કચ્છમાં આપઘાત-અકસ્માતના બનેલા જુદા-જુદા બનાવોમાં સાતના જીવ ગયા | મુંબઈ સમાચાર
ભુજ

કચ્છમાં આપઘાત-અકસ્માતના બનેલા જુદા-જુદા બનાવોમાં સાતના જીવ ગયા

ભુજઃ તહેવારોના શરૂ થઇ ચૂકેલા કાઉન્ટડાઉન વચ્ચે રણપ્રદેશ કચ્છમાં બનેલા જુદા-જુદા અપમૃત્યુના બનાવોમાં સાત લોકોના અકાળે મોત નીપજતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી છે.

મોટરસાઇકલ પર સવાર થઈને દેવભૂમિ દ્વારકાથી માતાના મઢના દર્શને આવતા મેસુરભાઈ ખીમાભાઈ વારોતરિયા (ઉ.વ.૫૨)નું સામખિયાળી-મોરબી ધોરીમાર્ગ પર ટ્રેઈલર સાથે અકસ્માત નડતાં મૃત્યુ થયું હતું, ગાંધીધામમાં મકાન તોડવાના કામ દરમ્યાન નીચે પટકાયેલા બબલુ શંભુ દેવીપૂજક (ઉ.વ.૧૮)નું મૃત્યુ થયું હતું, રાસાજી ગઢડામાં અગમ્ય કારણોસર ઝેરી દવા પી જનારા પાર્વતીબેન બકુલ કોળીએ ચાલુ સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા, જયારે આદિપુરમાં ઝેરના પારણાં કરનારા નેણસીભાઈ ધરમશીભાઈ સોલંકી (ઉ.વ.૬૯) એ પોતાના જીવનનો અંત આણ્યો હતો, તો રાપરના કલારા ડેમમાં ડૂબી જવાથી કિશોરસિંહ દેવુભા વાઘેલા (ઉ.વ. ૩૮)નું મૃત્યુ થયું હતું, તેમજ ભુજ તાલુકાના દહીંસરા ગામમાં રહેતા જુબીન વ્રજલાલ (ઉ.વ. ૩૯)એ, નખત્રાણા તાલુકાના દેવપર (યક્ષ) ગામે રહેતા રોહિત કરસન જેપાર (ઉ.વ.૨૧) નામના યુવાને કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, દ્વારકાના કલ્યાણપુર જિલ્લાના રાવલતા ગામના મેસુરભાઈ ખીમાભાઈ વારોતરિયા નામના આધેડ અને તેના બે મિત્રો બે મોટરસાઈકલ લઈને કચ્છના માતાના મઢનાં દર્શન કરી પોતાના ઘર તરફ પરત જઈ રહ્યા હતા. આ દરમ્યાન ભારે વાહનોની અવરજવરથી સતત ધમધમતા રહેતા સામખિયાળી-મોરબી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર રાત્રિના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં અચાનક સામેથી પૂરપાટ વેગે ધસી આવેલાં ટ્રેઈલર (જીજે-૧૨-બી.ટી.-૧૦૯૦) એ તેમના મોટરસાઈકલ (જીજે-૩૭-એલ-૧૯૫૦)ને અડફેટમાં લેતાં સર્જાયેલા પ્રાણઘાતક અકસ્માતમાં મેસુરભાઈને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે કાનાભાઈ મસરીભાઈ કોળીની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ આરંભી છે.

બીજી તરફ, ગાંધીધામના સેકટર-૪ વિસ્તારમાં ગત બપોરના દોઢેક વાગ્યાના અરસામાં બબલુ નામનો યુવાન એક મકાનને તોડવાનું કામ કરી રહ્યો હતો ત્યારે અકસ્માતે પગ લપસતાં નીચે પટકાયો હતો. ઈજાગ્રસ્તને આદિપુરની રામબાગ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. સીમાવર્તી રાપર તાલુકાના રાસાજી ગઢડા વિસ્તારમાં રહેતા પાર્વતીબેને ગત તા. ૪-૯ના રોજ તેમની વાડીમાં અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતાં સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં ચાલુ સારવાર દરમ્યાન તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. મૃતકે કયા કારણોસર અંતિમ પગલું ભરી લીધું તે જાણવા માટે નાયબ પોલીસવડા સાગર સાબડાએ વધુ તપાસ આરંભી છે.

અન્ય અપમૃત્યુનો કિસ્સો આદિપુરના વોર્ડ નં-૪ એ વિસ્તારમાં બન્યો હતો જેમાં પ્લોટ નં.૧૦૭માં રહેતા નેણસી નામના આધેડે ગત તા.૧૭-૯ના રોજ પોતાના ઘરમાં જંતુનાશક દવા પી લીધી હતી. ગંભીર હાલતમાં આદિપુરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર મળે એ પહેલાં જ તેઓએ દમ તોડી દીધો હતો.

દરમ્યાન, મૂળ જાટાવાડા અને હાલે અયોધ્યાપુરીમાં રહેતા કિશોરભાઈનું રાપરના કલારા ડેમમાં ડૂબી જવાથી મૃત્યું થયું હતું. હતભાગી નગરપાલિકાના હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

બીજી તરફ, આપઘાતનો બનાવ પશ્ચિમ કચ્છ જિલ્લાના દહીંસરામાં બન્યો હતો, જેમાં પોતાના ઘરે રહેલા હતભાગી જુબીને કોઈ અગમ્ય કારણોસર સીલિંગ ફેનમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લેતાં માનકૂવા પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. તો આજ પ્રકારનો વધુ એક આત્મહત્યાનો બનાવ નખત્રાણા તાલુકાના દેવપર (યક્ષ)માં બનવા પામ્યો હતો જેમાં રોહિત નામના યુવકે કોઈ અકળ કારણે પોતાના ઘરે વરામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. નખત્રાણા પોલીસે આ મામલે આગળની તપાસ આદરી છે.

આ પણ વાંચો…ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત? અમરેલીમાં યુવતી પર થયો જીવલેણ હુમલો, યુવકે છરીના ઘા માર્યા…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button