‘તમારા નામે સુપ્રીમ કોર્ટનું વોરંટ નીકળ્યું છે’, આદિપુરના વૃદ્ધને ડિજિટલી અરેસ્ટ રાખીને સાયબર ક્રિમિનલોએ રૂ.૪,૩૦,૦૦૦ પડાવી લીધા!

ભુજઃ ડિજિટલ એરેસ્ટ’ નામની હવે જૂની થઇ ચુકેલી બલા અંગે ખુદ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અનેકવાર ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે. આ પ્રકારના સાયબર ફ્રોડ અંગે જાગૃતિ લાવવા માટે સતત થઇ રહેલા પ્રયાસો છતાં પણ ભોળા નાગરિકો સતત લૂંટાઈ રહ્યા છે. આદિપુરમાં રહેનાર નિવૃત્ત એવા વૃદ્ધને વોટ્સએપ ઉપર વીડિયો કોલ કરી, ખોટી ઓળખ આપી, ડરાવી-ધમકાવીને સાયબર ક્રિમિનલોએ તેમને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા અને રૂા.૪,૩૦,૦૦૦ પડાવી લીધા હતા.
શું છે મામલો
આદિપુરના સાતવાળી સી.બી.એક્સ-૯૭ નામના વિસ્તારમાં રહેનાર દુર્ગાશંકર ટોપનદાસ શર્માએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તા.૧૭-૧૧ના રોજ તેમના ઘરે હતા ત્યારે અજાણ્યા નંબર પરથી તેમને વોટ્સએપના વીડિયો કોલ આવ્યો હતો.
શરૂઆતમાં તેમણે ફોન ઊંચકયો ન હતો, પરંતુ બાદમાં જવાબ આપતાં ફોન કરનારા શખ્સે હિન્દી ભાષામાં વિનયકુમાર ચોબે આઇ.પી.સી. પોલીસ મુંબઇથી વાત કરતો હોવાનું જણાવ્યું હતું અને તમારા નામે સુપ્રીમ કોર્ટનું અરેસ્ટ વોરંટ નીકળ્યું હોવાનું જણાવ્યું હતું. પોતે કોઇ ગુનો ન કર્યો હોવાનું વૃદ્ધે કહેતાં અમારા મેડમથી વાત કરી લેજો તેવું આ શખ્સે કહ્યું હતું.
બાદમાં ફરીથી ફોન આવ્યો હતો જેમાં દેખાતી મહિલાએ પોતાની ઓળખ સ્ટેટ ઇન્વેસ્ટિગેશન વિભાગની અધિકારી નવજ્યોત સિમ્મી તરીકેની આપી હતી. અરેસ્ટ વોરંટ ઠેલવવું હોય તો સુપ્રીમ કોર્ટથી વાત કરીશ, તેમ જણાવી, મોબાઇલ ઉપર સરકારી કચેરીઓના સહી-સિક્કાવાળા જુદા-જુદા દસ્તાવેજો તેમને મોકલવામાં આવ્યા હતા, જેમાં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ તથા મુખ્ય આરોપી તરીકે નરેશ ગોયલ જેવી વિગતો હતી.
આ દસ્તાવેજો જોઇને ફરિયાદી ખૂબ ડરી ગયા હતા. બાદમાં બીજા દિવસે અને તે પછી વીડિયો કોલ કરી આ મહિલાએ પોતે સુપ્રીમ કોર્ટમાંથી સમય લઇ લીધો છે, પણ સિકયુરિટી માટે રૂપિયા ભરવાની વાત કરી હતી. ફરિયાદીએ પોસ્ટ ઓફિસમાં ખાતું હોવાનું અને જીવનભરની કમાણી તે ખાતામાં રૂા. 15 લાખ હોવાનું કહ્યું હતું.
મહિલાએ તમારા ખાતામાં છે તેના 50 ટકા એટલે સાડા સાત લાખ રૂપિયા ભરવાનું જણાવતાં પોતે મરણમૂડી છે, તમે મારી ધરપકડ કરી લો તેમ કહેતાં મહિલાએ રૂા. ૪,૩૦,૦૦૦ માગ્યા હતા અને કૃપેશ અનિરુદ્ધ કુમાર નામના શખ્સના ખાતા નંબર મોકલાવ્યા હતા. આ ખાતા નંબર કોના અને તે કોણ છે તેવું પૂછતાં મહિલો તે નામદાર અદાલતનો જ કર્મચારી હોવાનું જણાવી, તપાસ પૂરી થશે તો રૂપિયા વ્યાજ સહીત પરત આપી દેશું તેવી હૈયાધારણ આપી હતી.
ત્યારબાદ જાન છોડાવવા માટે ઇન્ડિયા પોસ્ટમાંથી મરણ મુડીના પૈસા ઉપાડી આરોપીના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા અને આ રૂપિયા મળી ગયાની રસીદ પણ મોબાઇલમાં મોકલવામાં આવી હતી. બાદમાં ફરિયાદીએ આ નંબરો પર વારંવાર ફોન કર્યા છતાં તેમણે ફોન ઉપાડયા નહોતા. પોતે છેતરાયા હોવાની ખબર પડતાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો…મુંબઈમાં 10 મહિનામાં ‘ડિજિટલ અરેસ્ટ’ના 142 કેસઃ રુ. 114 કરોડની છેતરપિંડી…



