ભુજ

અમદાવાદ બાદ ગાંધીધામમાંથી પ્રતિબંધિત ‘કેપ્ટન ગોગો’ પેપરનો જથ્થો ઝડપાયો

ભુજઃ ગાંધીધામ શહેર અને સંકુલમાં તથા આદિપુર, અંજાર, ભચાઉ સહિતના મથકોએ દેશી-અંગ્રેજી શરાબના પોઈન્ટ, ગાંજો, ભાંગ વગેરે પ્રકારના નશાકારક પદાર્થોની બદી સતત વધી રહી છે. આ વચ્ચે ગાંધીધામના સેક્ટર-૯ વિસ્તારમાં સ્થિત એક દુકાનમાંથી પોલીસે પ્રતિબંધિત કેપ્ટન ગોગો કોન તથા રોલિંગ પેપર સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.

વિવિધ પ્રકારના પાવડર સ્વરૂપના માદક દ્રવ્યોને ગોગો પેપરમાં વીંટાળી તેને બીડી, સિગારેટની જેમ બંધાણીઓ દ્વારા સેવન કરવામાં આવતું હોઈ, રાજ્ય સરકાર દ્વારા આ પેપરને પ્રતિબંધિત જાહેર કરી દેતાં રાજ્ય પોલીસ હાલ પાન, બીડી, ચાની લારી, કરિયાણાની દુકાનોમાં તપાસ ચલાવી રહી છે એ દરમ્યાન મહાનગરપાલિકા કચેરી પાછળ, સેક્ટર-૯,પ્લોટ નંબર ૪૪, મોરબિયા ચેમ્બરમાં સ્થિત કમલેશ કોલ્ડ્રીંક્સ નામની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન કોલ્ડ્રીંક્સની દુકાનમાંથી પ્રતિબંધિત કેપ્ટન ગોગો કોનના નંગ ૪૬ તથા કેપ્ટન ગોગો રોલિંગ પેપર કોનના નંગ ૮૧ મળી આવતાં અપના નગરમાં રહેનાર દુકાનના સંચાલક એવા કમલેશ ગોવિંદ ઠક્કરની ધરપકડ કરી હતી.

આ ઉપરાંત, ગાંધીધામના સપનાનગરમાં બી-૨૪૦માં આવેલી અન્ય એક દુકાનમાં પણ પોલીસે દરોડો પાડીને રૂા.૪૪૦૦ની ગોગો પેપરની ભૂંગળી જપ્ત કરાઈ હતી તેમજ સંચાલક ભવાન કરમશી બારવાડિયા (પટેલ)ને નોટિસ પાઠવાઈ હતી. વધુ એક કાર્યવાહી શહેરના રેલવેમથક બહાર આવેલી એક પાન-બીડીની કેબિનમાં પાર પાડવામાં આવી હતી અને ગોગો પેપરની રૂ.૧૩૮૦ની ૧૩૮ જેટલી ભૂંગળીઓ જપ્ત કરી, આદિપુરના મહેશ તારાચંદ લાલવાણીને પણ નોટિસ આપવામાં આવી હતી.

બુધવારે અમદાવાદ એરપોર્ટ પોલીસે ગોગો પેપરના મોટા જથ્થા સાથે એક શખસની ધરપકડ કરી હતી. એરપોર્ટ પોલીસની ટીમને બાતમી મળી હતી કે, હાંસોલ વિસ્તારમાં આવેલા સમરથ નગરના મકાન નંબર 183 અને 385માં ગોડાઉન બનાવી મોટા પાયે પ્રતિબંધિત માલનો સંગ્રહ કરવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા ત્યાંથી 300થી વધુ કાર્ટન ગોગો પેપરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અંદાજે 72 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતી અને આ ગુનામાં સંડોવાયેલા આરોપી જેકી પ્રહલાદભાઈ મોટવાનીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો…ગુજરાત સરકારે ડ્રગ્સના દૂષણને રોકવા લીધો મહત્વનો નિર્ણય, જાણો વિગત

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button