ભચાઉ નજીક પોલીસે ઝડપ્યો 25.60 લાખનો વિદેશી દારૂ: આરોપીઓ ફરાર
ભુજ: સરહદી કચ્છ જિલ્લો પંજાબની જેમ નશાખોરીનું કેન્દ્ર બની રહ્યો હોય તેમ લગભગ દરરોજ ડ્રગ્સ, શરાબ જેવા માદક પદાર્થો ઝડપાતા રહે છે તેવામાં પૂર્વ કચ્છ પાલીસે ભચાઉ તાલુકાના વિજપાસરથી વોંધ તરફ જતાં કાચા માર્ગ પરથી ત્રણ વાહનોમાંથી રૂા. ૨૫,૬૦,૮૦૦ની કિંમતનો શરાબનો જથ્થો જપ્ત કરી લીધો હતો, જો કે માલનું કટિંગ કરનારા શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા.
પૂર્વ બાતમીના આધારે એલ.સી.બી.એ હાથ ધરેલી કાર્યવાહીમાં આઇસર ટ્રક-ટેમ્પોની તલાશી લેતાં અંદરથી ભૂંસાની થેલીઓ અને તેના નીચે દારૂની પેટીઓ મળી આવી હતી. આ વાહનમાંથી બિયરના ૩૩૮૪ ટીન, ગોવા સ્પેશિયલની ૮૬૪ બોટલ, વોડકાના ૫૪૭૨ તેમજ વ્હીસ્કીના ૯૮૮૮ જેટલા ક્વાર્ટરિયા, તેમજ છત્તીસગઢના મહેશ કરણસિંઘ નામના શક્ષણજ ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે જપ્ત કરાયું હતું.
તેમજ બોલેરોમાંથી બીયરના ૧૪૪૦ ટીન તથા ટ્રેક્ટરમાંથી હેયવર્ડસ-૫૦૦૦ના ૨૪૦૦ ટીન સહીત ત્રણેય વાહનોમાંથી કુલ રૂા. ૨૫,૬૦,૮૦૦નો અંગ્રેજી શરાબ હસ્તગત કરવામાં આવ્યો હતો. પોલીસે હાજર ન મળેલા અપરાધીઓને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.