રાપરના પુત્રીને અપહરણકારોથી બચાવવા જંગે ચઢેલી માતાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા

ભુજ: કચ્છના રાપર તાલુકાના ફતેગઢ નજીકના સુજાવાંઢમાં પોતાની સગીર વયની પત્રીને અપહરણકારના ચુંગાલમાંથી છોડાવવા માટે વચ્ચે પડેલી માતાની અપહરણકારોએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતાં પંથકમાં ચકચાર ફેલાઈ છે.
મૂળ લોદ્રાણીના અને છેલ્લા કેટલાક વર્ષોથી સુજાવાંઢમાં મજૂરીકામ કરનારાં જમણીબેન બાબુ કોલી (પારકરા) (ઉ. વ.૫૦) તેમની સગીર વયની પુત્રી સાથે વાડીએ જતા હતા ત્યારે હુમલાખોરો દ્વારા પુત્રીનો અપહરણ કરવાનો પ્રયાસ કરાયો હતો. વચ્ચે પડેલી તેની માતા જમણીબેન કોલી ઉપર અપહરણકારોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દેતાં તેમનું બનાવસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
ગાંધીધામની કિશોરીના અપહરણ, દુષ્કર્મ બદલ પાટણના યુવકને 10 વર્ષની સખત કેદ-દંડની સજા…
હુમલો કર્યા બાદ આરોપીઓ સગીરાનું અપહરણ કરીને નાસી ગયા હતા. ઘટનાની જાણ થતા રાપર પોલીસ દ્વારા મૃતદેહને રાપર સરકારી હોસ્પિટલ લઈ આવીને પંચનામા અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સગીરા સાથે પરણિત આરોપીને પ્રેમ સબંધ હોવાનું કારણ અને હુમલાખોરો પણ (પારકરા) કોલી સમાજનાં અને ફતેગઢ, લોદ્રાણીનાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.