ગાંધીધામના કોંગ્રેસ ઉપપ્રમુખની બંદૂક સાથે ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરનારા શખ્સની ધરપકડ

ભુજ: પાક રક્ષણ માટે હથિયાર મેળવનારી ગાંધીધામ શહેર કોંગ્રેસની ઉપ પ્રમુખ સલમા સુલેમાન ગંઢ અને માવજી ઊર્ફે સુરંગ રામજી કોલી સામે એસઓજીએ આર્મ્સ એક્ટના ભંગ બદલ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જો કે જિજ્ઞેશ મેવાણીની પત્રકાર પરિષદમાં સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોની દલિત મહિલા કર્મચારીની કોંગ્રેસી નેતાએ ખુરશી ખેંચી લઈ નીચે પાડી દેવાનો મામલો હાલ ચર્ચામાં છે.
SOGના PI વી.વી ભોલાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ઈન્સ્ટાગ્રામમાં કપિલ કોલી નામના યુઝર એકાઉન્ટ પર એક યુવક ડબલ બેરલ બાર બોરની બંદૂક સાથે કાળા રંગની મહિન્દ્રા થાર જીપ પાસે ઊભો હોવાનો ફોટો એસઓજીના ધ્યાને આવ્યો હતો. પોલીસે તપાસ કરીને બંદૂક સાથે ફોટો પડાવનાર માવજી ઊર્ફે સુરંગ કોલીને અટકમાં લઇ પૂછપરછ કરતાં તેણે એ બંદૂક સલમા ગંઢ નામની માલિકીની હોવાનું અને તેની હથિયારનું લાયસન્સ હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો : ભ્રષ્ટાચારની પેટર્ન બદલાઈઃ દ્વારકા-સુરત પછી વલસાડનો વારો, ઉમરસાડીનો પેડેસ્ટલ બ્રિજ ધોવાયો
પરવાનેદાર વ્યક્તિ જેની પાસે આર્મ્સ લાયસન્સ ના હોય તેવી અન્ય કોઈ વ્યક્તિને ઉપયોગ કરવા માટે આ રીતે હથિયાર આપી ના શકે તેવો કાયદો હોઈ પી.આઈ ડી.ડી. ઝાલાએ બંદૂક કબજે કરીને માવજી અને સલમા બંને વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, માવજી અંજાર તાલુકાના વીડી ગામનો કુખ્યાત બૂટલેગર છે અને તેની સામે દારૂબંધી, રાયોટીંગ, હુમલો, ધાક-ધમકી આપવી, સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ, તોડફોડ, બંદૂકના નાળચે હુમલો કરી છેડતી કરવા સહિતના અંજાર, આદિપુર, ગાંધીધામ, માધાપરમાં ૨૪ જેટલા ગુના નોંધાયેલાં છે, જયારે ગાંધીધામ કોંગ્રેસની ઉપ પ્રમુખ એવી સલમા ગંઢ પણ અગાઉ બે વખત જુગારધારાના કેસમાં પોલીસ ચોપડે ચઢી ચૂકેલી છે, અને નાણાંકીય વ્યવહારના મામલે પોતાની કંપનીના કર્મચારીને ઑફિસમાં જ ગોંધી રાખીને મરવા મજબૂર કરવાનો પણ ગંભીર ગુનો નોંધાયેલો છે.