આ રીતે ઉડતું આવ્યું મોતઃ કચ્છમાં 17 વર્ષીય કિશોરના મોતનો વિચિત્ર કિસ્સો

ભુજઃ જેમનું મોત લખ્યું હોય તે ગમે તે રીતે આવે છે, તેમ કહેવાય છે. આ વાતને સાચી ઠેરવતી ઘટના કચ્છમાં બની છે. અહીં ગાંધીધામ તાલુકાના મીઠીરોહર ખાતે અકાળ મૃત્યુનો વિચિત્ર કિસ્સો બન્યો હતો, જેમાં પંક્ચરની દુકાનમાં રિપેર કરવામાં આવેલા વાહનના ટાયરનું લોક મિસાઈલ જેમ ઊડીને માથાંમાં વાગતાં પગપાળા જઈ રહેલા મૂળ બિહારના ૧૭ વર્ષીય મોહમ્મદ શેખ અફરોજનું મોત થયું હતું.
પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગત બપોરે દોઢ વાગ્યાના અરસામાં મીઠીરોહર ખાતે હિન્દુસ્તાન ટાયર નામની કેબિન નજીક અપમૃત્યુનો વિચિત્ર બનાવ બન્યો હતો જેમાં મૂળ બિહારના મુઝફ્ફરપુર વિસ્તારનો અને હાલે મીઠીરોહરમાં રહેતો ૧૭ વર્ષીય મોહમ્મદ શેખ અફરોઝ પગપાળા જતો હતો, હિન્દુસ્તાન ટાયર પંક્ચરની દુકાનમાં પંક્ચર રીપેર કરતી વેળાએ ટાયરનું લોક ઊડીને સીધું મોહમ્મદના માથાં-કપાળમાં લાગતાં ગંભીર ઈજાઓ થવાનાં કારણે સારવાર અગાઉ તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના સંદર્ભે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
અન્યોની બેદરકારીએ બે યુવાનના જીવ લીધા
બીજી તરફ અંજાર શહેરના વિજયનગર વિસ્તારમાં આવેલી શાળા નં.૧૩ની બાજુમાં રહેતા જિતેન હડિયા હાથમાં થયેલા ઈન્ફેકશન માટેની ગોળી ખાઈ રાત્રે ખાઈને નિંદ્રાધીન ગયો હતો. આ બાદ સવારે તે ન જાગતાં ત્વરિત ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવ સંદર્ભે અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
દરમિયાન બંદરીય શહેર માંડવીથી ચાર કિલોમીટરના અંતરે ગઢશીશા ધોરીમાર્ગ પરના રાયણ પાટીયા નજીક ચાલી રહેલા નવા પુલના નિર્માણ કાર્ય સંબંધિત કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાની વચ્ચે ચેતવણી વિના ખોદવામાં આવેલા ૧૫થી ૨૦ ફૂટ ઊંડા ખાડામાં ખાબકેલા યુવાન મોટરસાઇકલ સવારનું મોત થયું હતું.
ગત રાત્રીના દેવપરગઢ ગામના રહેવાસી ૧૯ વર્ષીય હિરેન્દ્રસિંહ તેજમલજી રાઠોડ મોટરસાઇકલ પર માંડવી તરફ આવી રહ્યો હતો ત્યારે અકસ્માતે ખાડામાં ખાબક્યો હતો જેમાં ગંભીર ઈજાઓના પગલે સારવાર અગાઉ તેણે દમ તોડી દીધો હતો.
મૃતકના પરિવારજનો સહિત સ્થાનિક લોકોએ આ દુર્ઘટના પાછળ કોન્ટ્રાક્ટર તથા કામદારોની બેદરકારી હોવાનો ગંભીર આક્ષેપ કરી જવાબદારો સામે શિક્ષાત્મક પગલાં ભરવાની માંગણી કરી છે.
 


