મચ્છર મારવાની અગરબત્તીથી આગ લાગતાં બે ભાઈ-બહેન દાઝ્યા: એકનું મોત

ભુજ: મચ્છર મારવાની અગરબત્તીનો ઉપયોગ કરતા વાલીઓ માટે ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. ભુજના સીમાવર્તી ખાવડા ગામે આવી અગરબત્તીનો તણખો ઝરવાથી લાગેલી આગમાં બે માસુમ બાળકો ઝપેટમાં આવી ગયા હતા.જેમાં બે વર્ષીય માસૂમનું મોત થતા સમગ્ર ખાવડા પંથકમાં અરેરાટી સાથે શોક છવાઈ જવા પામ્યો છે.
ગત રવિવારે પરોઢિયે બનેલા બનાવ અંગે જાણવા મળેલી વિગતો અનુસાર, ખાવડાના નવાવાસમાં રહેતા પરિવારે તેમના ઘરમાં મચ્છર મારવાની અગરબત્તી સળગાવી હતી. બે વર્ષની આયુનો પુત્ર અને ત્રણ વર્ષીય પુત્રી પલંગ પર સૂતા હતા અને મચ્છર મારવાની અગરબત્તી ચાલુ હતી એ દરમિયાન અગરબત્તી પલંગ પર પડતા ચાદરમાં આગ લાગી હતી.
જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને બંને બાળકો આગની ઝપેટમાં આવી જતા તાત્કાલિક માતા-પિતા જાગી ગયા અને આગ બુઝાવી બાળકોને સારવાર માટે લઈ ગયા હતા. ગંભીર રીતે દાઝી જવાના કારણે બે વર્ષીય મોસીન ક્યુમ સમાનું ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે ત્રણ વર્ષીય બહેન મુકશાના હાલે સારવાર તળે દાખલ હોવાનું જાણવા મળ્યું છે.ખાવડા પોલીસે એમએલસીના દાખલ કરી છે.