હાઇપર એક્ટિવ થયેલા ગોરા ડુંગર ફોલ્ટ પર ભૂકંપ આવવાની સંભાવના વિશે અભ્યાસ કરાશે

ભુજઃ ધરતીકંપ માટે અત્યંત સંવેદનશીલ કચ્છ જિલ્લામાં આમ તો સેંકડો ભૂકંપની ફોલ્ટલાઈનો આવેલી છે, પરંતુ ખાવડા અને ધોળાવીરા નજીક આવેલી ગોરા ડુંગર ફોલ્ટલાઇન અચાનક સક્રિય થતાં ભવિષ્યમાં વિનાશક ધરતીકંપ આવવાની પ્રબળ સંભાવનાનો તલસ્પર્શી અભ્યાસ કચ્છ યુનિવર્ટિસિટીના જિઓસાયન્સિસ વિભાગના ચિરાગ પરમાર, પ્રોફેસર સુભાષ ભંડારી દ્વારા હાથ ધરવામાં આવ્યું છે, જેમાં બે સદીમાં આ ગોરા ડુંગર ફોલ્ટલાઇન પર ઉદભવેલા ભૂકંપના આંચકાનું સંશોધન મુખ્ય છે.
આ સંશોધનમાં ગોરા ડુંગર ફોલ્ટ ઉપર થતા ભૂકંપો દ્વારા બનતા નિયોટેકટોનિક ફીચર્સ અને રચનાઓનો ઊંડો અભ્યાસ કરવામાં આવશે. આ ફોલ્ટ પર જૂના ભૂકંપો અને તેમના કારણે થયેલા ભૂગર્ભીય ફેરફારોનો પણ અભ્યાસ કરવામાં આવશે તેમજ ભવિષ્યમાં ગોરા ડુંગર ફોલ્ટ ઉપર ભૂકંપ આવવાની સંભાવનાનો ગહન અભ્યાસ કરવામાં આવશે.
કચ્છ યુનિવર્સિટી કરશે અભ્યાસ
આ અંગે ભુજના મુંદરા રોડ પર આવેલી કચ્છ યુનિવર્સિટીના જિઓલોજી વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ગૌરવ ચૌહાણના જણાવ્યા મુજબ વર્ષ ૧૮૧૯થી અત્યાર સુધીના ૨૦૦ વર્ષના ઇતિહાસમાં ચાર કે તેના વધુ તીવ્રતાના આ ફોલ્ટ પર ૬૧ જેટલા કંપન નોંધાયાં છે.
કચ્છ પ્રદેશ, દુનિયાના ઇન્ટ્રાપ્લેટ વિસ્તારોમાં વધુમાં વધુ ભૂંકપોનો અનુભવ કરતો પ્રદેશ છે, જ્યાં અનેક વિનાશક ભૂકંપો નોંધાયા છે. કચ્છને ફોલ્ટ કંટ્રોલ બેસિન તરીકે ઓળખવામાં આવે છે, જે દર્શાવે છે કે આ વિસ્તારનો જન્મ ફોલ્ટનાં કારણે થયો છે. કચ્છ વિસ્તારની વાત કરીએ તો, આ વિસ્તારમાં અનેક સક્રિય ફોલ્ટસ છે. તેમના કેટલાક મોટા અને મુખ્ય ફોલ્ટસમાં નગરપાર્કર ફોલ્ટ, ૧૮૧૯ના વિનાશક ભૂકંપ વખતે મોટા રણમાં બનેલો અલ્લાહબંધ ફોલ્ટ, આઇસ્લેન્ડ બેલ્ટ ફોલ્ટ, ગોરા ડુંગર ફોલ્ટ, કકીડિયા ફોલ્ટ, ગેડી ફોલ્ટ, બન્ની ફોલ્ટ, નોર્થ અને સાઉથ વાગડ ફોલ્ટ, ૨૦૦૧ના ભૂકંપનું કેન્દ્રબિંદુ એવો કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ, વિગોડી- ગુગ્રિયાના- ખીરસરા-નેત્રા ફોલ્ટ, નાઈરા રિવર ફોલ્ટ, કટ્રોલ હિલ ફોલ્ટ, સાઉથ કટ્રોલ હિલ ફોલ્ટ અને નોર્થ કાઠિયાવાડ ફોલ્ટનો સમાવેશ થાય છે.
કચ્છમાં થયા છે વિનાશક ભૂકંપ
કાળા ડુંગર અને અન્ય કેટલાક ડુંગરો દરિયાઇ સપાટી કરતાં ૧૦૦ મીટરથી વધુ ઊંચાઇ પર આવેલા દરિયાઇ જીવધારકો ધરાવતા પથ્થરો જ દર્શાવે છે કે આ વિસ્તાર ભૂકંપના કારણે કેટલો ઊંચો થયો છે. ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ના આવેલા વિનાશક ભૂકંપના કારણે કચ્છની જમીન અડધાથી એક ફૂટ ઊંચી થઇ હતી. ૧૮૧૯ના વિનાશક ભૂકંપ પછી આ વિસ્તારમાં સેંકડો નાના-મોટા ભૂકંપોનો અનુભવો થયો છે. ૧૮૧૯ના ભૂંકપે કચ્છ અને પાકિસ્તાનના વિસ્તારોમાં ભારે નુકસાન કર્યું હતું અને આ ભૂંકપે કચ્છના અર્થતંત્રને પણ મોટું નુકસાન પહોંચાડયું હતું. વર્ષ ૨૦૨૦ પછી, અમુક ભૂકંપો આશ્ચર્યજનક રીતે નોંધાઇ રહ્યા છે, જેમાં કાકીડિયા ગેડી ફોલ્ટ અને ગોરા ડુંગર ફોલ્ટનો સમાવેશ થાય છે, જે ફોલ્ટ પર અગાઉ ભૂકંપ આવી ચૂકયા છે અને વારંવાર ભૂકંપો આવે છે, તો તે નવાઇની વાત નથી.
આ મહત્ત્વપૂર્ણ છે કે તે ફોલ્ટ ઉપરથી ઊર્જા નીકળી જાય છે જે મોટા ભૂકંપોને ટાળી શકે છે. પણ હાલ, છેલ્લા દસ દિવસમાં જ ગોરા ડુંગર ઉપર બે ભૂકંપ નોંધાયા છે, જેમાંથી એકની તીવ્રતા ચારથી વધુ હતી. જો આ વિસ્તારમાં ગોરા ડુંગર ફોલ્ટ ઉપર કોઇ મોટો ભૂકંપ આવે તો, રણ પ્રદેશમાં પ્રવાસન તથા ખાવડાની આજુબાજુ પશ્ચિમ વિસ્તારમાં, રોડ ટૂ હેવન, પુરાતન નગર ધોળાવીરા, રિન્યૂએબલ એનર્જી પાર્ક અને મીઠાનાં ખેતરો સહિત આખા રણ વિસ્તારમાં ભારે તારાજી થઇ શકે છે તેમ તેમણે ઉમેર્યું હતું.