મુંદરામાં ભાજપમાં ભંગાણઃ અગ્રણી નેતાઓ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ્યા

ભુજ: કચ્છના મુંદરા તાલુકાના મોટી ભુજપુર ગામના કેટલાક નારાજ નેતાઓએ ભાજપમાંથી પક્ષ પલટો કરીને આમ આદમી પાર્ટીમાં વિધિવત જોડાઈ જતાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે.
આ પક્ષ પ્રવેશ કાર્યક્રમ મોટી ભુજપુર ગામ મધ્યે કચ્છ ઝોન પ્રભારી સંજય બાપટ અને કચ્છ લોકસભા ઇન્ચાર્જ ગાંગજીભાઈ મહેશ્વરીની અધ્યક્ષતામાં આયોજિત સ્નેહમિલન સમારોહમાં યોજાયો હતો જેમાં મુંદરા બાર એસોસિયેશનના પૂર્વ પ્રમુખ અને સિનિયર નોટરી એડવોકેટ રવિલાલ મહેશ્વરી, ભુપેન્દ્રસિંહ વાઘેલા, સૂરજ હરેશ જોષી, કિશોર જોષી, શાસ્ત્રી ઋષિ જોષી, મિત જોષી, વાલજી મહેશ્વરી, પ્રભાતસિંગ, રાજેન્દ્ર પંડિત, લક્ષમન ગઢવી સહિતના સક્રિય આગેવાનોએ ભાજપનો ખેસ ઉતારીને આમ આદમી પાર્ટીની કાર્યશૈલીમાં વિશ્વાસ રાખીને પ્રવેશ કર્યો હતો. આ તમામ રાજકારણીઓએ ગુજરાત પ્રદેશ સંગઠન પ્રધાન સંજય બાપટ અને કચ્છ લોકસભા ઇન્ચાર્જ ગાંગજીભાઈ મહેશ્વરીના હસ્તે ‘આમ આદમી પાર્ટી’નો ખેસ પહેરાવી સન્માન સાથે આવકારવામાં આવ્યા હતા.
મોટી ભુજપુર ખાતે આયોજિત આ પક્ષ પ્રવેશ કાર્યક્રમમાં મુંદરા શહેર પ્રમુખ ભરત ધેડા, પ્રશાંત રાજગોર, વિપુલસિંહ જાડેજા, પ્રભાતસિંહ જાડેજા, હર્ષદ ગઢવી, ઇબ્રાહીમ કોલી, ગોવિંદ મહેશ્વરી સહિત આમ આદમી પાર્ટીના અનેક હોદ્દેદારો તેમજ મોટી ભુજપુર ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 
સંજય બાપટે આ તમામ આગેવાનોને પાર્ટીમાં આવકારતા જણાવ્યું હતું કે, આ ઘટના દર્શાવે છે કે કચ્છની જનતા હવે પરિવર્તન ઈચ્છે છે અને ‘આપ’ની ઈમાનદારીની રાજનીતિમાં વિશ્વાસ મૂકી રહી છે. જનતાના હિત માટે કાર્ય કરવા માંગતા દરેક ઈમાનદાર વ્યક્તિ માટે ‘આમ આદમી પાર્ટી’ના દરવાજા હંમેશા ખુલ્લા જ રહેશે તેમ તેઓએ ઉમેર્યું હતું.
 
 
 
 


