ભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં આજે દિવસભર સામાન્ય વરસાદ
ભુજ: બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલી વરસાદી સિસ્ટમની અસર હેઠળ રાજ્યના ભરૂચ સહિતના મથકોમાં વરસી રહેલા આફતરૂપી વરસાદ વચ્ચે રણપ્રદેશ કચ્છમાં દિવસભર સમયાંતરે અડધાથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમ્યાન ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
લીલા દુષ્કાળ ભણી આગળ વધી રહેલા રણપ્રદેશ કચ્છમાં છુટોછવાયો વરસાદ વરસવાનું ચાલુ રહ્યું છે અને વીતેલા ૨૪ કલાક દરમ્યાન ભુજને બાદ કરતાં સર્વત્ર અડધાથી બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
રાપરમાં બે ઇંચ, અબડાસા અને નખત્રાણામાં એક, અંજાર તાલુકામાં અડધો ઇંચ જયારે માંડવીમાં અડધોથી એક, જયારે ભુજ અને તેની આસપાસના વિસ્તારમાં ગોરંભાયેલા માહોલ વચ્ચે હળવા-ભારે ઝાપટાં સમયાંતરે વરસી રહ્યાં છે.
વાગડ પંથકમાં શરૂઆતમાં ધીમી ધારે વરસેલા વરસાદે ગતિ પકડી હતી અને બે-ત્રણ કલાકમાં અંદાજિત બે ઇંચ જેટલો વરસાદ પડતાં માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં હતાં. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં. મુખ્ય બજાર, ચાવલા ચોક, જવાહર ચોક, ભારતનગરની બજાર, મહેશ્વરીનગર, સુંદરપુરી, ગણેશનગર, મણિનગર, ખોડિયારનગર, કાર્ગો વગેરે વિસ્તારોમાં પાણી ભરાઇ રહ્યાં હતાં.
ખેંગારપર ગામની વાડીઓમાં વરસાદી પાણી ભરાઈ જતાં ખેડૂતો હાલાકીમાં મુકાયા છે. તો તાલુકાના વણોઈ-સુવઈ ગામ વચ્ચેની પાપડી પર વરસાદી પાણી ફરી વળતાં વાહન વ્યવહાર આંશિક પ્રભાવિત થયો છે.
હાલમાં પડેલા ભારે વરસાદમાંથી બેઠા થવાનો પ્રયાસ કરી રહેલા આ વિસ્તારોમાં આજે પડેલા વરસાદથી ઊભરાતી ગટર સહિતની સમસ્યાઓ ફરી પાછી ઊભી થઇ હતી. વાતાવરણ હજુ પણ ગોરંભાયેલું હોઈ, વધુ વરસાદ વરસે તેવી પ્રબળ સંભાવનાને લઈને વહીવટી તંત્ર સાબદું બન્યું છે.