ભુજના મોખાણા ગામની સ્કૂલમાં મધ્યાહ્ન ભોજનમાં સડેલો ખોરાક આપતા વાલીઓમાં રોષ વ્યાપ્યો
ભુજઃ ગરીબ પરિવારોમાંથી આવતાં બાળકોને શાળામાં પોષણયુક્ત આહાર મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલી મધ્યાહ્ન યોજનામાં થઇ રહેલા વ્યાપક ભ્રષ્ટાચારને ઉજાગર કરતી ચોંકાવનારી વધુ એક ઘટના કચ્છમાંથી બહાર આવી છે. ભુજ તાલુકાના મોખાણા ગામની કુમાર અને કન્યા પ્રાથમિક શાળામાં બાળકોને મધ્યાહ્ન ભોજનમાં સડેલો વાસી ખોરાક અપાતો હોવાનું બહાર આવતાં વાલીઓમાં ભારે રોષ ફેલાઇ ગયો હતો.
મોખાણાની કુમાર પ્રાથમિક શાળાના સેન્ટર હેઠળ ચાલતા મધ્યાહ્ન ભોજનમાં કુમાર શાળા માટે દરરોજ ૧૩૦ થી ૧૪૦ બાળકો અને કન્યા શાળાની ૧૩૦ જેટલી બાળકીઓ માટે ભોજન બનાવવામાં આવે છે. જેમાં મધ્યાહ્ન ભોજન સંચાલક દ્વારા અપાતો ખોરાક અખાદ્ય હોવાનું બહાર આવતાં વાલીઓએ શિક્ષકોને ઉગ્ર રજૂઆત કરી હતી. જે બાદ અહીં તપાસ કરાઈ ત્યારે ચણાનો જથ્થો સડેલો હોવાનું જાણવા મળતાં તાલુકા શિક્ષણ અધિકારી અને ડીઆરસીને જાણ કરવામાં આવી હતી. જોકે હજુ સુધી આ મામલે દોષિતો વિરુદ્ધ કોઇ જાતના શિક્ષાત્મક પગલા ભરવામાં આવ્યા નથી!.
કુમાર શાળાના આચાર્યએ શું કહ્યું
કુમાર શાળાના આચાર્ય રોહિત પટેલે જણાવ્યું હતું કે, દરરોજના મેનુ પ્રમાણે અને યોગ્ય રીતે ભોજન બનાવવા માટે મેસ સંચાલકને વાલીઓની રજૂઆત બાદ કહેવાયું હતું. નિયમ પ્રમાણે અનાજનો જથ્થો શાળામાં રાખવાનો હોય છે અને સંચાલક શાળાએ આવી ભોજન બનાવી આપે છે.પરંતુ અહીં જથ્થો સંચાલકના ઘરે રાખવામાં આવે છે અને ત્યાંથી જ ભોજન બનાવી શાળામાં લઇ આવવામાં આવતું હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો : ભુજમાં પણ ઘરબેઠા મળશે પાસપોર્ટઃ મોબાઈલ વાન અમદાવાદથી આવશે
બીજી તરફ, વાલીઓએ કરેલા વિરોધ બાદ બીજા દિવસે ક્રિએટિવ રિસ્પોન્સ ટૂ કોન્ફ્લિક્ટ (સીઆરસી) તરીકે ફરજ બજાવતા ગણપતભાઈ મેસ સંચાલકના ઘરે ગયા ત્યારે ચણાનો જથ્થો સડેલો હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું. પરંતુ જથ્થો કયારે આવ્યો અને કેટલો છે તે બાબતે સીઆરસી પણ અજાણ જ રહ્યા હતા. કન્યા શાળામાં મધ્યાહ્ન ભોજન બાળકીઓને પીરસાયા બાદ એક બાળકીની પ્લેટમાં જીવાતો નીકળી પડી હોવાની વાતનું સમર્થન શાળાના ખુદ આચાર્યે કર્યું હતું.
સરપ્રાઈઝ ચેકીંગ કરવા વાલીઓની માંગ
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરમાં મધ્યાહ્ન ભોજનમાં અખાદ્ય ખોરાક નીકળવાના બનાવો હવે સામાન્ય થઈ ગયા છે ત્યારે અબડાસા, લખપત, ખડીર સહિતના છેવાડાની વિસ્તારની શાળાઓમાં ભણનારા માસુમ બાળકોને ભોજન કેવું પિરસાતું હશે તેની તો માત્ર કલ્પના જ કરવી રહી. અત્યારે પ્રવર્તી રહેલી રોગચાળાની ઋતુમાં નાના ભૂલકાંઓને પીરસાતા આવા અખાદ્ય ખોરાકથી તેમનું સ્વાસ્થ્ય ખરાબ થઇ જાય તો જવાબદારી કોની ? તેવા વેધક સવાલો ઉઠવા પામ્યા છે. કચ્છ સહીત રાજ્યભરની આવી શાળાઓમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાય તેવી માંગણી વાલીઓ કરી રહ્યા છે.