ભુજ

No suicide: કચ્છમાં પતિ-પત્ની સહિત ચાર જણે મોત વ્હાલુ કર્યુંઃ કથળતું માનસિક સ્વાસ્થ્ય મોટી ચિંતા

ભુજ: દેશભરમાં ઘણા ખોટા અને કામ વિનાના મુદ્દાઓની ચર્ચા અને ચિંતા આપણે કરીએ છીએ, પરંતુ જે રીતે આત્મહત્યાઓ અને અન્ય વિકૃત ઘટનાઓ ઘટી રહી છે તે જોતા આપણે સૌએ કથળતા માનસિક સ્વાસ્થ્યની ચિંતા કરવાની જરૂર છે. માત્ર કચ્છ જિલ્લામાંથી જ રોજ આત્મહત્યાના કિસ્સાના સમાચારો આવતા રહે છે. કારણો જે પણ હોય આ યોગ્ય પગલું નથી અને આવી નિરાશા, તાણ કે વિકૃતિથી ઘેરાયેલા લોકો માટે માનસિક સ્વાસ્થ્ય સુધારવાના ઘમા ઉપાયો છે, પરંતુ આપણે હજુ તેના સુધી પહોંચી શક્યા નથી.

કચ્છના ચાર બનાવોની વાત કરીએ તો ગાંધીધામ તાલુકાના કિડાણાના દિનેશ શંભુ મ્યાત્રા (ઉ.વ.૨૮) નામના યુવકે અકાળે મૃત્યુ પામેલી પત્નીના વિરહમાં પોતે પણ ત્રીજા દિવસે આપઘાત કરીને જીવ ત્યાગી દેતાં ગમગીની પ્રસરી હતી.

પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પડાણાના હરિઓમ નગરમાં રહેતા ૨૮ વર્ષિય દિનેશ શંભુ મ્યાત્રાએ પોતાના ઘરના સીલીંગ ફેનમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે મોડેથી જાણ થતાં પરિવારજનો તેને રામબાગ હોસ્પિટલે લઈ ગયાં હતાં અને તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં દિનેશે તેની પત્નીના વિયોગમાં જીવ ટૂંકાવી દીધો હોવાનું જાણવા મળ્યું છે.

દિનેશની પત્ની જાગૃતિએ ગત બુધવારે રાત્રે સાડા આઠના અરસામાં ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. દિનેશ અને જાગૃતિ વચ્ચેના લગ્નનો સમયગાળો છ વર્ષનો હોઈ નિયમ મુજબ તેની તપાસ અંજારના નાયબ પોલીસ અધિક્ષકને સોંપાઈ છે. જાગૃતિના આપઘાતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી પતિ દિનેશે પત્નીના મૃત્યુના ૬૫ કલાકમાં પોતે પણ જીવ દઈ દેતા પરિવારે ત્રણ દિવસમાં બે સભ્યને ગુમાવ્યા છે.

આ પણ વાંચો…સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ગુજરાતના મુખ્ય પ્રધાનના મત વિસ્તારમાં જ મતદારો ઉદાસીન, માત્ર 31 ટકા જ થયું મતદાન

જોકે માત્ર આ બે જ નહીં કચ્છમાં બીજા બે જણે પણ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું છે. માંડવી તાલુકાના બિદડા ગામે રહેતાં પરિણીતા દમયંતીબેને કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. પ્રથમ ખાનગી બાદમાં માંડવીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. કોડાય પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. આ પ્રકારનો બીજો બનાવ બાયઠ ખાતે સામે આવ્યો હતો જેમાં માનસિક બીમાર એવો મૂળ રાજકોટનો હાલે અહીં રહેનારા રસિક વિંઝોડાએ કોઇ અકળ કારણે તેણે ગળેફાંસો ખાઇ લીધો હતો. હતભાગી પિતા જેરામભાઇએ ગઢશીશા પોલીસ સમક્ષ વિગતો જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button