ગાંધીધામભુજ

શિણાયમાં પોલીસ કર્મચારીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું;વિવિધ દુર્ઘટનાઓમાં છના મોત

ભુજ: કચ્છમાં વીતેલા 24 કલાકમાં બનેલી વિવિધ અપમૃત્યુની ઘટનાઓમાં એક પોલીસ કર્મી સહીત છ લોકોના મોત થતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી છે. ગાંધીધામ ખાતેના શિણાય પોલીસ હેડક્વાર્ટરમાંથી ગત રવિવારે મોડી રાત્રે એક પોલીસ કર્મચારીએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઇ જવા પામી હતી.

આ પણ વાંચો: ભુજની પાલારા જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઇ ગયેલો નકલી કલેકટર ભોપાલથી ઝડપાયો

ભૂખ-તરસના કારણે મૃત્યુ:

પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, માનવતાને શરમાવે તેવી ઘટના કંડલા શહેર ખાતે બનવા પામી હતી જેમાં અત્રેના હાથ સર્કલથી એલ.પી.જી.સર્કલ તરફ જતાં રોડ પરથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ હતભાગી ભૂખ-તરસના કારણે મૃત્યુ પામ્યો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું હતું.

રસ્તા પરના ખાડામાં વાહન ઉછળતાં હેમરેજ:

બીજી તરફ, ભુજથી નલિયા તેમના મોટરસાઇકલ પર નીકળેલા અબુબકર લાંગા અને તેમના પત્ની સલમાબેન મોથાળા ચોકડી પાસે પહોંચ્યા ત્યારે ખાડામાં વાહન ઉછળતાં પાછળ બેઠેલા સલમાબેન નીચે પડી જતાં તેમને હેમરેજ સહિતની ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

અન્ય અપમૃત્યુની ઘટના મેઘપર ગામમાં બની હતી જેમાં ખાવડાના વીરમ બીજલ ચાડ નામના યુવકે ગત સાંજથી આજે સવાર સુધી પોતાની મેઘપરની વાડીના કૂવામાં કોઇ અગમ્ય કારણે ઝંપલાવીને આપઘાત કરી જીવન ટૂંકાવી લેતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરી આગળની તજવીજ આદરી છે.

આ પણ વાંચો: કચ્છના ચકચારી હનીટ્રેપ ગુનામાં દોઢ વર્ષથી ફરાર મહિલા વકીલ ભુજથી ઝડપાઇ…

બીજી તરફ, લખપત તાલુકાના દોલતપર ગામમાં તુલસી ફાર્મની આઇનોક્ષ કંપનીની સાઇટ પર લગાડવામાં આવેલાં વિન્ડફાર્મના પાંખડા પર કચ્છ કેરિયર્સ કંપનીનો ખલાસી પવનકુમાર મદનલાલ (રહે. મૂળ પંજાબ) મૃત અવસ્થામાં મળી આવતાં દયાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી છાનબીન આદરી છે. આ પ્રકારની વધુ એક ઘટના વરસાણા ગામમાં સ્થિત ઇસ્પાત કંપનીમાં બહાર આવવા પામી હતી જેમાં દિલીપ મનોરંજનદાસ નામનો યુવક કંપનીના બાથરૂમમાંથી મૃત હાલતમાં મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દરમ્યાન, પૂર્વ કચ્છના ગાંધીધામ ખાતેના શિણાય પોલીસ હેડક્વાર્ટરમાંથી ગત રવિવારે મોડી રાત્રે એક પોલીસ કર્મચારીએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઇ જવા પામી હતી. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ એલઆઇબી શાખામાં ફરજ બજાવતા ચન્દ્રપાલસિંહ જાડેજા નામના પોલીસ કર્મચારીએ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button