કહેવાતા પત્રકાર અને એક્ટિવિસ્ટ બ્લેકમેઈલિંગ અને દુષ્કર્મના કેસમાં પકડાયા

ભુજઃ ભુજના માધાપર ગામની મહિલાને બ્લેકમેઈલ કરીને પચાસ હજાર રૂપિયા પડાવવાના તથા વારંવાર દુષ્કર્મ આચરવાના ચકચારી ગુનામાં પોલીસે ભુજના કહેવાતા પત્રકાર સલીમ મામદ કુંભાર અને તેની પત્ની હમીદાની ધરપકડ કરી છે.
આ અંગે માધાપર પોલીસે જણાવ્યું હતું કે, આરોપી પોતાની પત્રકાર તરીકે ઓળખ આપીને છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન વિવિધ સરકારી વિભાગોમાં ૧૨૦ અરજીઓ કરેલી છે. રાઈટ ટૂ ઈન્ફોર્મેશન એક્ટ તળે ૩૨ અરજીઓ કરેલી છે જે પૈકી ૧૬ અપીલ કરેલી છે. પોલીસ વિરુધ્ધ પણ ૧૩ અરજીઓ કરેલી છે. તેની પત્ની હમીદાએ પણ છેલ્લાં ૩ વર્ષમાં ૪ અરજી કરેલી છે. પોલીસ સામે બે અરજી કરેલી છે.
માધાપરની મહિલા સાથે પરિચય કેળવ્યાં બાદ સલીમ અને હમીદાએ તેને પુત્રના બર્થડેની ઉજવણીના નામે ઘરે બોલાવી, ફ્રૂટ જ્યુસમાં કોઈ કેફી પીણું પીવડાવી દેતાં તેને ઘેન ચઢેલું અને તે ઊંઘી ગયેલી. સલીમ હમીદાએ આ મહિલાનો નગ્ન ફોટો પાડીને તેને બ્લેકમેઈલ કરવાનું શરૂ કરીને અલગ અલગ સમયે પચાસ હજાર રૂપિયા પડાવેલાં. સલીમે ફોટો વાયરલ કરવાની તથા મહિલાની દીકરીને મારી નાખવાની ધમકી આપીને અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મનો ગુનો દાખલ થયા બાદ સલીમ અને તેની પત્ની હમીદાની ધરપકડ કરીને માધાપર પોલીસે તેમની આખી કરમકુંડળી તૈયાર કરી છે. પી.આઈ ડી.એમ. ઝાલાએ આ યુગલ સામે કોઈ ફરિયાદ હોય તો લોકોને નિઃસંકોચ આગળ આવી ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સલીમ વારંવાર આરટીઆઈ કરી તથા પોતાને પત્રકાર ગણાવીને સરકારી તંત્રો પર દબાણ લાવવાની ટેવવાળો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સલીમ અને તેની પત્ની હમીદા સામે અગાઉ ભુજ એ અને બી ડિવિઝન પોલીસ મથકોમાં પાંચ ગુનાઓ દાખલ થયાં હોવાનું પોલીસે જણાવ્યું છે.
આપણ વાંચો: ભૂતિયા શિક્ષકો બાદ હવે કચ્છમાં ભૂતિયા બિલનું કૌભાંડ?
ભુજના કેમ્પ એરિયાના ડી.પી. ચોકમાં રહેતા સલીમ કુંભાર સામે અગાઉ ૨૪ વર્ષીય મહિલા વકીલની છેડતી તથા તેને જાનથી મારી દેવાની ધમકી આપવી, ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં સાગરીતો સાથે જઈને એએસઆઈને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપવા સાથે ધક્કો મારીને ફરજમાં અડચણ ઊભી કરવી, પડોશમાં રહેતાં યુવક અને તેના પરિવાર જોડે અંગત અદાવતમાં ઝઘડા કરી ધમકીઓ આપવી તથા એક ગુનામાં આરોપીના જામીન કરાવવા આવેલા ૬૦ વર્ષીય વૃધ્ધની સરકારમાં મિલકત જપ્ત કરાવી દેવા સહિતની ધમકી આપવી મળી પાંચ ગુના દાખલ થયેલાં છે.