ભુજ

કચ્છમાં સાતમ-આઠમના ભાતીગળ મેળામાં વરસાદ વિલન બનશે?

ભુજ: દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હાલ નોંધપાત્ર વરસાદ થઇ રહ્યો છે ત્યારે શ્રાવણમાં વૈશાખ મહિના જેવી ગરમી-બફારામાં સેકાઈ રહેલા સરહદી જિલ્લા કચ્છના અંજાર અને તેની આસપાસના વિસ્તારોમાં શીતળા સાતમની પૂર્વ સંધ્યાએ પાવરપેક્ડ વરસાદી ઝાપટાં વરસવાનું શરૂ થતા આગામી 48 કલાકમાં કચ્છમાં પણ વરસાદનું આગમન થાય તેવા મંગળ એંધાણ વર્તાઈ રહ્યાં છે.

આજે કચ્છના લોકોએ 32 ડિગ્રી તાપમાન હોવા છતાં 44 ડિગ્રી જેવો વિક્રમજનક બફારો અનુભવ્યો હતો અને ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવા એંધાણ વર્તાયા હતા પણ માત્ર અંજાર તાલુકાના સાપેડાથી રતનાલ સુધીના પટ્ટામાં ગાજવીજ સાથે એક વરસાદી ઝાપટું વરસ્યું હતું જે આ લખાય છે ત્યારે ચાલુ રહેવા પામ્યું છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં કચ્છમાં હજુ સુધી નોંધપાત્ર વરસાદ થયો નથી પણ રાજ્યની આસપાસ ત્રણ નવી વરસાદી પ્રણાલી સર્જાતાં ભારે વરસાદ થવાની હાલ પૂરેપૂરી શક્યતા ઉભી થઇ છે. આજથી શરૂ થઇ રહેલા સાતમ-આઠમના મેળામાં વરસાદ વિલન બનશે તો? એવો ભય મેળામાં મોંઘા ભાડા ચૂકવીને ખરીદેલા સ્ટોલ ધારકોને સતાવવા લાગ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button