ભુજ

‘ક્રાઈમ પેટ્રોલ’થી પ્રેરિત તાંત્રિકનો ખેલ: ઘરની તકલીફો દૂર કરવાના બહાને પરિણીતાને બ્લેકમેઇલ કરીને….

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ બે-ત્રણ દિવસ અગાઉ ભુજના માધાપર ગામમાં નડતર દૂર કરી દેવાના બહાને એક યુવતીને સંમોહિત કરી, દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કરનારા વિશાલ રાજગોર નામના કહેવાતા તાંત્રિક વિરુદ્ધ ઘરની તકલીફો દૂર કરવાના બહાને ૨૦ વર્ષીય પરિણીત યુવતી પાસેથી રૂ.૩.૧૧ લાખ પડાવ્યા બદલ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાતાં ચકચાર મચી ગઈ હતી.

શું છે મામલો

ગત જુલાઈથી સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીના સમયગાળામાં માધાપરના ગંગેશ્વર રોડ પરના ભક્તિ પાર્ક ખાતે રહેતા મૂળ માંડવીના બાગ ગામના વિશાલ રાજગોર નામના કહેવાતા તાંત્રિકે અસાધ્ય બીમારી અને ઘરની અન્ય તકલીફો દૂર કરવા માટે તાંત્રિક વિધિ કરવી પડશે તેમ કહીને મહિલા પાસે વારંવાર પૈસાની માંગણી કરતો રહેતો હતો. દિવસ દરમિયાન યુવાન પરિણીતાને તાંત્રિક ઘરે એકલી બોલાવતો હતો અને એક
રૂમમાં જઈ, કપાળ પર કંકુનો ચાંદલો કરતો અને ખોટા મંત્રોચાર કરતો હતો.

તાંત્રિક વારંવાર યુવતીને તમારા પર કોઈએ ‘વિચ’ ક્રાફટ કર્યું છે. અને શરીરમાં શૈતાની આત્મા ઘુસી આવ્યો છે જેને બહાર કાઢવાનો છે’ તેમ કહીને યુવતીને જોરથી થપ્પડો મારતો, વાળ ખુલ્લા કરાવતો અને વિધિ કરવાના નામે તેની મરજી વિરુદ્ધ શારીરિક અડપલા કરતો રહેતો હતો. આ ઉપરાંત કહેવાતો તાંત્રિક જો તેને પૈસા નહીં આપવામાં આવે તો ઘરમાં અનેક તકલીફો આવશે તેવી ગર્ભિત ધમકીઓ આપીને ફરિયાદી મહિલા અને અન્ય કેટલાક સાક્ષીઓ પાસેથી કુલ રૂ. ૩,૧૧,૦૦૦ પડાવી લીધા હતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, તાંત્રિક સ્વરૂપવાન યુવતીઓને સંમોહિત કરીને શરીર સંબંધી ગુનાઓ આચરતો હતો. તેણે ટીવી ચેનલ પર આવતી ‘ક્રાઇમ પેટ્રોલ’ નામની સિરિયલના એક એપિસોડ જોઈને પ્રેરિત થઈને માધાપરમાં રહેતી એક યુવતીને નડતર હોવાના બહાને બેભાન કરીને દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કર્યો હતો. ભોગ બનનારે ફરિયાદ નોંધાવતાં માધાપર પોલીસે તેની ધરપકડ કરીને પાલારા જેલના હવાલે કરી દીધો હતો.

આપણ વાંચો:  કચ્છની જળસીમાએ માછીમારોના સ્વાંગમાં 11 પાકિસ્તાની ઘૂસણખોરો ઝડપાયા! આતંકવાદી કારસો?

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button