‘કાં વાદળ કાં વીજ’: કચ્છી નવા વર્ષનું શુકન સચવાયું: લખપત, ભુજમાં વરસાદ

ભુજઃ ગુજરાત પર સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશનોની અસર હેઠળ દક્ષિણ ગુજરાતમાં હાલે ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અષાઢી બીજ એટલે કે કચ્છી નૂતન વર્ષના સપરમા દિવસે કચ્છના ભુજ, ભચાઉ, નખત્રાણા,લખપત સહિતના કેટલાક વિસ્તારોમાં મોડી રાતથી જ વાતાવરણ પલટાયું હતું અને એકથી દોઢ ઇંચ વરસાદ વરસી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
ભુજ શહેરમાં રાતના બરાબર બાર વાગ્યે ગોરંભાયેલા આકાશ અને વીજળીના કડાકા-ભડાકા સાથે અડધો ઇંચ વરસાદ વરસતાં રસ્તાઓ પરથી પાણી વહી નીકળ્યા હતા અને નિંચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભુજ ઉપરાંત ભચાઉ અને તેની આસપાસના ગ્રામ્ય પંથકોમાં પણ છુટોછવાયો વરસાદ થયો હતો, જયારે સીમાવર્તી લખપતમાં પણ એકાદ ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે.
દરમ્યાન, આગામી ૩જી જુલાઈ સુધી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જયારે કચ્છમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસવાની સંભાવના હોવાનું હવામાન વિભાગના વર્તારામાં જણાવાયું છે.
દરમિયાન ગુજરાતમાં આજે દક્ષિણ ગુજરાતના વલસાડ અને જુનાગઢ જિલ્લાના માંગરોળ સહિતના તાલુકાઓમાં વરસાદે હાજરી નોંધાવી હતી. ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, પરંતુ ધોધમાર વરસાદના હજુ સુધી કોઈ સમાચાર નથી. ગુજરાતમાં સિઝનનો લગભગ 25 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો…ગુજરાતમાં ગાજ્યા અષાઢી અંબર, 24 કલાકમાં 215 તાલુકામાં નોંધાયો વરસાદ