કાઉન્સિલરના પુત્ર સહિત કચ્છમાં આત્મહત્યા અને અકસ્માતમાં સાતનો જીવ ગયો

ભુજઃ સીમાવર્તી કચ્છમાં વિષમ વાતાવરણ વચ્ચે બનેલી વિવિધ અપમૃત્યુની દુર્ઘટનાઓમાં સાત લોકોના અકાળે મોત નિપજયા છે.
પૂર્વ કચ્છના અંજારની જન્મોત્રી સોસાયટીમાં રહેતા મહિલા કાઉન્સિલરના પુત્ર દશરથ કાનજી ખાંડેકા (ઉ.વ.૩૨)એ ગળેફાંસો ખાઈ પોતાનું આયખું ટુંકાવી લીધું હતું, ભચાઉના ચોપડવા બ્રિજ પાસે વીજલાઈનના સમારકામ વેળાએ વીજ શોક લાગતાં સચિન પ્રતાપ સોલંકી (ઉ.વ. ૨૭) નામના વીજકર્મીને પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો હતો તેમજ અંજારના ખેડોઈ નજીક અગાઉ ઝેરી દવા પી લેનાર સાહિદ ઈસ્માઈલખાન (ઉ.વ. ૨૪)એ હોસ્પિટલના બિછાને છેલ્લા શ્વાસ લીધા હતા, જયારે ગાંધીધામ શહેરના રેલવે મથકના ગેટ સામેના સર્વિસ રોડ પર પગપાળા જતા ધીરજકુમાર ઉર્ફે તન્ની માંઝી (ઉ.વ. ૨૮)નું ટ્રેઇલર હડફેટે મોત થયું હતું, બીજી તરફ આ શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક મોટરસાઇકલ સ્લીપ થતાં જયરામ મંડલ નામના યુવાનનું મોત થયું હતું તેમજ મેઘપર બોરીચી નજીક અંજાર-ગળપાદર માર્ગ પર ટ્રેઇલરે દ્વિચક્રી વાહનને હડફેટમાં લેતાં અર્જુનસિંઘ રાજપૂત નામના આધેડનું મોત થયું હતું, બંદરીય મુંદરા તાલુકાના ધ્રબમાં ૧૯ વર્ષના રોશન રામનાથ સહાનીએ ગળે ટૂંપો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી અપમૃત્યુના બનાવો અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, અંજાર નગરપાલિકા વોર્ડ નંબર-બેના મહિલા કાઉન્સિલરના વ્યવસાયે ધારાશાસ્ત્રી પુત્ર દશરથ ખાંડેકાએ પોતાના ઘરે અગમ્ય કારણોસર કપડાં સૂકવવાના દોરડા વડે લટકી જઈને ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લેતાં શહેરભરમાં ભારે ચકચાર પ્રસરી હતી. પોલીસે ઘટના સંદર્ભે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
અપમૃત્યુનો બીજો બનાવ ભચાઉ શહેર પાસે બનવા પામ્યો હતો જેમાં અત્રેની વીજ કચેરીમાં ફરજ બજાવનારો સચિન સોલંકી તેમજ અન્ય એક કર્મી ૧૧ કિલોવોટની વીજલાઈનનું મરંમત કામ કરી રહ્યા હતા એ દરમ્યાન સચિનને જીવલેણ વીજ આંચકો લાગતાં આ યુવાનું ગંભીર ઈજાઓના પગલે તત્કાળ મોત નીપજ્યું હતું. આ વીજરેષાની મરંમત વેળાએ વીજ કરંટ ચાલુ હતો કે બાદમાં ચાલુ કરાયો હતો તે જાણવા સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વધુ એક અકાળ મૃત્યુનો બનાવ ખેડોઈ ગામના પાદરે આવેલા ફોની ઢાબામાં બન્યો હતો જેમાં અહીં રહેનાર સાહિદ નામના યુવકે ગત ૨૪મી માર્ચના રોજ અકળ કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ગંભીર અવસ્થામાં હતભાગીને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેણે અંતિમ શ્વાસ લીધા હતા.
દરમ્યાન, બંદરીય મુંદરા શહેરના ઝીરો પોઇન્ટ પાસે રહીને મજૂરીકામ કરનાર ધીરજકુમાર નામનો ગાંધીધામ આવેલો યુવક રેલવે સ્ટેશનના ગેટ સામેના સર્વિસરોડ પરથી પગપાળા જઇ રહ્યો હતો ત્યારે કાળ બનીને આવી ચઢેલા ટ્રેઇલર (નંબર ડી.ડી.-૦૧-યુ.-૯૫૪૦)એ તેને હડફેટે લેતાં ગંભીર ઈજાઓના પગલે ઘટનાસ્થળે તેનું મોત નીપજ્યું હતું. ટ્રેઇલર ચાલક વિરુદ્ધ હતભાગીની પત્ની અનિતાદેવી માંઝીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વધુ એક આકસ્મિક મોતનો બનાવ પણ ગાંધીધામ શહેરમાં બન્યો હતો જેમાં એક ઓટો ગેરેજમાં કામ કરનાર જયરામ મંડલ નામનો યુવાન ગ્રાહકના મોટરસાઈકલને લઇને સ્પેરપાર્ટ્સ ખરીદવા ગુજરાત હાઉસિંગ બોર્ડ તરફ જઇ રહ્યો હતો તે દરમ્યાન વાહન સ્લીપ થઇ જતાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતાં ટૂંકી સારવાર દરમ્યાન તેણે દમ તોડી દીધો હતો.
આવો વધુ એક જીવલેણ બનાવ મેઘપર બોરીચીની વી.વી.એફ. કંપની નજીક સર્વિસરોડ ઉપર બન્યો હતો જેમાં અત્રે સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવી રહેલા નિવૃત્ત આર્મીમેન એવા અર્જુનસિંઘ દ્વિચક્રી વાહન પર જઇ રહ્યા હતા તેવામાં પાછળથી ધસી આવેલા ટ્રેઇલરે તેમને હડફેટમાં લીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા આ આધેડને નજીકના દવાખાને લઇ જવાયા હતા જ્યાં તેમણે ટૂંકી સારવાર દરમ્યાન દમ તોડી દેતાં ટ્રેઇલરચાલક વિરુદ્ધ મૃતકના પુત્ર દિનેશસિંઘએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
દરમ્યાન, મુંદરાના ધ્રબની શાહી કોલોનીમાં રહેનારા ૧૯ વર્ષના રોશને કોઇ અગમ્ય કારણોસર પોતાના કક્ષમાં લોખંડના એંગલમાં દુપટ્ટો બાંધી અકળ કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: આત્મહત્યા પહેલા પત્ની અને દીકરાને પણ ઝેર આપ્યું! પ્રાથમિક કારણ ફોરેક્સ ટ્રેડિંગમાં…