ભુજમાં એક પરિવારના ઘરની બાલ્કનીમાં અડધી રાત્રે કોઈ નવજાત બાળકીને મૂકી ગયું!

ભુજઃ ભુજ શહેરના મુંદરા રોડ પર આવેલા જલારામ નગરમા રહેતા એક પરિવારના મકાનની બાલ્કનીમાં મધ્યરાત્રીના સુનકાર વચ્ચે કોઈ અજ્ઞાત માતા પોતાના કાળજાના કટકા સમાન નવજાત બાળકને મૂકી જતાં આ મુદ્દો ટોક ઓફ ઘી ટાઉન બન્યો છે.
આ હૈયું ધ્રુજાવી દેતી ઘટના અંગે મૂળ દાહોદના અને ભુજમાં ઈલેક્ટ્રીશિયન તરીકે કામ કરનારા ૪૦ વર્ષીય અનીલભાઈ નવલસિંહ ભીલે જણાવ્યું હતું કે તેઓ પત્ની તથા પાંચ પુત્રીઓ સાથે મુંદરા રોડ પર આવેલા જલારામ નગરમાં રહે છે. ગત રાત્રે ઘરે તેઓ નિંદ્રાધીન ત્યારે તેમની પુત્રી વંશિકા તેના હાથમાં એક નવજાત બાળકને લઈને તેમના રૂમમાં દોડી આવી હતી. આ બાળક વિશે પુછતા વંશિકાએ ધ્રુજતા અવાજે જણાવ્યું કે, તે નીચેના માળે આવેલા બાથરૂમ તરફ જતી હતી ત્યારે ઘરની બાલ્કનીમાં કોઈ બાળકનો રડવાનો અવાજ સંભળાયો હતો. બાલ્કનીમાં જઈને તપાસ કરતાં ઉઘાડી અવસ્થામાં એક નવજાત બાળક રડતું જોવા હતું. પરિજનો તથા મિત્રોનો સંપર્ક કરી, આ સંવેદનશીલ મામલામાં શું કરી શકાય તે અંગે ચર્ચા કર્યા બાદ હેલ્પલાઇન નંબર ૧૧૨માં ફોન કરીને બાળક વિશે જાણકારી આપતાં ૧૧૨ની ટૂકડી તેમના ઘરે દોડી આવી હતી અને નવજાત બાળકને તાત્કાલિક સારવાર અર્થે જી.કે.જનરલ હોસ્પિટલ દાખલ કરી દેવામાં આવી હતી.
આ ચોંકાવનારા કિસ્સાની તપાસ કરી રહેલા ભુજ બી-ડિવિઝનના પી.એસ.આઈ કે.એચ.આહીરે જણાવ્યું હતું કે, નવજાત બાળકી અંદાજે એક થી બે દિવસની છે અને સ્વસ્થ છે. બાળકીની કપાયેલી નાળ જોતા કોઈ તજજ્ઞ દ્વાર કપાઈ ન હોવાનું જણાઈ આવ્યું છે. ફરિયાદીના ઘર આસપાસના સીસીટીવી ફૂટેજીસ ખંગાળવાની કામગીરી ચાલી રહ્યાનું અને ફરિયાદી અનીલભાઈના ઘરે કોઈ અજાણી વ્યક્તિ ગુનાહિત ઈરાદાથી પ્રવેશ કરી નવજાત બાળકને ત્યજી તેના જીવને જોખમમાં મૂક્યા અંગેનો ગુન્હો દાખલ કર્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આપણ વાંચો: ભુજ-મુંબઈ વચ્ચે વધુ એક એર ઇન્ડિયાની વિમાન સેવા શરૂ: પ્રવાસીવર્ગમાં આનંદ



