
ભુજઃ શરાબના કાળા કારોબાર પર ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ સેલે વહેલી સવારે ભુજ તાલુકાના કેરા ગામે જડેશ્વર મંદિર નજીક ખુલ્લાં ચોગાનમાં શરાબના થઇ રહેલાં કટિંગ ટાંકણે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને દરોડો પાડી, ૧ કરોડ ૨૮ લાખ ૩,૮૦૮ની કિંમતનો શરાબનો જથ્થો પકડી, ૨૨ જેટલા શખ્સોની ધરપકડ કરી લેતાં કચ્છ સહીત રાજ્યભરના પોલીસ બેડામાં ચકચાર મચી છે.
શરાબની બદીને નાથવા માટેના આ મહત્વપૂર્ણ ઓપરેશન અંગે એસ.એમ.સીના પી.એસ.આઈ એસ.આર. શર્માએ જણાવ્યું હતું કે, પૂર્વ બાતમીના આધારે કેરા ગામના પ્રખ્યાત જડેશ્વર મહાદેવના મંદિર પાસેના ખુલ્લા ચોગાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ વેળાએ રાજસ્થાન પાસિંગના સિમેન્ટ બલ્કરમાં છુપાવીને લાવવામાં આવેલી દારૂની બાટલીઓ સ્થળ પર પાર્ક થયેલી બોલેરો પીકઅપ અને ટાટા મીની ટ્રકમાં શ્રમિકો ગોઠવી રહ્યા હતા. ચોગાન પરથી પોલીસે બોલેરોના ડ્રાઈવર ગોપાલસિંહ બનેસિંહ વાઘેલા (રહે. કેરા), મીની ટ્રકના ડ્રાઈવર શિવરાજ વીરમ ગઢવી (રહે. અલીપુર, અંજાર), ડ્રાઈવર કમ હેલ્થર ગોપાલ કેશાજી રાજગોર (રહે નવાનગર, પાનધ્રો, લખપત) ઉપરાંત ૧૩ પરપ્રાંતીય શ્રમિકોની ધરપકડ કરી, ૧.૨૮ કરોડના શરાબ ઉપરાંત ૪૨ લાખના ૩ વાહનો, ૨૫ હજારના ૫ સ્માર્ટફોન વગેરે મળી કુલ ૧ કરોડ ૭૦ લાખ ૨૮ હજાર ૮૦૮ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી માનકૂવા પોલીસ મથકે સુપ્રત કર્યો છે.
ઝડપાયેલાં ૧૬ આરોપીઓ ઉપરાંત અનોપસિંહ સહિત શરાબનો. જથ્થો મોકલનાર શખ્સ, ટેન્કર લઈ આવનાર ચાલક અને ટેન્કર, મીની ટ્રક અને બોલેરોના માલિક વગેરે મળી ૬ શખ્સોને વોન્ટેડ દર્શાવ્યાની સાથે ૨૨ જણ સામે પ્રોહિબિશનની વિવિધ કલમો તળે સરકાર તરફે માનકૂવા પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાવાઈ છે.
દારૂનો જથ્થો કેરા ગામે રહેતા બૂટલેગર અનોપસિંહ અભેસિંહ રાઠોડે મગાવ્યો હતો, પરંતુ તે પકડથી દૂર હોવાનું એસ.આર. શર્માએ ઉમેર્યું હતું
વારંવાર કચ્છમાંથી ઝડપાઈ છે દારૂનો જથ્થો
ઉલ્લેખનીય છે કે, વીતેલા ૫૫ દિવસમાં પશ્ચિમ કચ્છમાં સ્ટેટ મિનિટરિંગ સેલ દ્વારા પાડવામાં આવેલી આ ચોથી રેઈડ છે, આ અગાઉ ૩૦ એપ્રિલે માનકૂવા પોલીસ મથકની હદમાં આવતા નારાણપર પસાયતી ગામે એક રહેણાક મકાનમાં દરોડો પાડીને ત્રણ લાખના ઈંગ્લિશ શરાબ સાથે પ્રકાશ ફલ નામના શખ્સની ધરપકડ કરી હતી, ગત ૨૩ મેના રોજ ત્રગડીમાં કાર્યવાહી હાથ ધરીને ૮૩.૭૮ લાખનો શરાબનો જથ્થો પકડ્યો હતો, ૨૮ મેના રોજ ભુજમાં ચાલતી કારે ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગ રમાડતા સ્મિત ઠક્કર નામના બુકીને દબોચી લીધો હતો અને હવે કેરમાંથી જંગી માત્રામાં શરાબ ઝડપ્યો છે તેમ એસએમસીના વડા નિર્લિપ્ત રાયે જણાવ્યું હતું.
પશ્ચિમ કચ્છ પોલીસના ઈતિહાસમાં સૌપ્રથમવાર ૧.૨૮ કરોડની કિંમતનો વિદેશી શરાબનો જંગી જથ્થો ઝડપાયો છે. આ અગાઉ ગત ૨૩ મેના રોજ માંડવીના ત્રગડી ગામે કટિંગ ટાણે ત્રાટકીને સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ૮૩,૭૮ લાખનો શરાબ ઝડપ્યો હતો. દરમ્યાન,સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડાના પગલે દોડતી થયેલી સ્થાનિક ગુન્હાશોધક શાખાએ ભુજ એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા ક્ષેત્રપાળ સ્ક્વેર-૨ બિલ્ડીંગના પાર્કિંગમાં રહેલી બિનવારસી અલ્ટો કારમાંથી ૩.૬૪ લાખનો શરાબ ઝડપી, આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો…હલકી ગુણવત્તાના શરાબની બૉટલો પર બ્રાન્ડેડ કંપનીનાં લેબલ લગાવીને વેચનારા પકડાયા…