મિત્રતા પર પૈસો ભારે પડ્યોઃ કચ્છમાં લેતીદેતી મામલે મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળ્યું

ભુજ: સરહદી જિલ્લા કચ્છમાં સતત બીજા દિવસે કરપીણ હત્યાનો વધુ એક બનાવ બહાર આવ્યો છે, જેમાં નાણાંની લેતી-દેતીના મનદુઃખમાં ઉશ્કેરાઈને ધંધાના ભાગીદાર મિત્રએ તેના વર્ષો જુના ખાસ મિત્રના ગળાને છરી વડે વેંતરી નાખીને ઘાતકી હત્યા કરી નાંખતા કચ્છ સહીત કચ્છમાં ભારે ચકચાર પ્રસરી છે.

બનાવ અંગે ગઢશીશાના પોલીસ ઈન્સ્પેક્ટર આર.બી. ટાપરીયાએ આપેલી માહિતી મુજબ, બંદરીય માંડવી તાલુકાના કોડાય ગામે રહેતા વિજય મનુ વૈષ્ણવ (ઉ.વ.૪૭) અને પરિમલ બિહારીલાલ પંડ્યા પાણી પુરવઠા અને નર્મદા નિગમમાં સિવિલ કોન્ટ્રાક્ટર તરીકે ભાગીદારી પેઢી ધરાવતા હતા. બંને ખાસ મિત્રો કોડાય ગામમાં પડોશમાં રહેતા હતા. ગત બુધવારની સવારે નવેક વાગ્યાના અરસામાં બે મિત્રો બોલેરો જીપકારમાં કામ અર્થે ગઢશીશા તરફ જવા નીકળ્યા ત્યારે રસ્તામાં બાકી નીકળતા નાણાંની લેતી દેતીના હિસાબ મામલે ભારે બોલાચાલી થઇ હતી જેમાં ક્ષણિક આવેગમાં આવી ગયેલા પરિમલ પંડ્યાએ ગઢશીશા નજીકના રાજપર ગામના નિર્જન સીમાડામાં જીપકાર લઇ જઈને, વિજય વૈષ્ણવને બહાર ઉતારી તેના ગળામાં છરીના ઊંડા ઘા મારીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ મૃતક મિત્રને લોહી નીંગળતી અવસ્થામાં પડતો મૂકીને પરિમલ પંડ્યા આત્મસમર્પણ માટે કોડાય પોલીસ મથકે પહોંચતાં આ સમગ્ર હત્યાકાંડનો મામલો બહાર આવ્યો હતો.
હાલ ગઢશીશા પોલીસે બનાવ અંગે ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.
આપણ વાંચો: કામધંધો ન કરતા પુત્રને ઠપકો આપવાનું પિતાને પડ્યું ભારેઃ બાપ ઊંઘમાં હતો ને દીકરાએ…