પ્રેમમાં પાગલ પાકિસ્તાની પ્રેમી પંખીડા ૪૦ કિમી ગોઠણડૂબ પાણી પાર કરીને કચ્છ પહોંચ્યા! સુરક્ષા એજન્સીઓ હરકતમાં. | મુંબઈ સમાચાર
ભુજ

પ્રેમમાં પાગલ પાકિસ્તાની પ્રેમી પંખીડા ૪૦ કિમી ગોઠણડૂબ પાણી પાર કરીને કચ્છ પહોંચ્યા! સુરક્ષા એજન્સીઓ હરકતમાં.

ભુજ: ગુજરાતના પશ્ચિમ કાંઠે આવેલા કચ્છ જિલ્લામાં પાકિસ્તાન સરહદથી ચરસ, ગાંજો, ટેન્કર જેવી વસ્તુઓ મળી આવ્યા બાદ હવે એક નોખો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પાકિસ્તાનના ઇસ્લામકોટના પ્રેમી પંખીડાઓ ભારત અને પાકિસ્તાનની વેરાન અને હાલ તો જાણે દરિયાના સ્વરૂપમાં જ ફેરવાય ગયેલી સરહદને પાર કરીને છેક રતનપર ગામના સીમાડે આવેલા સાંગવારી માતાના મંદિર સુધી પહોંચી ગયા હતા. જેની જાણ સ્થાનિકોએ પોલીસને કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

મળતી વિગતો અનુસાર, એક તરફ ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ભારે તંગદિલી સર્જાવા પામી છે અને બને દેશો વચ્ચે હાલ ‘કોલ્ડ વોર’ ચાલી રહ્યું છે તેવામાં સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ આંતરરાષ્ટ્રીય સરહદ સુધીનો કપરો પ્રવાસ ખેડીને પાકિસ્તાનના થરપારકરના યુવક-યુવતી છેક કચ્છના સીમાવર્તી વાગડ પંથકના સરહદી ખડીર પંથકના રતનપર ગામ સુધી પહોંચી આવતાં સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે.

વર્ષ ૨૦૦૦માં રિલીઝ થયેલી, જે.પી દત્તાની રેફ્યુજી ફિલ્મની વાર્તા જેવી આ ઘટના અંગે ખડીરના ઇન્ચાર્જ પી.આઇ. વી.એ.ઝાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, રતનપર ગામના પાદરે આવેલા સાંગવારી માતાજીના મંદિર પાસે શંકાસ્પદ દેખાતા યુવક-યુવતીને જાગૃત ગ્રામ લોકોએ રોક્યા હતા અને તેમની પૂછપરછ આદરી હતી. સ્થાનિક ભાષાને બદલે તેઓ સિંધી ભાષામાં વાત કરતા હોઈ, ગ્રામ લોકોએ ત્વરિત સરપંચને જાણકારી આપતાં તેઓએ ખડીર પોલીસને માહિતગાર કરી હતી.

અહીં આવેલી પોલીસે આ બંને પ્રેમીપંખીડાંને ઝડપી લઇ બંનેની પૂછપરછ કરવામાં આવતા બંને પાકિસ્તાનના થરપારકર જિલ્લાના ઇસ્લામકોટના બસરી ગામના તથા શિવમંદિર પાસેના રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસના હાથમાં આવેલા મીના ઉર્ફે પૂજા કરશન ચૂડી (ભીલ) તથા તોતો ઉર્ફે તારા આમળ ચૂડી (ભીલ) રાતોરાત આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગીને આ તરફ આવી ગયા હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું. બનાવની પ્રાથમિક તપાસ કરતાં આ બંને એકમેકને પ્રેમ કરતા હોવાનું, અને આ સંબંધ પરિવારજનોને મંજુર ન હોઈ, તેઓ ઘરેથી ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

તાજેતરમાં વરસેલા ભારે વરસાદના પગલે ભારત-પાકિસ્તાન વચ્ચેના અફાટ રણમાં છેક સુધી ગોઠણડૂબ પાણી ભરેલાં છે. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે ખાવા-પીવાની સામગ્રી, પૈસા વિના ૪૦ કિલોમીટર સુધી વરસાદના પાણીને પાર કરીને કચ્છના ખડીર દ્વીપ સમૂહના રતનપર સુધી આવી પહોંચેલા બંને કહેવાતા પ્રેમીઓ પાસેથી શંકાસ્પદ કાંઇ જ મળ્યું નથી. પગમાં ચપ્પલ પણ નથી.તેમની પાસેથી પૈસા, કોઇ ઓળખપત્ર પણ નથી.ઉલટતપાસ માટે બંનેને ભુજ ખાતેના જે.આઇ.સી. (જોઇન્ટ ઇન્ટરોગેશન સેન્ટર) ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું વી.એ.ઝાએ ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છના વાગડ પંથકની આંતરરાષ્ટ્રીય સરહદ પાસેથી અગાઉ અનેક વખત પાકિસ્તાની ઘૂસણખોરો ઝડપાયા છે. થોડા વર્ષો અગાઉ મહારાષ્ટ્રનો એક યુવાન પોતાની પાકિસ્તાની પ્રેમિકાને પામવા મોટરસાઇકલ વડે છેક સરહદ સુધી આવી પહોંચતાં ભારતીય સેનાએ તેને ઝડપી પાડયો હતો અને તેને પરત મોકલાવ્યો હતો.

4 દિવસ પહેલાં ભાગ્યાં, ટાપુ પર રોકાયાં, વરસાદનું પાણી પીધું

ખડીર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે મીર સમુદાયનો 16 વર્ષીય કિશોર અને 15 વર્ષીય કિશોરી વચ્ચે પ્રેમસંબંધ પરિવારને પસંદ ન હોવાથી ભાગી આવ્યાં. ચાર દિવસ અગાઉ રાત્રિના 12 વાગે તેઓ ઘરેથી બે લિટર પાણી અને થોડુંક જમવાનું લઈને નીકળ્યાં હતાં. તેઓ બીજા દિવસે ત્યાં રસ્તામાં આવતા એક ટાપુ પર રાત રોકાયાં હતાં, જ્યાં વરસાદી પાણી પી ને બીજા દિવસે સવારે ત્યાં રણનું પાણી પાર કર્યું હતું.

કચ્છમાં પાક. પ્રેમીના બે કિસ્સા

તારીખ 16-07-2020ના રોજ પાકિસ્તાની પ્રેમિકાને મળવા જતા મહારાષ્ટ્રના યુવકને કચ્છ સરહદ પરથી BSFએ ઝડપી પાડ્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનની કરાચીની કથિત યુવતીના પ્રેમમાં પાગલ બનેલા યુવકે પ્રેમિકાને મળવા કચ્છના રણ તરફનો માર્ગ પસંદ કર્યો અને પાકિસ્તાન જવા નીકળ્યો હતો.

તારીખ 25-09-2024ના રોજ પાકિસ્તાનના પંજાબમાં સ્થિત ગર્લફ્રેન્ડના એકતરફી પ્રેમમાં પાગલ જમ્મુ-કાશ્મીરનો યુવક ભારત પાકિસ્તાનની બોર્ડર ક્રોસ કરતાં ખાવડા પાસેથી ઝડપાયો હતો. ખાવડા પોલીસે પૂછપરછ બાદ કંઇ શંકાસ્પદ ન જણાતાં તેને છોડી દેવામાં આવ્યો હતો.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button