ભૂજમાંથી ૪૧ લાખના કોકેઈન સાથે એસઓજીએ ઢાબામાલિક સહિત બે પેડલર ઝડપી પાડ્યા

ભુજઃ પાકિસ્તાનની ભૂમિ અને જળસીમાની તદ્દન નજીક આવેલું કચ્છ જાણે ડ્રગ્સ માફિયાઓ માટે મુખ્ય ટ્રાન્સિસ્ટ પોઇન્ટ જેવું બની રહ્યું હોય તેમ આ સરહદી જિલ્લામાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમતના કેફી દ્રવ્યો સતત મળી રહ્યાં હોવાના સંખ્યાબંધ બનાવો વચ્ચે પશ્ચિમ કચ્છના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ૪૧ લાખની કિંમતના ૪૧ ગ્રામ કોકેઈન સાથે ભુજના મિરજાપર માર્ગ પર આવેલી શાન એ પંજાબ હોટેલ કમ ઢાબાના માલિક સહીત બે યુવકોની ધરપકડ કરી છે.
આ અંગે એસઓજીના એએસઆઈ નરેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, શાન એ પંજાબ હોટેલના માલિક ગુરુદેવસિંઘ ઊર્ફે મનિન્દરસિંઘ સતનામસિંઘ કારૂ (ઉ.વ. ૩૧, રહે. મોગા, પંજાબ હાલ રહે. જલારામ સોસાયટી, એરપોર્ટ રોડ, ભુજ) અને ભુજમાં રહેતો તેનો મિત્ર મયૂર રસિકલાલ સોની (ઉ.વ. ૩૪, રહે. ઓક્સવુડ સોસાયટી, પ્રભુનગર- ૨, કોડકી રોડ) છ દિવસ પહેલાં પંજાબના ફિરોઝપુરથી અજાણ્યા શખ્સ પાસેથી ખરીદેલા માદક પદાર્થને ભુજ બહાર સગેવગે કરવાની તૈયારીમાં હોવા અંગે તેઓને અને હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજાને સંયુક્ત બાતમી મળી હતી.
આ બાતમીના પગલે મિરજાપર માર્ગ પર આ હોટેલ પાસે વૉચ ગોઠવીને ત્યાં આવી રહેલાં ગુરુદેવસિંઘને દબોચી લીધો હતો. ગુરુદેવે ડ્રગ્ઝ મયૂર સોની પાસે પડ્યું હોવાનું જણાવતાં પોલીસ તેને લઈને મયૂરના ઘેર પહોંચી હતી.
મયૂરે ડ્રગ્ઝનો જથ્થો ઘર બહાર પાર્ક કરેલી હ્યુન્ડાઇ આઈ ટ્વેન્ટી કારમાં પડ્યો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે કારની હેન્ડબ્રેક પાસે પ્લાસ્ટિકની કોથળીઓમાં રાખેલા કોકેઈન અને બે ગ્રામ અફીણને જપ્ત કર્યા હતાં. પોલીસને કારમાં રહેલા એક પર્સમાંથી ૩૨૦૦ રૂપિયા રોકડાં અને એક સ્માર્ટ ફોન મળી આવ્યો હતો. ગુરુદેવસિંઘની તપાસ સમયે પોલીસને ૬૭૦૦ રૂપિયા રોકડાં અને એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો.
પોલીસે ૪૧ લાખનું કોકેઈન, ૨૦૦ રૂપિયાનું બે ગ્રામ અફીણ, પાંચ લાખની કાર, ૯૯૦૦ રોકડાં રૂપિયા, દસ હજારના બે ફોન મળી કુલ ૪૬.૨૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બંને સામે સરકાર તરફે માનકૂવા પોલીસ મથકે એનડીપીએસ એક્ટની વિવિધ ધારાઓ તળે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: જેલમાં કેદ મુસ્કાનનો અશ્લીલ વીડિયો વાયરલ, પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી