કચ્છમાં સમયસર આવી ગયા પરદેશી મહેમાનોઃ હવે પર્યટકો, ફોટોગ્રાફર્સ નાખશે ધામા

ભુજઃ સરહદી કચ્છમાં આ વર્ષે સારો વરસાદ વરસ્યા પછી એશિયાના સૌથી મોટા બન્ની ઘાસિયા મેદાનો જીવંત થઈ ગયા છે. બન્નીમાં વેટલેન્ડના મુખ્ય ચાર પ્રકાર છે જેમાં સૌથી નાનું પાણીનું વેટલેન્ડ કર અને ચછ, ઠાઠ અને બધાથી મોટો ધાંધ કહેવાય છે.
વાઇલ્ડ લાઈફ ફોટગ્રાફર પ્રતીક જોશીએ બન્ની મેદાનોની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે, બન્નીમાં મીઠા પાણીના સિઝનાલ ખાબોચિયા ભરાતા જોવા મળ્યા હતા, જેમાં શિયાળામાં યાયાવર પક્ષી આવતા હોય છે.
આપણ વાંચો: ટ્રાવેલ પ્લસ: શિયાળામાં ગુજરાતનાં વિવિધ ઘાસિયાં મેદાનોમાં કલરવ કરીને થનગનતા મુસાફર જીવ – કુંજ
રૂટ પ્રમાણે યુરોપ, મોંગોલિયા દેશથી આફ્રિકાના મેદાન તરફ જતા હોય છે એ દરમિયાન કચ્છમાં થોડો સમય રોકાણ કરતા હોય છે જેમ કે, સ્પોટેડ, ફલાયકેચર, રૂફોઉસ, ટેઈલેડ, સ્ક્રબ, રોબીન, શ્રીકેસ, જેકોબીન કુકો, યુરોપિયન નાઈટજર, યુરોપીન રોલર, વ્રાયનેક વગેરે આવી ગયા છે.
ભારતભરમાંથી પક્ષીવિદ કચ્છ તરફ યાયાવર પક્ષીઓને જોવા અને તસ્વીર લેવા આવી રહ્યા છે. ભુજ, માંડવી, બન્ની, નખત્રાણા, અબડાસા, ગાંધીધામ, અંજાર વિસ્તારની રખાલો અને જંગલ વિસ્તારમાં આ પક્ષીઓ જોવા મળતા હોય છે.
શિયાળાની ઋતુના ધીમા પગલે થઇ રહેલાં આગમન વચ્ચે કચ્છના આકાશમાં વૈયા તરીકે ઓળખાતા યુરોપિયન રોઝી સ્ટાર્લિંગ પક્ષીઓના ઝુંડ પણ સીમાડાઓમાં નજરે ચડવા લાગ્યા છે.

કાબરના કુળના અને દેખાવમાં કાબર સમાન લાગતા આ પક્ષીઓ પોતાના મધુર કલરવ તથા સમૂહ ઉડાનથી આકાશમાં સૂર્યકિરણ વિમાનો માફક એક લયમાં કવાયત કરતા હોય તેવાં દૃશ્યો સર્જે છે, જે પ્રકૃતિપ્રેમીઓ તથા ફોટોગ્રાફરો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. આ પક્ષીઓ દર વર્ષે એશિયા, ઉત્તર-પૂર્વ યુરોપથી લાંબી મુસાફરી કરીને અહીં આવી પહોંચે છે તથા માર્ચ સુધી અહીં રોકાણ કરે છે.
વસંત ઋતુ શરૂ થતાની સાથે તેઓ યુરોપની યાત્રાએ પરત ફરે છે, જ્યાં તેઓ માળા બાંધી નવી પેઢીને જન્મ આપે છે. આ વર્ષે કચ્છમાં સારા વરસાદને લીધે વિવિધ જળાશયો તથા હરિયાળી ખીલી ઉઠતાં યાયાવર પક્ષીઓ માટે અનુકૂળ નિવાસસ્થાન બન્યું છે જેથી રણથી લઇને છીછરા મેદાનો સુધીના વિસ્તારમાં અવનવા રૂપકડાં વિદેશી પક્ષીઓ પ્રવાસીઓ માટે પ્રકૃતિના નજારાને જોવાની સોનેરી તક સમાન બન્યું છે.