ ને કોઈ જાનહાનિ પણ ન થઈઃ આદિપુરમાં ગૌશાળામાં લાગી આગ

ભુજ: આ વર્ષે લાંબા સમય સુધી વરસેલા કમોસમી વરસાદના પગલે લીલા ઘાસચારાને નુકસાન પહોંચતાં હાલ લખપત સહિતના વિસ્તારોમાં લીલા ઘાસચારાની તંગી ઉભી થઇ છે તેવામાં અંજાર-આદિપુર માર્ગ પર બીમાર ગૌવંશની ચાકરી કરતી કામધેનુ ગૌશાળાના બે ગોદામોમાં રાતના લગભગ આઠેક વાગ્યે અગમ્ય કારણોસર ભભૂકેલી વિકરાળ આગમાં પશુપાલકો માટે અતિ કિંમતી ઘાસ ભસ્મીભૂત થઇ ગયું છે.
આ આગના પગલે અંદાજિત એક લાખ કિલોથી વધુના ઘાસ સહીત ૭૦-૮૦ લાખ જેટલી નુકસાની થયાની વિગતો આ ગૌશાળાના સંચાલક દિનેશ ઠક્કર દ્વારા જાણવા જોગમાં જાહેર કરાઇ છે.
આ પણ વાંચો: પશુ સહાયઃ ગુજરાત સરકારે ગૌશાળા-પાંજરાપોળોને ચૂકવ્યા 19.50 કરોડ
આગ લાગવાના બનાવના પગલે કંડલા બંદર, અંજાર નગર પાલિકા તેમજ વેલસ્પન કંપનીની ફાયર ટીમને જાણ કરાતાં તેઓ તુરત રવાના કરાઇ હતી. ભાંગતી રાત્રે આગ પર કાબુ મેળવી લેવાયો હોવાનું અંજાર સુધરાઈ પ્રમુખ વૈભવ કોડરાણીએ જણાવ્યું હતું.
સદ્ભાગ્યે ભયાનક આગજનીના આ બનાવમાં જાનહાની થઇ નથી, તેમજ ગૌવંશને સમયસર અન્યત્ર ખસેડાતાં તેઓ પણ સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 584 ગૌશાળા-પાંજરાપોળને પશુ નિભાવ સહાય
અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ થોડા દિવસો અગાઉ બન્નીના ગોરેવાલી ખાતે વનતંત્ર હસ્તકના ઘાસચારો રાખવાના ગોદામમાં અગમ્ય કારણોસર ફાટી નીકળેલી આગમાં બે લાખ કિલોથી વધુનો ઘાસચારો રાખ બની ગયો હતો. ગત વર્ષે પણ ઉનાળાની ઋતુ શરૂ થયા પહેલાં પણ ગોરેવાલીના પંચાયત હસ્તકના ઘાસના ગોદામમાં આગ લાગતા એક લાખ કિલો ઘાસ બળીને ખાખ થયું હતું.
પશુઓ માટે અતિ કિંમતી એવા આવા ઘાસના ગોદામમાં પણ સીસીટીવી કેમેરા લગાડવામાં આવે જેથી આવા બનાવ પાછળના કારણે જાણી શકાય તેમ જીવદયા પ્રેમીઓ જણાવી રહ્યા છે.