કલેક્ટર પ્રદીપ શર્મા સહિત ત્રણને સજાઃ કચ્છ જમીન કૌભાંડમાં આવ્યો ચુકાદો

ભુજ: કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપકુમાર નિરંકરનાથ શર્માને જાન્યુઆરી ૨૦૦૧ના વિનાશક ભૂકંપ સમયના કચ્છના કાર્યકાળ દરમિયાન કેટલીક ખાનગી કંપનીઓને આર્થિક ફાયદો પહોંચાડવા અને ખોટી રીતે જમીન ફાળવણી કરીને સરકારી તિજારીને લાખોનું નુકસાન પહોંચાડવાના અલગ અલગ કેસમાં અમદાવાદની વિશેષ ઇડી કોર્ટ દ્વારા ત્રણ અલગ અલગ કેસમાં પાંચ વર્ષની સજા ફટકારાયા બાદ હવે ભુજની કોર્ટે સમાઘોઘા ખાતે આવેલી જિંદાલ સો પાઈપ્સ લિમિટેડ કંપનીને અયોગ્ય રીતે જમીન ફાળવણી કરવાના મામલે શર્મા તથા સહ આરોપીઓને ૫ વર્ષની સખત કેદ તથા રૂપિયા ૧૦૦૦૦ નો દંડ ફટકાર્યો છે.
આ ચુકાદો ભુજ કોર્ટના ચોથા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે સંભળાવ્યો હતો. પ્રદીપ શર્માની સાથે સાથે આ મામલે નટુભાઈ દેસાઈ (તત્કાલીન નગરનિયોજક, ભુજ), નરેન્દ્ર પોપટલાલ (નાયબ મામલતદાર, કચ્છ) અને અજિત સિંહ ઝાલા (તત્કાલીન નિવાસી નાયબ કલેક્ટર, ભુજ)ને પણ દોષિત ઠેરવતા સજા ફટકારવામાં આવી હતી.
આ પણ વાંચો: Gujarat માં 19 વર્ષ જૂના જમીન કૌભાંડ કેસમાં નિવૃત IAS પ્રદીપ શર્મા દોષિત જાહેર
ઉલ્લેખનીય છે કે, પ્રદીપ શર્માને સરકારના પરિપત્ર અને હુકમ મુજબ બે હેક્ટર જમીન ૧૫ લાખ રૂપિયાની નજીવી કિંમતે ઔદ્યોગિક હેતુ માટે મંજૂર કરવાની સત્તા મળી હતી. જેની સામે તેઓએ ૪૭,૧૭૩ ચો.મી. જમીન મંજૂરી કરી દીધી હતી. આ રીતે તેમના પર સરકારના હુકમની અવગણના કરવાનો અને બદઈરાદે સરકારને આર્થિક નુકસાન પહોંચાડવાનો જે આરોપ લાગ્યો હતો તેમાં તેઓ દોષિત ઠર્યા છે.
ભુજની નામદાર અદાલતે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૦૯, ૧૨૦ (બી) હેઠળ કાર્યવાહી કરતાં પાંચ વર્ષની કેદની સજા અને ૧૦૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
આ પણ વાંચો: ભુજના જમીન ફાળવણી કેસમાં સુપ્રીમ કોર્ટે તત્કાલીન કલેકટર પ્રદીપ શર્માની જામીન અરજી ફગાવી
ગત જાન્યુઆરીમાં અમદાવાદની વિશેષ ઇડી કોર્ટ દ્વારા પ્રદીપ શર્માને જે ૫ વર્ષની સજા ફટકારવામાં આવી છે તે પૂર્ણ થયા બાદ આ સજાના સમયગાળાની ગણતરી શરૂ કરવામાં આવશે અને જો તે દંડની રકમ નહીં ભરે તો વધુમાં ૬ મહિનાની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે તેમ ન્યાયાલયે ચુકાદો આપતી વખતે જણાવ્યું હતું.