બે યુવકની કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં પોલીસ અધિકારીની જામીન અરજી નામંજૂર | મુંબઈ સમાચાર

બે યુવકની કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં પોલીસ અધિકારીની જામીન અરજી નામંજૂર

ભુજ: રાષ્ટ્રીય સ્તરે ચર્ચાસ્પદ બનેલા કચ્છના મુંદરાના પોલીસ મથકના જાન્યુઆરી ૨૦૨૧ના કસ્ટોડિયલ ડેથ કેસમાં આરોપી પૈકીના તત્કાલિન પોલીસ ઈન્સ્પેક્ટર જયેન્દ્રસિંહ અનોપસિંહ પઢિયારની વચ્ચગાળાની જામીન અરજી જિલ્લાની નામદાર અદાલતે નામંજૂર કરી છે.

તત્કાલીન પોલીસ ઇન્સ્પેકટર પઢિયારે તેના પરિવાર માટે નાણાકીય વ્યવસ્થા કરવા અને સારસંભાળ લેવાના કારણોસર ૩૦ દિવસના ટૂંકા ગાળાના જામીન મેળવવા માટે અરજીને દાખલ કરી હતી.

અદાલતે બંને પક્ષને સાંભળી આરોપીને મળવાપાત્ર ભથ્થું મળે છે તથા સગાસંબંધી કુટુંબની માવજત કરી શકે તેમ છે, ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અગાઉ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ જામીન આપ્યા ન હોવાથી અત્રેની અદાલતે આ જામીન અરજી ફગાવી દીધી હતી.

આ પણ વાંચો -‏‏‎ સુરેન્દ્રનગરમાં ગ્રામ પંચાયત ચૂંટણી: 594 ફોર્મ ભરાયા, વઢવાણમાં વિવાદના વંટોળ

અત્રે ઉલ્લેખનીય છે કે, મુંદરા પોલીસે ચોરીનું આળ નાખીને ત્રણ ગઢવી સમાજના યુવકોની ગેરકાયદે અટક કરી, પોલીસ કસ્ટડીમાં ગોંધી રાખીને અમાનુષી ત્રાસ આપતાં બે યુવકોના કમકમાટીભર્યા મૃત્યુ થયાં હતાં અને જે-તે સમયે કચ્છ સહીત બૃહદ કચ્છમાં ભારે ઉહાપોહ મચ્યો હતો.

Back to top button