ભુજના રામમંદિરમાં રામનવમીની ધામધૂમઃ કલાકારો કેન્સવાસ પણ ઉતારે છે આ મંદિરને

ભુજઃ કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે રજવાડી વિસ્તારમાં આવેલા રઘુનાથજી મંદિરના ઐતિહાસિક પરિસર ખાતે આજે રામનવમીના પર્વની પ્રણાલીગત ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી.
હમીરસર તળાવની સમાંતરે પૂર્વ દિશામાં આવેલા ઉપલીપાળ રોડ પરના આ ખાસ મંદિરનું વિશેષ મહત્વ છે અને મંદિરની લગોલગ આવેલા રઘુનાથજીના આરાને કારણે લગભગ ૫૦૦ વર્ષ જૂના પ્રાચિન મંદિરનું નૈસર્ગિક સોંદર્ય અદભુત છે. રામવાડી,રઘુનાથજી મંદિર અને રઘુનાથજીના આરા એક બીજાને લગોલગ આવેલા છે અને આ ખૂણો સમગ્ર પરિસરને જાણે શહેરના પ્રદુષિત વિસ્તારથી અલગ પાડતો ‘ઓઝોન કાફે’સમાન વિસ્તાર બની રહ્યો છે.
આ રામ સમર્પિત ખૂણો એવી પ્રાકૃતિક અને ઐતિહાસિક શોભા ધરાવે છે કે ભુજની મુલાકાતે આવતા વિદેશી પર્યટકો તેના પેન્સિલ સ્કેચ કે કેનવાસ પોસ્ટર બનાવવામાં કલાકો સુધી વ્યસ્ત રહે છે. દિવસભર પક્ષીઓનો કલશોર રઘુનાથજીના આરાના ચાર સદી જૂના દરવાજામાંથી નીચે ઉતરતાજ જોવા મળતા હમીરસરના પાણી,આરાના પગથયા અને આરાની ફરતેની ગઢની જાજરમાન દીવાલો પરથી તળાવ તરફ જતા તળાવના કે તળાવની જળરાસી પર ઉતરતા અને ઉડાઉડ કરતા પંખીઓના કલશોરથી અને તળાવ પરથી ફૂંકાતા ચૈત્ર-વૈશાખના,લીમડાની લીંબોડી અને લીમડાના ફૂલોની મહેક સાથેના વાસંતી વાયરાઓ અહી મનને પ્રસન્ન કરી જાય છે.
રઘુનાથજીના મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને અહી ભગવાન રામને અત્યંત પ્રિય એવી ખિસકોલીની કુદાકુદ પણ જોવા મળે છે. આ વિસ્તાર સદાય લોકો અને વાહનોની અવરજવર વચ્ચે આવેલો હોવા છતાં તેના વિશિષ્ઠ લોકેશનને કારણે સવારે તેમજ સાંજે અહી વયસ્ક મહિલાઓ દર્શન કરવાની સાથે સાથે ઓટલા પર વિશ્રાંતિ પણ મેળવે છે.
રઘુનાથજીના આરામાં કપડા ધોવા આવનારી મહિલાઓનો પણ એક મોટો વર્ગ છે.આ ઉપરાંત અપંગ શ્વાનો પણ અહી આરામ ફરમાવે છે.આ મંદિર ખાતે રામનવમી ને દિવસે એક વિશાળ રવાડી કાઢવામાં આવતી જો કે છેલ્લા એક દાયકાથી રવાડીની પ્રણાલિકા બંધ કરી દેવી પડી છે.ઉપલીપાળ રોડને ૨૦૦૧ના ધરતીકંપમાં ભારે ક્ષતિ પહોંચી હતી તેને સજીવન તો કરાયો છે પણ અનેક પરિવારો આ વિસ્તાર છોડીને ફરજીયાત અન્ય જગ્યાએ રહેવા ચાલ્યા જતા આ મંદિરે હવે રવાડી યોજાઈ શક્તિ નથી.રામનવમીના દિવસે આ વખતે વહેલી સવારે મંગળા આરતી યોજાશે, જયારે સવારે ૯ વાગ્યે શ્રી રામચન્દ્ર ભગવાનનું પૂજન અર્ચન ઉપરાંત સંસ્કૃત પાઠશાલાના ઉપક્રમે બાળકોની વિવિધ સ્પર્ધા બપોરે સાડા બાર વાગ્યે, રામ જન્મોત્સવ,મહાઆરતી,જયારે સાંજે મેકણ દાદા મહિલા મંડળ દ્વારા ભજન ધૂન યોજાશે જયારે મોડી રાત્રે જાણીતા કલાકારો દ્વારા સંતવાણીનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે. ભુજ ઉપરાંત માંડવી, મુંદરા,અંજાર, સીમાવર્તી રાપર, નલિયા, નખત્રાણા, લખપત ખાતે પણ ભગવાન શ્રી રામના મંદિરોમાં જુદા-જુદા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આપણ વાંચો: આશાપુરી ધૂપની મહેક વચ્ચે માતાના મઢમાં હવનનું બીડુ હોમાયાની સાથે ચૈત્રી નવરાત્રી સંપન્ન
દરમ્યાન, અયોધ્યા ખાતે યોજાઈ રહેલા ધાર્મિક કાર્યક્રમોને પગલે કચ્છભરમાં ઠેર-ઠેર બજારોમાં તેમજ કેટલાક સાર્વજનિક સ્થળોએ રોશની અને દીપમાળાઓ ગોઠવવામાં આવી છે જેને લઈને સમગ્ર માહોલ રામમય બની જવા પામ્યો છે.