ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કમાં પોલીસનો સપાટો, 23 ગેરકાયદે ગેસ સિલિન્ડર સાથે શખ્સ ઝડપાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ કચ્છમાં જાનમાલને જોખમમાં મૂકીને લીકવીડ પેટ્રોલિયમ ગેસના સિલિન્ડરનું રિફિલિંગ કરી બજાર ભાવથી ઊંચા ભાવે થઇ રહેલાં અનધિકૃત વેંચાણની બદી પણ છાશવારે બહાર આવતી રહે છે. આ દરમિયાન ખાવડા પાસેના વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કમાં લાંબા સમયથી ચાલતા એલપીજી ગેસના સિલિન્ડરના ગેરકાયેદે વેપલાનો સ્થાનિક ગુન્હાશોધક શાખાએ પર્દાફાશ પર્દાફાશ કર્યો હતો. આધાર-પૂરાવા વિહોણી ૨૦ ભરેલી અને એક ખાલી કોમર્શિયલ ગેસના સિલિન્ડર તથા બે ઘરેલુ ગેસના સિલિન્ડર સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો.
મળતી વિગતો મુજબ, રાંધણ ગેસના બાટલાનું વેંચાણ કરતા દુકાનદાર પાસે કામ કરનાર દિનેશકુમાર મહેન્દ્રસિંહ (રહે. હાલે આર.ઇ. પાર્ક, મૂળ રાજસ્થાન), રાંધણગેસની બોટલો સાથે છેડછાડ કરીને ગેરકાયદે રીતે વેચી રહ્યો હોવા અંગે પૂર્વ બાતમી મળતાં આર.ઈ પાર્કમાં ધસી ગયેલી એલસીબીએ આ શખ્સને અટકમાં લીધો હતો. તેની પાસેથી આધાર-પૂરાવા વિનાના ૨૧ કોમર્શિયલ ગેસના સિલિન્ડર, જેમાં ૨૦ ભરેલાં એક ખાલી તથા બે ઘરેલુ રાંધણ ગેસના સિલિન્ડર મળી આવ્યાં હતાં.
ફાયર સેફ્ટીના સાધનો વગર અનધિકૃત રીતે લોકોના જાનમાલની સુરક્ષાને જોખમાવીને ગેસ રીફીલીંગ કરી ઊંચા ભાવે વેચાણ કરવા સબબ પોલીસ દ્વારા એસેન્સિયલ કૉમોડિટી એક્ટ સહિતની કલમો તળે આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સામખિયાળી-મોરબી ધોરીમાર્ગ પરના લાકડિયા ગામની એક હાઇવે હોટલની પાછળથી તેમજ અંજારની ભાગોળે આવેલા વરસામેડી ગામમાં અને ગાંધીધામની શાકમાર્કેટમાંથી સ્થાનિક પોલીસે દરોડો પાડી આડમાં એલપીજી ગેસના સિલિન્ડરનું રીફીલીંગ કરી તેના ઊંચા ભાવે થઇ રહેલા વેચાણના કારોબારનો પર્દાફાશ કર્યો હતો.
આપણ વાંચો: ગુજરાતમાં આ સરકારી યોજના અનુસૂચિત જાતિની દીકરીઓ માટે બની ‘કવચ’



