ભુજ

કચ્છમાં વિતેલા 24 કલાકમાં છ જણ મોતને ભેટ્યાઃ એક શ્રદ્ધાળુનું કૈલાશ માનસરોવર ખાતે મોત

ભુજઃ કચ્છમાં અકસ્માત અને આત્મહત્યાનો સિલસિલો યથાવત રહ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં કિશોર અને વૃદ્ધ સહિત છ જણ મોતને ભેટ્યા છે. બંદરીય મુંદરા ખાતે શેરીના નાકે ઓટલા પર બેઠેલા ૯૦ વર્ષના ભચીબેન સાલેમામદ કુંભાર રિવર્સમાં આવતી પાડોશીની તૂફાન જીપ હેઠળ આવી જતાં મોતને ભેટ્યાં હતાં, ભુજ તાલુકાના સુમરાસર શેખમાં જનત મજીદ શેખ નામની ૩૩ વર્ષની પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જયારે મુંદરા તાલુકાના લુણીના રફ બનેલા સમુદ્રમાં ન્હાવા પડેલા ૧૬ વર્ષીય કિશોરનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું, આ ઉપરાંત અબડાસાના ડુમરા ખાતે રહેનારા યુવાને ગળેફાંસો લગાવી પોતાનો જીવ લીધો હતો, વિંઝાણમાં સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાટમાં આવી ગયેલા ગરમ મિજાજના યુવકે ટાઈલ્સ ચમકાવાનું લીક્વીડ પી લઈને આત્મહત્યા કરી લીધી હતી, બીજી તરફ આદિ કૈલાશ માનસરોવરની યાત્રા પર ગયેલી ગાંધીધામના એક મહિલા શ્રદ્ધાળુ પર ગૌરીકુંડ નજીક પહાડો પરથી પથ્થર પડતાં તેમને ઘટનાસ્થળે જ કાળ આંબી ગયો હતો.

પોલીસ કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, મુંદરા શહેરના ગુજરાવાસમાં રહેતા ભચીબેન કુંભાર સવારના પોણા નવ વાગ્યાના અરસામાં શેરીના ઓટલા પર બેઠા હતા ત્યારે ખંજન નામના પાડોશીએ તેની તૂફાન જીપ (નં. જી.જે.-૧૨-ઝેડ- ૬૮૪૬)ને આસપાસ જોયા વિના બેદરકારીપૂર્વક રિવર્સમાં લેતી વેળાએ ભચીબેનને કચડી નાખતાં તેમનું ગંભીર ઈજાઓના પગલે બનાવ સ્થળે જ મોત નીપજ્યું હતું. મર્હુમ ભચીબેનના પુત્ર હુસેને મુંદરા પોલીસ મથકે પાડોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ભુજ તાલુકાના સુમરાસર શેખમાં બહાર આવેલા અપમૃત્યુના બનાવમાં અહીં રહેનારી જનતબાઇ શેખ નામની પરિણીતાએ સવારના દસ વાગ્યાના અરસામાં પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ મોતનો માર્ગ અપનાવી લેતાં માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી નિવેદન લેવા સહિતની કાર્યવાહી સાથે તપાસ હાથ ધરી છે.

બીજી તરફ, મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ મુંદરાના બારોઇ માર્ગ પર રહેતા રાજસિંહ ઉર્ફે રાજ બહાદુરસિંહ નામનો કિશોર ગત સોમવારે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં લુણીના રફ બનેલા સમુદ્રમાં ન્હાવા માટે ગયો એ દરમિયાન સમુદ્રના ઊંડા પાણીમાં ગરક થઇ જતા તેનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે મરીન પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય આપઘાતનો કિસ્સો પશ્ચિમ કાંઠાના અબડાસા તાલુકના ડુમરા ખાતે રહેતા નીલેશ મંગળ કોલી નામના ૩૦ વર્ષીય યુવકે કોઈ અજ્ઞાત કારણોસર પોતાના ઘરે સિલિંગ ફેનમાં દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું.
આ ઉપરાંત વિંઝાણમાં રહેતા ૪૦ વર્ષીય અમરેશ ઈબ્રાહીમ કોલીની તેના પરિચિત સાથે સામાન્ય બાબતે થયેલી રકઝક અંગેનું મનમાં લાગી આવતાં ટાઈલ્સને ચમકાવવાનું લીક્વિડ ગટગટાવી લીધું હતું. હતભાગીને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત ઘોષિત કર્યો હતો.

આપણ વાંચો:  અમદાવાદમાંથી વધુ 2 બાંગ્લાદેશી ઝડપાયા, નકલી પાસપોર્ટના આધારે 12 વર્ષથી રહેતા હતા

જાત્રાએ ગયા ને મોત મળ્યું

ગાંધીધામથી જાત્રા કરવા ગયેલાં ૬૫ વર્ષના દેવયાનીબેન ચુન્નીલાલ સાવલાનું અશ્વ પર સવાર થઈને ગૌરીકુંડ જતી વેળાએ માથાં પર તોતિંગ કદનો પથ્થર પડતાં મોત નીપજતાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી છે.

આ દર્દનાક હાદસો ગત સોમવારના બનવા પામ્યો હતો જેમાં હોસ્પિટલના પૂર્વ કર્મી એવા દેવયાનીબેન પાર્વતી સરોવર, શિવ મંદિર અને આદિ કૈલાશના દર્શન કર્યા પછી, ઉબડ-ખાબડ પહાડી માર્ગ પર અશ્વ પર સવાર થઈને ગૌરીકુંડ તરફ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક તેમના પર ઉપરથી કાળ બનીને ત્રાટકેલો એક વિશાળ પથ્થર ખાબક્યો હતો અને ગંભીર ઈજા થતા તેમનું તત્કાળ મૃત્યુ નિપજ્યું હતું જયારે અશ્વને ઈજાઓ પહોંચી હતી. હજારો ફુટ ઉંચાઈ પરથી મૃતક વૃદ્ધાને નીચે લઈ આવવા માટે ભારતીય સેનાની મદદ લેવાઈ રહી છે.

તેમના પરિવારને દુર્ઘટના અંગે જાણ કરાયા બાદ સેનાની મદદથી મૃતદેહને બેઝ કેમ્પ સુધી લઈ અવાયો હતો. તેમના પુત્ર અને પુત્રવધુ મૃતદેહ લેવા માટે કચ્છથી રાજધાની દિલ્હી પહોંચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button