બિલાડીના બચ્ચાને કૂવામાંથી કાઢવા જીવનું જોખમ લીધું, આખા મહોલ્લાએ બતાવ્યો પ્રાણીપ્રેમ

ભુજ: ભુજની ધન્વંતરિ-બહેરા મૂંગા બાળકોની શાળાની પાછળ આવેલાં શંકરગીરી ગોસ્વામીના મકાનના પ્રાંગણમાં આવેલા ચાલીસ ફુટ ઊંડા અવાવરું કુવામાં એક બિલાડીનું બચ્ચું પડી જતાં તેને બહાર કાઢવા ખાસ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું અને આ રેસ્ક્યુ ટીમના અત્યંત જોખમી રેસ્ક્યુ-વર્ક બાદ આખરે આ નિર્દોષ બિલાડીના બચ્ચાને સહી સલામત અવાવરું કુવામાંથી બહાર કાઢી, તેની વલોપાત કરતી માં પાસે મૂકી દેવાતાં આસપાસના રહીશોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.
આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશનની મળતી માહિતી પ્રમાણે, વહેલી સવારે આ બચ્ચું કુવામાં પડી ગયા બાદ તેના આક્રંદથી રઘવાયા બની મકાન માલિક શંકરગીરી ગોસ્વામી અને તેમના પત્ની પ્રિયા બહેને આ બચ્ચાને બહાર કાઢવા નિષ્ફ્ળ પ્રયાસો કર્યા હતા. આ ઘટનાની જાણ તેમના પાડોશી ત્રિદીવભાઈ વૈદ્યને થતાં તેઓએ કચ્છની જાણીતી રેસ્ક્યુ ટીમના વડા જગદીશ ઉમરશીભાઈ પરમારને કરતાં તેમની ટીમ તત્કાળ કૂવા પાસે પહોંચી હતી અને દોરડાં વડે આ ટીમ દ્વારા શ્રવણસિંહ શંભુસિંહ વાઘેલાને આ ઊંડા કૂવામાં ઉતાર્યા હતા. આ કૂવામાં કાદવ-કીચડ ઉપરાંત વરસાદી પાણી હોઈ, બિલાડીના બચ્ચાંને શોધવામાં ખાસ્સી એવી મહેનત કરી હતી અને આખરે આ કૂવાના ખાંચામાં બેઠેલાં આ બિલાડીના બચ્ચાંને માવજતથી પકડી લઈને તેને એક કોથળામાં નાખીને પ્લાસ્ટિકના કેરેટની મદદથી તેને કુવામાંથી બહાર ખેંચી કઢાયું હતું અને બિલાડીના આ બચ્ચાંને તેની માતા પાસે મૂકી દેવાયું હતું, જો કે ત્યારબાદ કૂવામાં ઉતરેલા શ્રવણસિંહ વાઘેલાને બહાર કાઢવાની કામગીરી વધુ પડકારજનક હતી, તેમ આ ટીમના સભ્ય ઋષિ પ્રભાતસિંહ ગોસ્વામીએ જણાવ્યું હતું.
રસ્સી ખેંચવામાં વધુ લોકોની મદદ જરૂરી હોઈ, અલ્તાફ નોડે નામના અન્ય એક યુવકને પણ બોલાવી લેવાયો હતો અને કૂવાના એક ખાંચામાં ગેલવેનાઈઝ પાઇપ ગોઠવીને તેના બીજા છેડે તેને બળપૂર્વક જકડી રાખીને ગેલવેનાઈઝ પાઇપ પર દોરડું ગોઠવીને તેને ખેંચીને આખરે કૂવામાં ઉતરેલા શ્રવણસિંહ વાઘેલાને સહીસલામત બહાર કાઢી લેવાયો હતો.
આ કૂવો અવાવરું હોઈ, તેમાં ગેસ ગળતરનું જોખમ હોવા છતાં રેસ્ક્યુ ટીમ દ્વારા બિલાડીના બચ્ચાંનું સફળ રેસ્ક્યુ કરાયું હતું.
દરમ્યાન, આ ટુકડીનું નેતૃત્વ કરતા જગદીશ પરમારના જણાવ્યા પ્રમાણે હાલ ચોમાસુ હોવાથી ઠેર ઠેરથી સાપ તેમજ કેટલાક કિસ્સાઓમાં મગરોના રેસ્ક્યુ પણ કરાયાં છે. તમામ પ્રકારના સાપ પકડીને જીવતા જંગલોમાં છોડવામાં આવે છે જયારે મગરોને જુદા જુદા ડેમ-તળાવોમાં મૂકી આવવામાં આવે છે.
આ પણ વાંચો…ભચાઉમાં જંગી સમુદ્રી કાદવમાં ચાર ઊંટડીઓ ફસાઈઃ રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાશે…