ભુજ

સુપ્રીમ કોર્ટનો આદેશઃ કચ્છમાં ઘોરાડ અભયારણ્યની સીમામાં થશે વધારો, વીજ લાઈનો માટે અલગથી બનશે કોરિડોર

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજઃ લુપ્ત થવાની કગારે પહોંચેલા ‘ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ’ એટલે કે, ઘોરાડ પક્ષીને બચાવવા માટે ચાલી રહેલા પ્રયાસો અંતર્ગત એકાદ વર્ષ અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશના પગલે કચ્છના અબડાસા વિસ્તારમાં આવેલા ઘોરાડ અભ્યારણમાં એક ટુકડીને સર્વેક્ષણ અર્થે મોકલવામાં આવી હતી. જેમાં પશ્ચિમ કાંઠાના અબડાસા અને માંડવીના ર૧ ગામોના ઈકો સેન્સિટીવ ઝોનનું સર્વેક્ષણ કરીને આ કેન્દ્રીય ટુકડીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ વિસ્તૃત અહેવાલ પ્રસ્તુત કર્યો હતો.

આ અહેવાલને અનુસંધાને સુપ્રીમ કોર્ટ દ્વારા ઘોરાડ પક્ષીના બચાવ માટે અભ્યારણમાંથી પસાર થતી હાઈ ટેંશન વીજ લાઈનોને તાત્કાલિક અન્ડરગ્રાઉન્ડ બનાવવા માટે કોરિડોર બનાવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ અભ્યારણની હદમાં વધારો કરવા સાથે અબડાસા વિસ્તારના ૧૪૪ જેટલા ગ્રામ્ય પંથકના ખેડૂતોને ખેતીવાડીનાં વીજ જોડાણો આપવાની નામદાર અદાલત દ્વારા છૂટ આપવામાં આવી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઘોરાડ પક્ષીના સંવર્ધન અને આ અભ્યારણના કડક નિયમોને લીધે ખેડૂતોને વીજ લાઈન લેવામાં આવી રહેલી સમસ્યા જેવા વિવિધ વિષયોનો ત્વરિત ઉકેલ લાવવા ગત ડિસેમ્બરમાં સુપ્રીમ કોર્ટના દિશા-નિર્દેશ પ્રમાણે કેન્દ્રીય સમિતિ ચેરમેન લલિત બોહરાની આગેવાની હેઠળની એક ટુકડી અભ્યારણના અભ્યાસ અર્થે આવી હતી. આગેવાનો, ખેડૂતો, વીજ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.

આ સર્વેક્ષણનો અહેવાલ સર્વોચ્ચ અદાલતને સોંપી દેવાયા બાદ આ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો. આ ચુકાદામાં ઘોરાડ પક્ષીનાં સંવર્ધન માટે વધુ તકેદારી રાખવા સાથે અભ્યારણના વિસ્તારમાં વધારો તેમજ ખેડૂતોને વીજ જોડાણો આપવાની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત ઘોરાડ પક્ષીના નિકંદન માટે જવાબદાર હાઈ ટેંશન વીજલાઇનો માટે ખાસ કોરિડોર બનાવવા સમિતિએ કરેલી ભલામણને પણ કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.

આ ચુકાદા અંગે પશ્ચિમ કચ્છ વિભાગના નાયબ વન અધિકારી હર્ષ ઠક્કરે જણાવ્યું હતું કે, નામદાર અદાલતના હુકમ અંગેનો હાલ અભ્યાસ ચાલુ છે. ઘોરાડ સંવર્ધન માટે અત્યાર સુધી ૫૦૦ સ્કેવર કિલોમીટર વિસ્તાર રક્ષિત હતો, તેમાં ૨૪૦ સ્કેવર કિ.મી.નો વધારો કરવામાં આવ્યો હોવાથી હવે ૭૪૦ ચો. કિ.મી.નું ઘોરાડ સંવર્ધન અભયારણ્ય હશે.

કચ્છના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા પાસેના આ અભયારણ્ય વિસ્તારમાં હવે પવનચક્કી કે ભારે વીજલાઇનો નાખવા પર ચુકાદામાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, જયારે ખેડૂતોને વીજ જોડાણ પ્રાપ્ત થઇ શકે તેવી ઇન્સ્યુલેટર કોટિંગ ધરાવતી ૧૧ કે.વી.એ.ની નાની વીજલાઇનો નાખવાની છૂટ આપવામાં આવી છે. નલિયા વિસ્તારની ઘાસિયા ભૂમિના સંરક્ષણ અભયારણ્યનો વિધિવત દરજ્જો આપવા સાથે વિસ્તારમાં વિદેશી વૃક્ષો-છોડને હટાવવાના પગલાં લેવાનું પણ જણાવાયું છે. ભવિષ્યમાં તજજ્ઞોનો અભિપ્રાય પણ લેવામાં આવશે તેમ ઠક્કરે ઉમેર્યું હતું.

દરમ્યાન, પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના ભુજ સર્કલના વડા તપન વોરાએ આ ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, કોરોના કાળના વર્ષ ૨૦૨૧થી અભયારણ્યના નિયમોને કારણે અટકી ગયેલા ખેત વિષયક વીજ જોડાણો ખેડૂતોને આપવામાં આવશે. વડી અદાલત દ્વારા ઘોરાડ સંવર્ધન માટે બે વિભાગ પાડવામાં આવ્યા છે, એક અગ્રતાવાળો અને બીજો શક્યતાવાળો વિસ્તાર ગણવામાં આવ્યો હોવાથી ઘોરાડની શક્યતા છે એવા વિસ્તારમાં વીજજોડાણ આપવાની સંમતિ મળી છે. આ ચુકાદાનો વનતંત્રને સાથે રાખીને વિસ્તૃત અભ્યાસ કરીને વિસ્તાર પ્રમાણે નિર્ણય લેવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, કચ્છના અબડાસા અને માંડવીના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનચક્કીઓ અને ઉદ્યોગો સામે સમયાંતરે ફરિયાદો ઉઠે છે. આડેધડ ઉભી કરવામાં આવેલી પવનચક્કીઓના કારણે લુપ્ત થવાની કગારે પહોંચેલા રક્ષિત પક્ષી ઘોરાડ, રાષ્ટ્રીય પક્ષી મોર સહીત ૩૦ જેટલી મહત્વપૂર્ણ વન્યજીવ પ્રજાતિઓના મોતના બનાવો લગભગ દરરોજ સામે આવી રહ્યા છે.

ગુજરાત રાજ્ય વનવિભાગની વર્ષોથી રહેલી ઢીલી નીતિ અને યોગ્ય સમયે ન લેવાયેલા નિર્ણયના કારણે વર્ષ ૨૦૦૭માં ૪૮ ઘોરાડ પક્ષી હતા, તે આજે ઘટીને માત્ર ચાર ઘોરાડ થઇ ગયા છે. એ પણ માત્ર માદા ઘોરાડ બચ્યા છે. ભારતમાં કચ્છ જ એક માત્ર સ્થળ છે, જ્યાં બસ્ટર્ડ પરિવારના ત્રણ પક્ષીઓ ઘોરાડ, ખડમોર અને હુબારા સાથે જોવા મળે છે.

આ પણ વાંચો…કોકાટેની વિધાનસભ્યપદ પર લટકતી તલવાર, હાઈકોર્ટના આદેશની નકલ મળતાં જ સુપ્રીમ કોર્ટમાં દોડી ગયા…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button