પાડોશીઓએ શરાબ-સિગારેટ પીતા સગીરને બ્લેકમેલ કરી પડાવ્યા 32 લાખ | મુંબઈ સમાચાર

પાડોશીઓએ શરાબ-સિગારેટ પીતા સગીરને બ્લેકમેલ કરી પડાવ્યા 32 લાખ

ભુજઃ ભુજમાંથી રહસ્યમય સંજોગોમાં ગૂમ થયેલા છોકરાઓ અમદાવાદ એરપોર્ટ પરથી પોલીસને મળ્યા હતા, ત્યારે ઘરમાંથી મલામત્તા ચોરી મોજશોખ કરવા માટે કરી હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ પોલીસ તપાસમાં ચોંકાવનારું કારણ બહાર આવ્યું છે. હકીકતમાં આ સગીરોને તેનો પડોશી બ્લેકમેલ કરતો હતો અને તેણે જ તેમને ગોવા ફરવા જવા માટે દબાણ કર્યુ હતું.

શરાબ સિગારેટની પાર્ટી ભારે પડી

આ ઘટનામાં ફરિયાદી ટ્વિન્કલ સિંહ માધવેન્દ્રસિંહ રાજપૂતની ફરિયાદના આધારે પોલીસે ભુજ શહેરના રાહુલ ભગવાનજી સોલંકી અને માનકૂવાના રાહુલ ઉર્ફે રવિ મોહન મહેશ્વરી સામે ગુનો નોંધ્યો છે.

તેમના જણાવ્યા અનુસાર તેઓ ગત ૨૦મી જુલાઇના રોજ પોતાના કામ અર્થે ભુજથી દિલ્હી ગયા હતા. દીકરો ઘરે એકલો હોવાથી તેણે શરાબ-સિગારેટની પાર્ટી એન્જોય કરી હતી. રાહુલ પણ આ સમયે હાજર હતો અને તેણે સગીરનો વીડિયો ઉતારી લીધો હતો. રાહુલે આ વીડિયો માતાને બતાવી દેવાની ધમકી આપી બ્લેકમેલ કરી રૂ. ૧૫ લાખની માંગણી કરી હતી. ડરી ગયેલા પુત્ર પાસેથી ઘરની તિજોરીમાંથી રોકડ રૂ. ૮ લાખ અને રૂ. ૨૪.૩૦ લાખની કિંમતના દાગીના બળજબરીથી કઢાવી લીધા હતા.

ત્યાર બાદ ફરિયાદીના પુત્રને તેના મિત્ર સાથે ગોવા ફરવા માટે મોકલી દીધો હતો. જોકે, માતાને આ વાતની જાણ ન હતી. તેમનો પુત્ર ગુમ થતા શોધખોળ કરવામાં આવી હતી અને વ્યાકુળ બનેલા માતાએ એ-ડિવિઝન પોલીસ મથકે જઇ દીકરો અને ઘરમાંથી રોકડ દાગીના ગુમ હોવાની હકીકત જણાવતા પોલીસે કેસની તપાસ કરતા તેમનો પુત્ર અને તેનો મિત્ર અમદાવાદ બાજુ હોવાનો ઇનપુટ મળ્યા હતા. અમદાવાદની સ્થાનિક ગુન્હાશોધક શાખાને જાણકારી આપવામાં આવતાં તેમણે અમદાવાદ એરપોર્ટ પરથી બન્નેને ઝડપી લીધા હતા.

અમદાવાદ એરપોર્ટથી ઝડપાયા સગીરો

શરૂઆતમાં એક તબક્કે શ્રીમંત પરિવારના સગીરે મોજશોખ અને ફરવા માટે પોતાના જ ઘરમાંથી રોકડ અને દાગીના સહિતના મુદ્દામાલની ચોરી કરી ફરવા ગયો હોવાની વાત સામે આવી હતી. જોકે અમદાવાદથી આવ્યા બાદ ભુજમાં તેની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં તેણે સમગ્ર હકીકતો જણાવતા આ પ્રકરણમાં તેને બ્લેકમેલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

આરોપીઓએ બન્નેને ગોવા ફરવા જવાનું પ્લાનિંગ કરાવી આપ્યું હતું. જેમાં ભુજથી અમદાવાદ પહોચ્યા બાદ તેઓ હોટલમાં રોકાયા હતા અને ગોવાની ટીકીટ બુક કરાવી દીધી હતી.

આપણ વાંચો:  વ્હર્લપુલના ભારતીય યુનિટને ખરીદવાની રેસમાંથી મુકેશ અંબાણીની રિલાયન્સ બહાર, બે કંપનીઓ વચ્ચે સ્પર્ધા

પોલીસના ડરથી કલકતાની ટિકિટ બુક કરી અમદાવાદની હોટલમાં રોકાયેલા બન્ને સગીરોએ પ્રથમ ગોવા જવાનો પ્લાન કર્યો અને ટિકિટ પણ બુક કરી દીધી હતી. પરંતુ પોતાને પોલીસ પકડી લેશે તેવી બીકે ટિકિટ કેન્સલ કરી અને કલકતાની ટિકિટ બુક કરાવી હતી. જે બાદ એરપોર્ટ પર બોર્ડીંગ પણ કરાવી લીધું હતું. હોટલમાંથી નીકળેલા સગીરો સીધા એરપોર્ટ પર પહોચ્યા હતા જ્યાંથી કલકતા જવાના હતા. જયારે પોલીસ હોટલ પર પહોચી ત્યારે બન્ને ત્યાંથી નીકળી ચૂક્યા હતા જેથી પોલીસે એરપોર્ટ ઓથોરીટીને આ મામલે જાણ કરી બોર્ડીંગ અટકાવી દીધું હતું, જોકે બન્ને સગીરોના લગેજનું ચેક ઇન થઇ ગયું હતું.

હાલ આરોપીઓને ઝડપી મુદ્દામાલ રિકવર કરવા સાથે અન્ય કોઇ સંડોવાયેલા છે કેમ તે દિશામાં તપાસ ચાલુમાં હોવાનું ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ એ.એમ.પટેલે જણાવ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button