ભુજમાં ‘પાર્ટી ડ્રગ્સ’નો પર્દાફાશ: ધમધમતા વિસ્તારમાંથી ₹75 હજારના MD ડ્રગ્સ સાથે ફૂટવેર શો-રૂમ માલિક ઝડપાયો

ભુજ: કચ્છમાં છેલ્લા કેટલાક વર્ષોથી નશીલા દ્રવ્યોનો વ્યાપ ચિંતાજનક રીતે વધી રહ્યો છે તેવામાં ભુજ શહેરના ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા ન્યુ સ્ટેશન રોડ પર આવેલી જાણીતી ફૂટવેરની દુકાનમાંથી ૭૫ હજારની કિંમતના ૭.૫ ગ્રામ મેકડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપી લેતાં શહેરભરમાં ચકચાર જાગી છે.
કાર્યવાહી અંગે પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી.ના પી.આઇ. કે. એમ. ગઢવીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, પેટ્રોલિંગ દરમ્યાન મળેલી પૂર્વ બાતમીના આધારે ભુજના સ્ટેશન રોડ પર એસ.બી.આઈ બેંકની બાજુમાં આવેલા રિયલ ફૂટવેર નામના શો-રૂમમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ વેળાએ અહીં હાજર મળી આવેલા શો-રૂમના માલિક અબ્દુલગની અકબરઅલી મેમણ (રહે. રોયલ સિટી ભુજ)ને સાથે રાખી હાથ ધરેલા સર્ચ દરમ્યાન જૂતાના બોક્સ વચ્ચે સંતાડવામાં આવેલું ૭.૫ ગ્રામ એમ.ડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં અબ્દુલગનીએ આ માદક પદાર્થ તેણે પોતાનાં અંગત વપરાશ માટે તેના મિત્રો સલુ શેખડાડા અને ઉમરશા શેખડાડા (રહે. બંને શેખ ફળિયા ભુજ) પાસેથી રૂપિયા ૨૭,૦૦૦માં ૧૧ ગ્રામ ખરીદી, થોડું સેવન કર્યું હતું.
આ દરોડા દરમ્યાન ૭.૫ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિં. રૂા. ૭૫,૦૦૦ અને ત્રણ સ્માર્ટ ફોન કિં.રૂા. ૪૫,૫૦૦ અને રોકડા ૧૫,૫૩૦ અને સીસીટીવી કેમેરાનું ડી.વી.આર. કિં. રૂ. ૨૦૦૦ સહીત કુલે રૂ. ૧,૩૮,૦૩૦ના મુદ્દામાલને અંકે કર્યો હતો અને ભુજના એ-ડિવિઝન પોલીસ મથકે ત્રણ આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસના આરોપી અબ્દુલગનીને પોલીસે ચીફ કોર્ટમાં પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કરતાં જજ જે.વી. બુધે રિમાન્ડની ગ્રાહ્ય રાખ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
આપણ વાંચો : ગુજરાતમાં દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, નવી 201 બસો ઉમેરાઈ