તાંત્રિક વિધિના બહાને નખત્રાણાના દંપતી પાસેથી સાધુએ કરી પોણા ત્રણ લાખની ઉચાપત

ભુજ: કચ્છના નખત્રાણા તાલુકાના ઐતિહાસિક લાખિયાવીરા ગામ ખાતે એક અજાણ્યા સાધુએ તેના બે સાગરીતો સાથે મળીને ધાર્મિક વિધિ કરવાના બહાને 74 હજાર 700 ની કિંમતના ઘરેણાં અને પાછળથી ઉછીના બે લાખ રૂપિયા મેળવીને એક નિઃસંતાન યુગલ સાથે છેતરપિંડી આચરતાં ભારે ચકચાર પ્રસરી છે.
નખત્રાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવનારા ૫૩ વર્ષિય વિમળાબેન લધારામ સથવારાએ જણાવ્યું હતું કે, ગત ૧૫મી સપ્ટેમ્બરના રોજ તેમના ઘેર એક અજાણ્યો સાધુ આવ્યો હતો અને ઘરમાં હાજર પતિ અને તેમને સંબંધીની હાજરીમાં સાધુએ આવીને ‘કિતને બચ્ચેં હૈ?’ તેવું પૂછતાં દંપતીએ પોતે નિઃસંતાન હોવાનું જણાવ્યું હતું. સાધુએ તમારી પરિસ્થિતિ નબળી છે, રોજ ખેતરમાં બે અગરબત્તી કરજો અને બીજના દિવસે નાળિયેર ફોડીને અગરબત્તી કરજો તેમ કહીને વિમળાબેનને પોતાની ધર્મની બહેન બનાવીને સામેથી વીસ રૂપિયાની ચલણી નોટ આપીને કહ્યું કે ‘આજથી તારા ઘરની પરિસ્થિતિ સારી થઈ જશે અને તને બાળક થશે’સાધુએ રૂપિયા-ટકાની જરૂર હોય તો મદદ કરવાની પણ તૈયારી દર્શાવતાં અંજાઈ ગયેલાં દંપતીએ શાલ ઓઢાડી સાધુવેશમાં રહેલા શૈતાનનું સન્માન પણ કર્યું હતું.
ત્યારબાદ ૨૦મી સપ્ટેમ્બરે સાધુએ ફરિયાદી મહિલાના પતિ લધારામને ફોન કરીને ઘરમાં હોય તેટલાં તમામ દર-દાગીના એક કાળાં કપડાંનું પોટલું બનાવીને તેમાં રાખવા તથા સાથે લિંબુ, લીલાં મરચાં, સોપારી વગેરે મૂકીને ઘરના માતાજીના મંદિરમાં મૂકીને રોજ પૂજા કરવા કહેતાં દંપતીએ તમામ દાગીના કાળાં પોટલાંમાં રાખીને મંદિરમાં મૂકી દીધાં હતાં.
બીજા દિવસે સાધુએ આ પોટલાંની વિધિ કરવાની છે તેમ કહીને દંપતીને પોટલાં સાથે કોટડા જડોદર ત્રણ રસ્તે બોલાવ્યું હતું. દંપતીને રાત્રે નવેક વાગ્યાના અરસામાં સાધુ ત્યાંથી એકાદ કિલોમીટર બાવળની ઝાડીમાં લઈ ગયો હતો અને કહેવાતી વિધિ કરી હતી.
તે સમયે સાધુના અન્ય બે સાગરીતો પણ સ્થળ પર પહેલાંથી હાજર હતાં. વિધિ કર્યાં બાદ સાધુએ એક લોખંડની પેટીમાં કાળું પોટલું મૂકીને તે પેટી દંપતીને પરત આપી પોતે કહે ત્યારે જ ખોલવા જણાવ્યું અને પેટી લઈને ઘરે પરત આવી માતાજીના મંદિરમાં મૂકીને દંપતી પૂજા કરવાનું ચાલુ રાખ્યું હતું!. ત્યારબાદ પામી ગયેલા સાધુએ એક દરબારનો છોકરો બીમાર છે તેને બે લાખ રૂપિયાની જરૂર છે તેમ કહીને ગમે તે રીતે નાણાંની વ્યવસ્થા કરવા ફરિયાદીના પતિને વાત કરતાં પતિએ તેમના મિત્ર અને સંબંધી પાસેથી ઉછીના બે લાખ રૂપિયા લઈને સાધુના કહ્યા મુજબ ૨૬ સપ્ટેમ્બરના રોજ સંતકૃપા ત્રણ રસ્તા પર આપ્યાં હતાં.
ત્યારબાદ પણ સાધુ સતત નાણાંની માંગણી કરતાં ફોન કરતો હોઈ દંપતીને શંકા જતાં તેમણે લોખંડની પેટી ખોલીને જોતાં તેમાં રહેલાં તમામ દાગીના ગાયબ થઈ ગયાં હોવાનું માલૂમ પડ્યું હતું. હાલ આ ચોંકાવનારા બનાવ અંગે નખત્રાણા પોલીસે ધુતારા સાધુ સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.