કચ્છમાં મેઘમહેર: ભુજ સહિત અન્ય શહેરોમાં ધોધમાર વરસાદ, રાપર બન્યું જળમગ્ન

ભુજ: અષાઢ મહિનો શરૂ થવાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. સમગ્ર રાજ્યમાં આજે અનરાધાર વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રને મેઘરાજાએ ધમરોળ્યું છે, ત્યારે રાજ્યની સાથે-સાથે કચ્છમાં આજે સતત બીજા દિવસે ધીંગી મેઘસવારી આવી પહોંચી હતી.
લાંબા સમયથી અકળાવનારા આકરા ઉકળાટ-તાપથી ત્રસ્ત બની ગયેલા કચ્છીઓ માટે અપર-એર સર્ક્યુલેશન જાણે શુકનિયાળ સાબિત થયું હતું અને પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાતાં ખેડૂતોએ હવે વાવણી કાર્ય શરૂ કરી દીધું છે.
અત્યારસુધીમાં કોરા ધાકોર રહેલા ભુજ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે બપોર બાદ ધીમીધારે વરસી રહેલા વરસાદે હાજરી પૂરાવી હતી. આ લખાઈ રહ્યું છે ત્યારે મેઘાડંબર છવાયેલો હોઈ સચરાચર વરસાદ વરસવાની આશા શહેરીજનોમાં જીવંત બની છે.
આપણ વાંચો: સાવરકુંડલામાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, અમરેલીમાં સાર્વત્રિક મેઘમહેર
દેશલપરમાં માત્ર અડધા કલાકમાં દોઢ ઇંચ વરસાદ

ભુજ ઉપરાંત તાલુકાના માનકૂવામાં પણ બપોરે જોરદાર વરસાદી હેલીની પધરામણી થતાં અહીંના માર્ગો ભીના બની જવા પામ્યા છે. નખત્રાણા ખાતે આજે વરસાદી ઝાપટાં નોંધાયાં છે.
દેશલપર (વાંઢાય)માં માત્ર અડધા કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. કચ્છના સૌથી ઊંચા ધીણોધરના ડુંગર અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ થઇ જતાં આગામી શ્રાવણી તહેવારો સુધી કચ્છના ધીણોધર, ભુજના ભુજિયા ડુંગર, ટપકેશ્વરીની હારમાળાઓ, લીલા વાઘા ધારણ કરી લેશે.
આપણ વાંચો: સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ: અમરેલીમાં ST બસ પાણીમાં ફસાઈ, ભાવનગર જળબંબાકાર
રાપર શહેર જળબંબાકાર
નખત્રાણા, ભુજ ઉપરાંત સીમાને અડકીને આવેલા રાપર તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. શનિવારની રાતથી શરૂ થયેલો વરસાદ આજે બરકરાર રહેવા પામ્યો છે અને ચાર ઇંચથી વધારે પાણી વરસતાં રાપર શહેર જળમગ્ન બન્યું છે.
તાલુકાના બાલાસર, આડેસર, ખડીર, પ્રાંથળ, રામવાવ, ખેંગારપર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ત્રણેક ઇંચ વરસાદ થતાં વાગડવાસીઓમાં હર્ષની લાગણી ફેલાઈ છે.
આપણ વાંચો: ગુજરાતમાં મેઘમહેર: ભાવનગરમાં આભ ફાટ્યું, જેસરમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર!
આગામી ૪૮ કલાક ભારે
અકળાવનારા બફારાની સામે હજુ જોઈએ તેટલો વરસાદ કચ્છમાં થયો નથી તેથી કચ્છને શ્રીકાર વરસાદની આક્રમક બેટિંગની પ્રતીક્ષા છે, જે રીતે અત્યારે રાજસ્થાન અને પાકિસ્તાન પર સર્જાયેલા લો-પ્રેશરના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં બારે મેઘ ખાંગા જેવો વરસાદી માહોલ છવાયો છે.
આગામી 48 કલાકમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે અને હવામાન વિભાગે પણ આ જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. દરમિયાન ઉપરવાસમાં વરસેલા નોંધપાત્ર વરસાદને પગલે હમીરસર તળાવમાં પાણી લઇ આવતા મોટા બંધમાં પાણીની ધીમીધારે આવક શરૂ થઇ છે.