શિક્ષણ વિભાગ બાદ હવે ‘ઘેર’ હાજર પોલીસકર્મીઓ પણ તપાસના દાયરામાં

ભુજ: બનાસકાંઠાની એક શાળામાં વિદેશમાં રહીને પગાર મેળવનાર મહિલા શિક્ષિકાનો કિસ્સો ઉજાગર થયા બાદ ચાલેલી તપાસમાં કચ્છમાં 17 જેટલા પ્રાથમિક શાળાના શિક્ષકો લાંબી રજા ભોગવી રહ્યા હોવાનું પ્રકાશમાં આવતા મચેલા હડકંપ વચ્ચે હવે લાંબી રજાઓની તપાસનો રેલો ગુજરાતના પોલીસ તંત્ર સુધી લંબાયો છે. કચ્છ સહિત રાજ્યભરમાં લાંબી રજા ભોગવી ચુકેલા અને હાલે લાંબા સમયથી ‘ઘેર’હાજર પોલીસ કર્મચારીઓ તપાસ શરૂ થવાના સંકેતોથી ગુટલીબાજ પોલીસબેડામાં પણ ફફડાટ મચ્યો છે.
સરકારી પગાર મેળવતા કર્મચારીઓ પોતાની ફરજને કોરાણે મુકી લાંબી રજાઓ ભોગવવાનો મુદ્દો હાલે કચ્છ સહિત રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. શિક્ષણ તંત્રમાં લાંબી રજા ભોગવતા શિક્ષકોની તપાસ શરૂ કરી જેમાં ચાલુ ફરજે ગેરહાજર રહેતા 134 શિક્ષકોની વિગતો સામે આવતા તમામને બરતરફ કરાયા છે, 60 શિક્ષકો તો વિદેશમાં હોવાની વિગતો પણ સામે આવી છે.
આ પણ વાંચો ; અમેરિકા રહેતા શિક્ષિકાએ કરી સ્પષ્ટતા “મારી પાસે બધી NOC છે, આવીશ ત્યારે પુરાવા રજૂ કરીશ.”
દેશના ભવિષ્યના ઘડતર માટે ચાવીરૂપ ભૂમિકા ભજવતા શિક્ષણ વિભાગમાં લાંબા સમયથી ચાલી આવતી લાલિયાવાડીના ખુલાસા બાદ હવે અન્ય સરકારી વિભાગોમાં પણ ગુટલીબાજ કર્મચારીઓ સામે સકંજો કસાયો છે. પ્રજાની સુરક્ષાની જવાબદારી અને કાયદાની અમલવારી જેના શીરે છે તેવા પોલીસ બેડામાં પણ અમુક કર્મીઓ લાંબી રજા ભોગવતા હોવાના મળેલા ઈનપુટસ બાદ હવે પોલીસ તત્ર દ્વારા તપાસનો નિર્ણય લેવાયો હોવાના સંકેતો સાંપડી રહ્યા છે.
ગુટલીબાજ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓની તપાસ કરવામાં આવે તો ઘણી ચોંકાવનારી વિગતો સામે આવે તેવી સંભાવના છે. લાંબા સમયથી રજા પર હોય તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓની તપાસ કરાશે. શંકાસ્પદ કર્મચારીઓના પાસપોર્ટ પણ ચકાસવામાં કરવામાં આવનાર છે જેથી બીમારીના બહાના ધરીને રજા લઇને વિદેશ ફરી આવેલા પોલીસ અધિકારી-કર્મચારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.
કેટલાક હાઈપ્રોફાઈલ પોલીસ કર્મીઓના તો પરિવાર જ વિદેશમાં સેટલ થયા હોવાનું અને આ પરિસ્થિતિમાં ડિપાર્ટમેન્ટની જાણ બહાર વિદેશ ફરી આવેલા પોલીસકર્મીઓની તપાસ માટેની કવાયત શરૂ થઇ ગઇ હોવાનું અંતરંગ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં જ વેકેશનમાં રાજ્યમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ અમેરિકા-યુરોપ ફરી આવ્યા હતા. હવે તેમણે મંજૂરી લીધી હતી કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે.