ભુજ

કચ્છની કેસર કેરીનો સ્વાદ બનશે દોહ્યલો? કચ્છમાં ખરાબ વાતાવરણથી ખરી રહ્યો છે મોર-ખેડૂતોમાં ચિંતા

ભુજ: હવામાનમાં આવી રહેલા ચિંતાજનક ફેરફારોની અસર માનવ જીવન પર તો થઈ જ રહી છે પણ સાથે સાથે તેની અસર કચ્છની કેસર કેરી પર પણ જોવા મળી રહી છે. કચ્છની કેસર કેરીના ઉત્પાદનમાં સતત ત્રીજા વર્ષે પ્રવર્તી રહેલા વિષમ વાતાવરણના મારને કારણે કેરીના ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાનું કેરી પકવતા ખેડૂતો જણાવી રહ્યા છે.

કેસર કેરીનું હબ ગણાતા કચ્છના ગઢશીશા પંથકમાં એક માસ પૂર્વે આંબા મોરથી લચી ઝૂલી રહ્યા હતા અને પાન કરતાં વૃક્ષમાં `મોર’ વધારે લાગવા માંડતાં ખેડૂતો અને આંબાના વેપારીઓએ સારા પાકની આશા સેવી હતી, પરંતુ અચાનક વાતાવરણની વિષમતા, વધારે પડતી ઝાકળ અને ઠંડી-ગરમીના કારણે બોર ફૂલ ખરી ગયાં છે અને ધારણા કરતાં 40 ટકા જેટલો પાક આવે તેવી શક્યતા દર્શાવી હતી.

કેસરનો ફાલ ઘટ્યો
કેસર કેરીની માવજતમાં મોટો ખર્ચ અને યોગ્ય આવક ન મળતી હોવાથી ખેડૂતો બાગાયતી પાકમાંથી રોકડિયા પાક તરફ વળી રહ્યા હોવાનું જણાવ્યું હતું. માંડવી તાલુકાના મઉ ગામના બટુકસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે આ વર્ષે સરેરાશ ફાલમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે જેનું મુખ્ય કારણ ઠંડી-ગરમી સાથેની ભેજયુક્ત વાતાવરણની વિષમતા. સામાન્ય રીતે કચ્છની કેસર કેરીને ઓક્ટોબર-નવેમ્બરમાં ફૂલ (મોર) બેસતાં હોય છે. એ જ રીતે, જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં મોર નીકળતાં હોય છે. આ વર્ષે આ ચારેય મહિના દરમિયાન ગરમી- ઠંડીના પરિણામે, ફ્લાવરીંગ ઓછું થતાં કેસરનો ફાલ ઘટ્યો છે.

સ્વચ્છ વાતાવરણ પર ભાવનો આધાર
ગત વર્ષ 2023ના જૂન મહિનામાં ત્રાટકેલ બિપરજોય વાવાઝોડું અને કમોસમી માવઠાના કારણે 80થી 90 ટકા જેટલું ઓછું ઉત્પાદન થયું હતું, ત્યારબાદ વર્ષ 2024માં કમોસમી માવઠાના માર અને આ વર્ષે પણ વિષમ વાતાવરણની રહેલી પરિસ્થિતિને કારણે ફ્લાવરીંગ ઓછું થવાના કારણે જે કેસર કેરી અત્યારે બચી છે તેની ગુણવતા અને ભાવનો મદાર સ્વચ્છ વાતાવરણ પર રહેલો છે.

કેસર કેરીના પાકને નુકસાન
50 વર્ષથી ખેતીકામ સાથે સંકળાયેલા ખેડૂત અગ્રણી હરજી વોરાએ જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતાં આ વર્ષે કેરીના સારા ઉત્પાદનની આશા હતી પણ ઠંડી-ગરમી વચ્ચે રહેલા તફાવતના કારણે અહીં મોટા ભાગના કેસર કેરીના પાકને નુકશાન પહોંચ્યું છે. બાગાયતમાં દાડમ અને ખારેકના પાકને પણ હાનિ પહોંચી છે.

મોટી માત્રામાં ખરી પડ્યો મોર
અન્ય ખેડૂત નાનજી પટેલે જણાવ્યું હતું કે, નવેમ્બર માસથી રહેલી વાતાવરણીય વિષમતાના કારણે ઘઉં, કેરી, એરંડો, શાકભાજી અને ઘાસચારામાં નુકસાની થઈ છે. કેરીના પાકમાં વાર્ષિક એક જ વખત ફાલ આવતો હોય છે, ત્યારે આ વર્ષે ફાલને જોઈને સારી કમાણીની આશા બંધાઈ હતી પરંતુ કેરીના બોરમાં કણી બંધાય એ અગાઉ તે મોટી માત્રામાં ખરી પડતાં આ તમામ માલ ખરાબ ગયો છે. ગઢશીશા ઉપરાંત દેવપર (ગઢ), દનણા,મઉં, રત્નાપર, વડવા, દુજાપર વિ.ગામોમાં પાકને નુકસાની થઈ હોવાનું તેઓએ ઉમેર્યું હતું.

કાચી કેરીનો ભાવ વધ્યો
સરકાર તરફથી જો કોઈ વળતર નહિ મળે તો કચ્છમાં ખેતી અને પશુપાલન ભાંગી પડશે તેવો ભય ખેડૂત અગ્રણીએ વ્યક્ત કર્યો હતો. વળી, અથાણાં બનાવવાની સીઝન શરૂ થઇ રહી છે એ વચ્ચે અત્યારે શાકમાર્કેટમાં જોવા મળતી કાચી કેરીનો એક નંગ 50 થી 60 રૂપિયામાં વેંચાઈ રહ્યો છે. જેને લઇ ગૃહિણીઓએ કેરીનું અથાણું બનાવવાનું પણ માંડી વાળ્યું છે. કેરી ઉપરાંત કુદરતના કોપ વચ્ચે આ વર્ષે દાડમ, કમલમ, કચ્છી માવા તરીકે દેશ-વિદેશમાં પ્રખ્યાત લાલ-પીળી ખારેકનો માલ પણ ઓછો ઉતરતાં બજારમાં મધ્યમવર્ગના ખિસ્સાંને પરવડે નહિ તેવા મોંઘા ભાવે વહેંચાશે.

Read This…જાહેર રજાના દિવસે પણ થશે દસ્તાવેજ નોંધણીની કામગીરી, ખુલ્લી રહેશે સબ-રજીસ્ટ્રાર કચેરીઓ

કચ્છની કેસર કેરીની વિશેષતા
અત્રે એ ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે, ગીર-તાલાલા કે વલસાડની કેરીની સીઝન પૂરી થવા આવે ત્યારે કચ્છની વિશ્વ વિખ્યાત કેસરનું આગમન થાય છે. મે મહિનાના અંતિમ સપ્તાહથી લઈ જૂનના અંતિમ પખવાડીયા સુધી કેસર પુષ્કળ પ્રમાણમાં બજારમાં ઠલવાય છે. કચ્છમાં વાતાવરણ અને જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું રહેતું હોઈ કુદરતી રીતે જ કચ્છની કેસર કેરીમાં સુગર એસીડ બ્લેન્ડ સૌથી વિશિષ્ટ રહે છે. એટલે કે, અન્ય વિસ્તારોની કેરીની તુલનાએ કચ્છી કેસરમાં નહિવત્ ખટાશ હોય છે જેથી કેરી મીઠી અને રસાળ હોય છે.

ગીર અને કચ્છની કેસર કેરીમાં શું તફાવત?
સામાન્ય રીતે, કેસર કેરીનો બાહ્ય દેખાવ લીલોછમ્મ હોય છે. પરંતુ, કચ્છની કેસરનો બાહ્ય દેખાવ થોડીઘણી રતાશ કે પીળાશ ધરાવતો હોય છે.કચ્છના મોટાભાગના ખેડૂતો રાસાયણિક ખાતરના બદલે સજીવ ખાતર દ્વારા ઓર્ગેનીક રીતે કેસર પકવતાં હોઈ પ્રાકૃતિક રીતે તે પણ તે અન્ય વિસ્તારની કેરીઓની તુલનાએ વિશિષ્ટ બની રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button