ભુજ

કચ્છમાં રહેણાંક વિસ્તારમાંથી દુર્લભ બ્લેક સ્પોટ હેડ સર્પને રેસ્ક્યુ કરાયો

ભુજઃ અસહ્ય ઉકળાટને લઈને સામાન્ય જીવાતો તો ઠીક છે પણ સરીસૃપ વર્ગના જીવલેણ સર્પો ભુજ સહીત કચ્છના શહેરો-ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંકના મકાનોમાં ઘુસી આવતા હોવાના બનાવો વધતાં ભય ફેલાયો છે. આજે ભુજની ભાગોળે આવેલા રુદ્રાણી ડેમ પાસે આવેલા રુદ્ર હોમસ્ટેમાં ઘુસી આવેલા અત્યંત દુર્લભ રજવાડી સાપ કે જેને કચ્છમાં કુંભારીયા એવું હુલામણું નામ અપાયું છે તેને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.

ભુજ વન વિભાગના રેન્જ ઓફિસર ધવલ દેસાઈ અને ફોરેસ્ટર લખન જોગલના માર્ગદર્શન હેઠળ સર્પોને પકડી જંગલમાં છોડી આવતા જાણીતા સ્નેક રેસ્ક્યૂઅર જગદીશ પરમારે જણાવ્યું હતું કે, રિસોર્ટના સાપ ઘુસ્યો હોવાની માહિતી મળ્યા બાદ તેઓ ગણતરીની મિનિટોમાં પોતાના જીપ્સી વાહન તેમજ સાપ પકડવાના ખાસ સાધનો સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને ગણતરીની મિનિટોમાં ગટરના કાણામાં છુપાઈ ગયેલા આ દુર્લભ પ્રકારના સાપને ‘સ્નેક કેચર’ સ્ટિકની મદદથી પકડીને તેને બોટલમાં પૂરી દીધો હતો.

જગદીશ પરમાર અને સાવન ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, તેમણે ચાલુ ચોમાસાની ઋતુ દરમ્યાન ભુજના જુદા-જુદા વિસ્તારોનાથી વિવિધ પ્રકારના સર્પો પકડ્યા છે અને નવ સભ્યોનું બનેલું તેમનું ગ્રુપ સાપોને લોકો મારી ન નાખે તે માટે આ સેવાનું કાર્ય નિઃશુલ્ક કરી રહ્યા છે. તેઓના જણાવ્યા પ્રમાણે ખાસ પ્રકારની સ્નેક કેચર સ્ટિક,હુક અને અમેરિકન બનાવટના હાથ મોજાની મદદથી સાપને પકડી લેવાય છે. આજે પકડાયેલો આ બિનઝેરી ‘બ્લેક સ્પોટ હેડ’ નામનો સાપ ગુજરાતમાં માત્ર કચ્છ, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં જ જોવા મળે છે.

બિહામણા રૂપને કારણે લોકો તેને ઝેરી સાપ સમજી લે છે. આ રોયલ સ્નેકને ગત ૪ નવેમ્બર ૨૦૧૮ના નરા ગામમાં ડરી ગયેલા ગ્રામજનોએ આ રોયલ સ્નેકનું માથું છુંદીને મોતને ઘાટ ઉતારી દીધો હતો, તેમજ ભુજના નાગોર ગામમાં પણ આ બિનઝેરી સર્પ ઈજાગ્રસ્ત અવસ્થામાં મૃત મળી આવ્યો હતો. આ સાપથી ડરવાને બદલે તેનું સરંક્ષણ કરવું જોઈએ તેમ તેમણે ઉમેર્યું હતું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button