કચ્છના અમુક વિસ્તારો દીપડાથી પરેશાનઃ નખત્રાણામાં ફરી એક શ્રમજીવી થયો ઘાયલ | મુંબઈ સમાચાર

કચ્છના અમુક વિસ્તારો દીપડાથી પરેશાનઃ નખત્રાણામાં ફરી એક શ્રમજીવી થયો ઘાયલ

ભુજઃ સરહદી કચ્છના નખત્રાણા, અબડાસા સહિતના વિસ્તારોમાં ખૂંખાર રાની પશુ દીપડાઓની હાજરી વધવા પામી છે અને એક પછી એક માલધારીઓના પશુઓનો મારણ પણ કરી રહ્યા છે, છેલ્લા એકાદ મહિનાની અંદર જ કેટલાક પશુઓને મોતને ઘાટ ઉતારી દેનારા દીપડાઓએ નખત્રાણાના તાલુકામથકથી દક્ષિણ-પૂર્વ વિસ્તારના ખીરસરા (રોહા) વેરસલપર વચ્ચેના વાડી વિસ્તારમાં એક શ્રમજીવી ઉપર ઘાતક હુમલો કરતાં સમગ્ર પંથકના લોકો ભયના માર્યા ફફડી ઉઠ્યા છે.

સીમાડામાં રહેતા પરિવારો માટે ચિંતાજનક બનાવ અંગે રેન્જ ફોરેસ્ટર ધવલ દેસાઈએ જણાવ્યું હતું કે, ખીરસરાના પંકજ મણીલાલ લીંબાણીની વાડીમાં ખેતમજૂરી કરતા, માંડવી તાલુકાના મોડકૂબા ગામના રમેશ હમીર જોગી પર દીપડાએ ગત રવિવારની સાંજના પાંચેક વાગ્યાના અરસામાં હુમલો કરી તેને ઘાયલ કર્યો હતો. સદ્ભાગ્યે આસપાસના લોકો દોડી આવતાં ખૂંખાર દીપડાએ આ શ્રમિકને છોડી દેતાં તેનો ચમત્કારિક બચાવ થયો હતો. હાલ તેને મંગવાણાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો છે. સામાન્ય રીતે દીપડા તેના શિકારને મોઢામાં દબાવીને જંગલમાં ઓઝલ થઇ જાય છે

પણ આ ઘટનામાં લોહીલુહાણ થઇ ગયેલા શ્રમજીવીને પડતો મૂકીને દીપડો ચાલ્યો જતાં તેનો જીવ બચી ગયો હતો. પશુઓનું મારણ કરતાં રહેતા આ દીપડાને જંગલ ખાતા દ્વારા વેરસલપર-રોહા-ખીરસરા-દનણા સહિતના ગામોના સીમાડામાં ચાર જેટલા પીંજરાં મૂકીને તાત્કાલિક ધોરણે પકડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે તેમ તેઓએ ઉમેર્યું હતું.

દરમ્યાન, ખીરસરા (રોહા)ના પૂર્વ સરપંચ શાંતિલાલ માવાણીએ જણાવ્યું હતું કે, એક નહીં પણ ત્રણથી ચારની સંખ્યામાં આ વિસ્તારમાં ફરતા દીપડાથી વાડી-જંગલમાં જતાં લોકો ભયથી થરથરી રહ્યા છે. થોડા દિવસ અગાઉ અહીં એક દીપડાએ માલધારીના વાડાની બાર ફુટ ઊંચી દીવાલ કૂદીને એક વાછરડી, બકરાંનું મારણ કર્યું હતું. વારંવાર જંગલ ખાતાને જાણ કરવા છતાં નક્કર કાર્યવાહી કરવામાં ન આવતાં માનવ પર હુમલો થયાની ઘટના બની હોવાનું તેમણે રોષપૂર્વક જણાવ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button