મુંદરાના નીલકંઠ મહાદેવ મંદિરના પ્રાંગણમાં ઝેરી મધમાખીએ હુમલો કરતા ભાગદોડ

ભુજઃ કચ્છના બંદરીય મુંદરા તાલુકાના ગુંદાલા ગામમાં આવેલા પ્રસિદ્ધ નીલકંઠ મહાદેવ મંદિરના પરિસરમાં ધસી આવેલાં ઝેરી મધમાખીઓના ઝુંડે આઠથી દસ દર્શનાર્થીઓ પર હુમલો કરી દેતાં અંદાજે પાંચથી સાત જેટલા શ્રદ્ધાળુઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
મળતી વિગતો પ્રમાણે, સવારના સાડા નવ વાગ્યાના અરસામાં ગુંદાલા ગામના તળાવ કાંઠે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં અચાનક કાળા રંગની આક્રમકઃ ઝેરી માખીનું ઝુંડ ધસી આવ્યું હતું અને પરિસરમાં ઘૂમી રહેલા દર્શનાર્થીઓને દંશ મારી દેતાં ચારથી વધારે દર્શનાર્થીઓને નજીકની સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક લઈ જવામાં આવ્યા હતા
આપણ વાચો: કર્નાલા ફોર્ટમાં ટ્રેકિંગ પર ગયેલા પર્યટકો પર મધમાખીઓનો હુમલો, એકનું મૃત્યુ નવ જણ ઈજાગ્રસ્ત…
જ્યાં પ્રાથમિક સારવાર આપીને રજા અપાઈ હતી, જ્યારે બાકીના દોઢ વર્ષના બાળકથી માંડીને વૃદ્ધ સુધીના છ-સાત દર્શનાર્થીઓને ઝેરી મધમાખીના ઝુંડે એકથી વધારે વખત દંશ માર્યા હોઈ, તેમને મુંદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી પડી છે. હાલ તમામની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી એપ્રિલ-મે મહિના સુધી ઝેરી મધમાખીઓના આક્રમકઃ ઝુંડ મધપૂળા બનાવવા માટે જંગલ વિસ્તારમાંથી માનવ વસવાટ વચ્ચે આવી ચઢે છે. ભૂતકાળમાં પણ આ પ્રકારના હુમલાના બનાવો બની ચૂક્યા છે.



