દ્રષ્ટિ નથી પણ સ્વાદની છે સમજ, ભુજમાં પ્રજ્ઞાચક્ષુ બહેનોએ 30 પ્રકારની વાનગીઓ બનાવી સૌને અચંબિત કર્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ રવિવારે જયારે સમગ્ર વિશ્વમાં ‘બ્રેઇલ લિપિ-ડે’ ઉજવાઈ રહ્યો હતો ત્યારે ભુજની હાટ બજારમાં એક સાદો છતાં અત્યંત પ્રભાવશાળી કાર્યક્રમ રવિવારે સાંજે યોજાયો હતો જેમાં મુંબઈથી શરૂ કરીને છેક સામત્રા ગામની ત્રીસ જેટલી દ્રષ્ટિહીન મહિલાઓએ રસોઈ કળાના કામણ પાથર્યાં હતાં અને જાણે આ ત્રીસે પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ હેલન-કેલનનું જીવંત પ્રતીક બનવા પામી હતી.
આ વિશિષ્ટ કાર્યક્રમને ‘સંવેદનાનો સ્વાદોત્સવ’ એવું નામ અપાયું હતું અને તેનું આયોજન ભુજની લાયન્સ ક્લ્બ સાઈટ ફર્સ્ટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયું હતું. આ વિશિષ્ટ પ્રકારના રસોઈ-શોમાં ત્રીસ જેટલી અંધ મહિલાઓ ફટાફટ રસોઈ બનાવતી નજરે પડી હતી. લાયન્સ ક્લ્બ સાઈટ ફર્સ્ટના ડો.ધર્મેન્દ્રસિંહજી જાડેજા અને રમીલાબેન જાડેજાના જણાવ્યા પ્રમાણે, ‘વિશ્વભરની પચાસ હજાર જેટલી આ પ્રકારની સાઈટ ફર્સ્ટ ચેરીટેબલ ટ્રસ્ટમાં, એકમાત્ર ભુજની જ આ ટ્રસ્ટ એવા પ્રકારની છે કે જેમાં તેના તમામ ૨૦ જેટલા હોદેદારો પ્રજ્ઞાચક્ષુ છે.
તેમણે ઉમેર્યું હતું કે, નેત્રહીન મહિલાઓ પણ સામાન્ય મહિલાઓની જેમ આત્મનિર્ભર બની શકે છે તેવો સંદેશ સમાજમાં આપવાના ઉમદા હેતુથી, આ સંવેદનાના સ્વાદોત્સવનું આયોજન છેલ્લા એક દાયકાથી કચ્છમાં કરવામાં આવે છે અને તેમાં વ્હોટ્સએપ ગૃપના માધ્યમથી ભુજમાં આ પ્રકારનો કાર્યક્રમ યોજવાનો છે તેવી સૂચના અપાય છે જેથી ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોની પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ પણ આ કાર્યક્રમમાં જોડાય છે અને ભાગ લેનારી મહિલાઓની સંખ્યામાં દર વર્ષે વધારો નોંધાઈ રહ્યો છે.

વિજયાબેન ભાવેશભાઈ રામ નામના નખત્રાણાના ગૃહિણી ફિઝિયોથેરાપીની નોકરી કરવા ઉપરાંત પોતાનો ઘર સંસાર, કામવાળી વિના, સંભાળી રહ્યાં છે, તો ગોંડલના કનકબેન ચંદુભાઈ વઘાસીયા અને અમરેલીના પ્રફુલા રવિદાસ સેવલીયા પણ આજ રીતે ખાંભા ખાતે સરકારી સ્કૂલમાં નોકરી કરતાં કરતાં પોતાનો સંસાર સુપેરે ચલાવી રહ્યા છે. આ રસોઈ-શોમાં બ્રેડ પકોડા, નુડલ્સ, પેટીસ, દાળ વડા, પુડલા, મગદળના લાડુ, બાસ્કેટ ચાટ, દૂધીનો હલવો અને સાબુદાણાની ખીચડી સહીત કુલ્લે ત્રીસ જેટલી જુદી-જુદી વાનગીઓ આ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ બનાવી હતી.

આ રસોઈ-શોમાં કચ્છના નખત્રાણા, મુંદરા, સામત્રા ઉપરાંત રાજકોટ, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, મોડાસા અને છેક મુંબઈથી મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો. આ સંવેદનશીલ રસોઈ-શોને સ્વ. તારાચંદભાઇ છેડા પરિવાર દ્વારા તેમજ નવનીત ફાઉન્ડેશન સહિતના અન્ય દાતાઓએ સહયોગ આપ્યો હતો.
આ રસોઈ-શોને અંજારના સચિદાનંદ મંદિરના મહંત પૂ.ત્રિકમદાસજી મહારાજે દીપ પ્રગટાવીને ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને અને કચ્છી વિસા ઓસવાળ જૈન મહાજન અને સર્વ સેવા સંઘના પ્રમુખ જીગરભાઈ તારાચંદ છેડા પણ હાજર રહ્યા હતા. પ્રારંભમાં સંસ્થા દ્વારા ચલાવતા ચક્ષુહીન અને મંદબુદ્ધિના બાળકો માટેના ખાસ કેન્દ્રોના બાળકો દ્વારા નૃત્ય કરવામાં રજૂ કરાયું હતું.
દરમ્યાન, લાયન્સ ક્લબના અગ્રણી અભય શાહના જણાવ્યા પ્રમાણે, વર્ષ ૨૦૧૫થી જ આવા બાળકો માટે લાયન્સ ક્લ્બ સાઈટ ફર્સ્ટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટર સ્થપાયું છે. જેમાં ૮૦ જેટલાં અંધ-અપંગ મંદબુદ્ધિના બાળકોને તબીબી સારવાર આપવા ઉપરાંત તેમને વિવિધ પ્રકારની તાલીમ પણ આપવામાં આવે છે.


