ફરી ભુજની જેલમાંથી મળ્યો મોબાઈલ ફોનઃ વારંવાર બનતી ઘટના ક્યારે રોકાશે

ભુજઃ સતત વિવાદોમાં ઘેરાયેલી રહેતી ભુજની પાલારા જેલમાં બંદિવાનો પાસેથી મોબાઇલ ફોન જેવી અનેક પ્રતિબંધિત ચીજ-વસ્તુઓ મળી આવવાના બનાવો સતત પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે ફરી એકવાર આ હાઈ સિક્યોરિટી જેલમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની આકસ્મિક તપાસ દરમ્યાન એક બિનવારસુ મોબાઇલ ફોન મળી આવતાં જેલતંત્ર દોડતું થયું છે.
આ અંગે જાણવા મળેલી વિગતો મુજબ, ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાના પગલે એસઓજીએ બી ડિવિઝન, પેરોલ ર્ફ્લો સ્ક્વોડ, બીડીડીએસ, ડોગ સ્ક્વોડ તથા જેલના ઝડતી સ્કવોડના પોલીસ અધિકારી-કર્મચારીઓને સાથે રાખીને પાલારા ખાસ જેલના સર્કલ-૧ અને ૨માં આવેલા યાર્ડ, બેરેક,પુસ્તકાલય, હોસ્પિટલ કેન્ટીનની જડતી લેવામાં આવી હતી. આ દરમ્યાન સર્કલ-૧માં એક ઓરડીની છત ઉપરની પાણીની ટાંકી પાસે કોથળીમાં રાખેલો સેમસંગ કંપનીનો બેટરી સાથેનો, સીમ વિનાનો કીપેઇડ મોબાઇલ મળી આવ્યો હતો.
આ પણ વાંચો: ભુજની પાલારા જેલમાં કાચા કામના કેદી પાસેથી એક્ટિવ સિમકાર્ડ સાથેનો મોબાઈલ ફોન મળી આવ્યો…
હાલ આ મોબાઈલ ફોનને તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા બાદ વધુ વિગતો બહાર આવે, તેવી સંભાવના છે. આ બેરેકમાં રહેલા કેદીઓને મોબાઈલ બાબતે પૂછવામાં આવતા કોઈ જવાબ મળ્યો ન હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજના એક આહીર યુવકને હનીટ્રેપમાં ફસાવી તેને આત્મહત્યા કરવા મજબુર કરનારી ટોળકીના તાર પાલારા જેલમાં રહેલી મનીષા ગોસ્વામી નામની કુખ્યાત મહિલા સાથે જોડાયા હતા અને પોતે જેલમાં રહી ને જ પોતાનું નેટવર્ક ચલાવતી હોવાનું પણ તપાસમાં ફલિત થયું હતું. આ જેલની સુરક્ષા વ્યવસ્થાની તપાસ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અંગત રસ લઈને કરાવે તેવું જાણકારો ઈચ્છી રહ્યા છે.