ભુજ-મુંબઈ વચ્ચે વધુ એક એર ઇન્ડિયાની વિમાન સેવા શરૂ: પ્રવાસીવર્ગમાં આનંદ | મુંબઈ સમાચાર
ભુજ

ભુજ-મુંબઈ વચ્ચે વધુ એક એર ઇન્ડિયાની વિમાન સેવા શરૂ: પ્રવાસીવર્ગમાં આનંદ

ભુજ: લાંબા સમયની પડતર માંગ બાદ આખરે કચ્છના મુખ્ય મથક ભુજને આર્થિક રાજધાની મુંબઇ સાથે જોડનારી વધુ એક વિમાની સેવાને એર ઇન્ડિયાએ શરૂ કરી દેતાં પ્રવાસીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.

કચ્છ અને મુંબઈને જોડનારી આ નવી વિમાની સેવાના પ્રથમ દિવસે જ મુંબઈથી ૧૬૨ પ્રવાસીઓ ભુજ આવ્યા હતા અને ૧૫૬ પ્રવાસી ભુજથી મુંબઈ ગયા હતા. એર ઈન્ડિયાની આ વિમાની સેવા બપોરે ૧ અને ૫૦ કલાકે મુંબઈથી ઉડાન ભર્યા બાદ ૩ અને ૨૦ કલાકે ભુજ આવી પહોંચે છે અને ઢળતી બપોરના ૪ કલાકે ભુજથી ઉડાન ભરી ૫ અને ૨૫ વાગ્યે મુંબઈ પહોંચે છે. ભુજથી સાંજના સમયે આ ફ્લાઈટ ઉડાન ભરતી હોવાથી કચ્છના એનઆરઆઈ પ્રવાસીઓને તેઓની વિદેશની ફ્લાઈટ માટે મુંબઈ વિમાની મથકે ઓછું રોકાણ કરવું પડશે તેમજ મુંબઈથી દેશના અન્ય મથકોની મોટાભાગની ફ્લાઈટ પણ સાંજ અને રાતે ઉડાન ભરતી હોવાથી મુંબઈથી કનેક્ટિંગ ફ્લાઈટ મેળવવી સરળ બનશે. આગામી માર્ચના અંત સુધી દરેક દિવસની સરેરાશ ૫૦ ટકા ટિકિટો હમણાથી જ બુક થઈ ચૂકી હોવાનું એર ઈન્ડિયા ભુજના મેનેજર એસ.બી.સિંઘે જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સંપન્ન થયેલા દિવાળીના તહેવારો દરમ્યાન મુંબઈ અને કચ્છ વચ્ચે થયેલા મોટી માત્રામાં પ્રવાસીઓના આવાગમનનાં પગલે તમામ ટ્રેન હાઉસફુલ થતાં વિમાનનાં ભાડાં ચાર ગણા થઈ ગયા હતા તેવામાં ભુજ-મુંબઈ વચ્ચે આ નવી વિમાની સેવા શરૂ થતાં મહદ્અંશે ભાડાં પણ નીચા આવશે તેવી આશા પ્રવાસીઓએ દર્શાવી હતી.

આપણ વાંચો:  મુંબઈ સહિત કોંકણ પરિસરમાં ૨૬થી ૩૦ ઓક્ટોબર દરમ્યાન ભારે વરસાદની ચેતવણી

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button