ભુજ

ચકચારી મુંદરા કસ્ટોડિયલ ડેથ કેસમાં નવો વળાંક: ૧૦ દિવસના જામીન પર મુક્ત થયેલો આરોપી પોલીસ કર્મી ફરાર

ભુજ: રાષ્ટ્રીય સ્તરે ચર્ચાસ્પદ બનેલા મુંદરાના પોલીસ મથકના જાન્યુઆરી ૨૦૨૧ના કસ્ટોડિયલ ડેથ કેસના મુખ્ય આરોપીઓ પૈકીનો પોલીસ કર્મચારી એવો શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ ટૂંકાગાળાના ૧૦ દિવસના જામીન પર છૂટયા બાદ હાજર ન થતાં તેને ફરાર જાહેર કરવામાં આવતાં પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે.

૧૦ દિવસના જામીન મંજૂર કર્યા

આ ચકચારી કેસમાં જે-તે સમયે ફરિયાદ નોંધાયા બાદ ફરાર થઇ ગયેલા મુખ્ય આરોપીઓ એવા શક્તિસિંહ, અશોક લીલાધર કનાદ અને જયદેવસિંહ અજિતસિંહ ઝાલાને કચ્છ-ગુજરાતની પોલીસ શોધી રહી હતી. આ દરમ્યાન ૬૫ દિવસ બાદ આ ફરાર આરોપીઓ સામેથી હાજર થયા હતા. જે-તે સમયે મુંદરા પોલીસના ડી-સ્ટાફના વડા એવા આરોપી શક્તિસિંહ ગોહિલે થોડા સમય પૂર્વે ગુજરાત હાઇ કોર્ટમાં વચગાળાના જામીનની માગણી કરતાં તા. ૨૪-૧૨-૨૦૨૫થી ૨-૧-૨૦૨૬ સુધી ૧૦ દિવસના જામીન મંજૂર કર્યા હતા.

જામીન પૂર્ણ થયે ૩-૧-૨૦૨૬ના રોજ ભુજની પાલારા ખાસ જેલમાં આરોપી હાજર ન થતાં જેલરે ગુજરાત હાઇ કોર્ટ, અમદાવાદ, એડિશનલ સેશન્સ જજ ભુજ, પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસવડાને આ અંગે જાણ કરી આ ફરાર આરોપીની ધરપકડ કરવા વિનંતી કરતો રિપોર્ટ કર્યો હતો. ખાસ સરકારી વકીલ અનિલભાઇ આર. દેસાઇ દ્વારા પણ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરાયો છે. આ કેસમાં મહત્વના આરોપી એવા શક્તિસિંહ,અશોક કનાદ અને જયદેવસિંહ ઝાલાની દલીલો કોર્ટમાં ચાલુ છે, તેવા જ તબક્કે આરોપી શક્તિસિંહ ફરાર થતાં કેસમાં નવો વળાંક આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત જાન્યુઆરી ૨૦૨૧માં ઘરફોડ ચોરીના કથિત ગુનામાં મુંદરા પોલીસે ત્રણ ગઢવી યુવકોને અચાનક ઉઠાવી, પોલીસ મથકમાં ગોંધી રાખીને અમાનુષી અત્યાચાર ગુજારતાં બે યુવકોના દર્દનાક મોત થયાં હતાં, એકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ચકચારી મામલે તત્કાલિન પોલીસ ઇન્સ્પેકટર પઢિયાર સહિત પાંચ પોલીસ કર્મી, ગ્રામ રક્ષક દળના બે જવાનો અને સમાઘોઘાના પૂર્વ સરપંચ સહિત દસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button